Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગણીને બે દિવસ પણ ન ટકી ‘વિપક્ષી એકતા’: આમ આદમી પાર્ટીએ મૂકી...

    ગણીને બે દિવસ પણ ન ટકી ‘વિપક્ષી એકતા’: આમ આદમી પાર્ટીએ મૂકી શરત- ત્રીજી વખત રાહુલ ગાંધી પર દાવ ન લગાવાય, કોંગ્રેસે કહ્યું- કેજરીવાલને જેલમાં જવાનો ડર 

    આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત નહીં કરે. બીજી તરફ, કોંગ્રેસે કહ્યું છે કે, કેજરીવાલને જેલ જવાનો ડર છે અને તેથી વિપક્ષીય એકતાને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. 

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવા માટે એક થવા માટે તાજેતરમાં જ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓ બિહારના પટનામાં એકઠા થયા હતા. પરંતુ આ બેઠકમાં ‘એકતા’ તો બનવાની વાત દૂર રહી પરંતુ બાજી વધુ બગડતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત નહીં કરે. બીજી તરફ, કોંગ્રેસે કહ્યું છે કે, કેજરીવાલને જેલ જવાનો ડર છે અને તેથી વિપક્ષીય એકતાને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. 

    આમ આદમી પાર્ટીનાં પ્રવક્તા પ્રિયંકા કક્ક્ડે શનિવારે (24 જૂન, 2023) એક ટ્વિટ કરીને લખ્યું કે, ‘જો દેશ બચાવવો હોય તો સૌથી પહેલાં કોંગ્રેસે કહી દેવું જોઈએ કે ત્રીજી વખત પણ રાહુલ ગાંધી પર દાવ નહીં લગાવે અને સમગ્ર વિપક્ષ પર આ માટે દબાણ નહીં કરે. દેશહિતમાં આ બાબત બંધારણ બચાવવાથી પણ ઉપર છે.”

    કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે, “કેજરીવાલ એક તરફ કોંગ્રેસનું સમર્થન માંગી રહ્યા છે અને બીજી તરફ તેઓ રાજસ્થાન જઈને અમારા વરિષ્ઠ નેતાઓ પૈકીના એક અશોક ગેહલોત વિશે બોલી રહ્યા છે. સચિન પાયલટ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામે બોલી રહ્યા છે. શું તેઓ કોંગ્રેસનું સમર્થન લેવા માંગે છે કે અંતર બનાવવા માંગે છે? આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જે કહ્યું છે એ પહેલીવાર કહ્યું નથી. જે દિવસે (વિપક્ષી એકતાની) બેઠક થઇ હતી તે દિવસે સવારે પણ તેમણે કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું.” 

    - Advertisement -

    કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “કેજરીવાલ ભાજપ સાથે મળેલા છે અને જેલ નથી જવા ઇચ્છતા. તેમની જેલમાં જવાની તૈયારી છે કારણ કે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમના બે સાથીઓ પહેલેથી જ જેલમાં છે. તેમને તેઓ બહાર કાઢવા માંગે છે અને એટલે ભાજપ સાથે સમાધાન કરવા માંગે છે. તેઓ બેઠકમાં વિપક્ષની એકતા માટે નહીં તેને ખંડિત કરવા માટે જાય છે. તેઓ ઇચ્છતા હોય કે કોંગ્રેસ તેમને સમર્થન કરે, તો એવાં નિવેદનો શા માટે આપી રહ્યા છે? તમે કોઈ વ્યક્તિ વિરુદ્ધ પણ બોલો અને સમર્થન પણ માંગો તો એ બંને બાબતો સાથે નથી થઇ શકતી.”

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પટનામાં યોજાયેલી વિપક્ષી એકતાની બેઠકમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અન્ય તમામ પાર્ટીઓએ કેન્દ્ર સરકારના અધ્યાદેશ પર સમર્થન વ્યક્ત કર્યું હતું, પરંતુ કોંગ્રેસે વલણ સ્પષ્ટ કર્યું ન હતું. ઉપરાંત, અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેજરીવાલે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પણ આ બાબતને લઈને વાત કરી પરંતુ તેમણે દાદ આપી ન હતી. 

    આખરે આમ આદમી પાર્ટીએ એક નિવેદન જારી કરીને કોંગ્રેસે અધ્યાદેશને લઈને વલણ સ્પષ્ટ ન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ભવિષ્યમાં જે કોઈ વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કોંગ્રેસ સામેલ હશે તેમાં તેઓ નહીં જાય. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરકારને અધિકારીઓના ટ્રાન્સફર માટે સત્તા આપતો ચુકાદો જાહેર કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે એક અધ્યાદેશ લાવીને તેને પલટાવી દીધો છે. હવે મોન્સૂન સેશનમાં સંસદમાં આ ખરડો રજૂ કરવામાં આવશે, જેની સામે મતદાન કરવા માટે કેજરીવાલ દેશભરમાંથી તમામ પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં