Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદી-ભાજપને હરાવવા માટે એકઠા થયા હતા વિપક્ષી નેતાઓ, પહેલી જ બેઠકમાં...

    પીએમ મોદી-ભાજપને હરાવવા માટે એકઠા થયા હતા વિપક્ષી નેતાઓ, પહેલી જ બેઠકમાં ખટરાગ: આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

    કોંગ્રેસ, જે તમામ મુદ્દાઓ પર સ્ટેન્ડ લે છે તેણે હજુ આ અધ્યાદેશ વિરુદ્ધ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, આ મૌન તેમના ઈરાદા પર શંકા ઉપજાવે છે: આમ આદમી પાર્ટી

    - Advertisement -

    આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓ અત્યારથી જ પીએમ મોદી સામે લડવાની તૈયારીઓ કરવા માંડી છે. જેને લઈને આજે બિહારના પટનામાં એક બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં લગભગ મોટાભાગના વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. આમ તો નેતાઓએ ભવિષ્યમાં બેઠકો કરવાનું એલાન કર્યું છે પણ આજે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. 

    વિપક્ષી નેતાઓની બેઠકમાં આમ આદમી પાર્ટી તરફથી કન્વીનર અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સાંસદ સંજય સિંહ વગેરે નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીના અન્ય કોઈ પણ નેતા દેખાયા ન હતા. 

    આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસ સિવાય રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ધરાવતી તમામ 11 પાર્ટીઓએ કેન્દ્ર સરકારના અધ્યાદેશ સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભામાં તેનો વિરોધ કરશે. આગળ કહેવામાં આવ્યું કે, “કોંગ્રેસ, જે તમામ મુદ્દાઓ પર સ્ટેન્ડ લે છે તેણે હજુ આ અધ્યાદેશ વિરુદ્ધ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, આ મૌન તેમના ઈરાદા પર શંકા ઉપજાવે છે.”

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ જાહેરમાં આ અધ્યાદેશ વિરુદ્ધ પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે અને એમ જાહેર નહીં કરે કે રાજ્યસભામાં તેમના તમામ સાંસદો તેનો વિરોધ કરશે ત્યાં સુધી સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓની ભવિષ્યમાં યોજાનારી બેઠકોમાં જ્યાં કોંગ્રેસ સામેલ હશે ત્યાં આમ આદમી પાર્ટી સહભાગી નહીં બને. 

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર માટેની સત્તા દિલ્હી સરકારને આપતો આદેશ જારી કર્યો હતો. જેના થોડા સમય બાદ કેન્દ્ર સરકારે એક અધ્યાદેશ પસાર કરી કોર્ટના આ ચુકાદાને પલટાવી દીધો હતો. કોઈ પણ અધ્યાદેશ છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવાનો હોય છે, જેના કારણે આગામી ચોમાસુ સત્રમાં સરકાર આ બિલ સંસદના બંને ગૃહમાં રજૂ કરશે. જેને રદ કરાવવા માટે કેજરીવાલ હાલ દેશભરમાં ફરીને વિવિધ પાર્ટીઓનું સમર્થન માંગી રહ્યા છે. 

    શુક્રવારે વિપક્ષી નેતાઓની બેઠક યોજાય તે પહેલાં આમ આદમી પાર્ટીએ જાહેર કરી કહ્યું કે, જો સરકારના અધ્યાદેશ સામે કોંગ્રેસ સમર્થન નહીં આપે તો તેઓ બેઠકમાંથી વૉક આઉટ કરશે. જોકે, આજે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા તો હતા પરંતુ કોંગ્રેસે મગનું નામ મરી ન પાડતાં તેમણે અંતર બનાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં