Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ભાવનગર જેલના સળિયા ગણશે AAP નેતા યુવરાજસિંહ જાડેજા: રિમાન્ડ પૂર્ણ થતાં...

    હવે ભાવનગર જેલના સળિયા ગણશે AAP નેતા યુવરાજસિંહ જાડેજા: રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો હુકમ

    પોલીસને તપાસ દરમિયાન યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પાસેથી વધુ 7.5 લાખ રૂપિયા મળી આવ્યા છે. જેની સાથે 1 કરોડના તોડકાંડમાંથી 84 લાખ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે.

    - Advertisement -

    1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાને આખરે જેલમાં મોકલવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. 

    ડમીકાંડ ઉજાગર કરતી પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગત 21 એપ્રિલથી ભાવનગર પોલીસની કસ્ટડીમાં હતા. નિલમબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારબાદ વધુ 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આખરે આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલમાં મોકલાયા છે.

    કોર્ટે બાકીના બે આરોપીઓ કાનભા ગોહિલ અને અલ્ફાઝ ખાન પઠાણ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે બાકીના બે આરોપીઓ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા પહેલેથી જ જેલમાં છે. અન્ય એક આરોપી શિવુભા ગોહિલના રિમાન્ડ આવતીકાલે પૂર્ણ થશે. 

    - Advertisement -

    બીજી તરફ, પોલીસને તપાસ દરમિયાન યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ પાસેથી વધુ 7.5 લાખ રૂપિયા મળી આવ્યા છે. જેની સાથે 1 કરોડના તોડકાંડમાંથી 84 લાખ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે. બાકીની રકમની શોધખોળ હાલ ચાલી રહી છે. કુલ સાડા સાત લાખમાંથી પાંચ લાખ શિવુભાના બેન્ક અકાઉન્ટમાંથી અને અઢી લાખ તેમના એક મિત્ર પાસેથી મળી આવ્યા હતા. 

    યુવરાજસિંહ જાડેજાની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તેમણે તોડ કરીને મેળવેલી રકમમાંથી ગાંધીનગર નજીક દહેગામમાં એક પ્લોટ ખરીદ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસ અધિકારીઓ માહિતીની ખરાઈ કરવા માટે દહેગામ પહોંચ્યા હતા અને અહીં સરકારી રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા. અહેવાલોમાં જણાવ્યા મુજબ તોડની રકમ મળ્યા બાદ જાડેજાએ આ ડીલ કરી હતી. 

    શું છે કેસ? 

    ગત 5 એપ્રિલના રોજ AAP નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ કરવા પહેલાં તેમણે તેમાં નામ જાહેર કરી દેવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. 

    ડમીકાંડમાં આ બંનેની ધરપકડ બાદ તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમણે યુવરાજસિંહ અને તેમના માણસો સાથે ડીલ કરી હતી. ત્યારબાદ પોલીસે AAP નેતાને સમન્સ પાઠવ્યું હતું. તેઓ હાજર તો રહ્યા પરંતુ સંતોષકારક જવાબ ન આપતાં આખરે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં