નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાને જેલની સજા ફટકારવામાં આવી છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે બુધવારે (24 મે, 2023) બે વર્ષ જૂના એક મારામારીના કેસમાં આપ નેતા અને અન્ય નવ વ્યક્તિને દોષિત ઠેરવ્યા હતા અને છ મહિનાની કેદની સજા આપી હતી. જોકે, પછીથી તેમને જામીન પર છોડી દેવાયા હતા.
વાસ્તવમાં પંચાયત ચૂંટણી દરમિયાન ટોળા પર હુમલો કરવા મામલે ચૈતર વસાવાને જેલની સજા થઈ છે. કોર્ટે આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને દરેક આરોપીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, કોર્ટે એમ ઠેરવ્યું હતું કે આરોપીઓ ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવાથી તેમને પ્રોબેશન પર છોડી દેવા જોઈએ.
ત્યારબાદ રાજપીપળા કોર્ટના ન્યાયાધીશ એન આર જોશીએ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ આરોપીઓને જામીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેમને સાત દિવસની અંદર 20,000 રૂપિયાના જામીન બોન્ડ જમા કરાવવા કહ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
ડિસેમ્બર-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ચૈતર વસાવા અને અન્યોએ હરીફ સરપંચ પદના ટેકેદારો પર હુમલો કર્યો હતો. ટેકેદારો બોગજ કોલીવાડા ગામે તાપણું કરી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા સહિત 10 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને ત્યારબાદ મારામારી થઇ હતી. આ કેસના ફરિયાદી સતિષ વસાવાએ ચૈતર વસાવા સામે પોતાની ઉપર સળગતા લાકડા વડે હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ આપ નેતા સહિત 10 લોકો સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
કેસની સુનાવણી નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. ગત બુધવારે (24 મે, 2023) ન્યાયાધીશ નેહલકુમાર જોશીએ આ કેસના આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને છ મહિનાની જેલની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ચૈતર વસાવાએ કરી હતી ભીલીસ્તાનની માંગ
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022ની ચૂંટણી દરમિયાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ચૈતર વસાવા ગુજરાતના પાંચ AAPના ધારાસભ્યોમાં સામેલ છે. ગત એપ્રિલમાં તેમનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે ભીલીસ્તાનની માંગ કરી હતી. વિડીયોના માધ્યમથી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભીલ અને આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વિડીયોમાં તેમણે આરોપ લગાવ્યા હતા કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિને નામશેષ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચૈતર વસાવાની અલગ ભીલીસ્તાનની માંગે આમ આદમી પાર્ટીની ભાગલા પાડવાની નીતિ સામે લાવી દીધી હતી. તેઓ ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતેલા 5 ધારાસભ્યો પૈકીના એક છે. AAP તમામ બેઠકો પર લડી હતી, પરંતુ માત્ર 5 જ બેઠકો પર જીત મળી શકી હતી.