માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ ટ્વિટરના એક વરિષ્ઠ એન્જીનિયરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ સ્વીકારે છે કે ટ્વિટર પર કઈ રીતે વામપંથીઓ કબજો જમાવીને બેઠા છે અને કઈ રીતે માત્ર દક્ષિણપંથી અકાઉન્ટ્સ પર સકંજો કસવામાં આવે છે.
વાયરલ વિડીયોમાં સિરુ મુરુગેસન નામના એન્જીનિયર પ્રોજેક્ટ વેરિટાસ સાથે કામ કરતા એક પત્રકાર સાથે વાતચીત કરતા અનેક ખુલાસા કરતા જોવા મળે છે. આ વિડીયો પત્રકાર ટિમ પૂલે મંગળવારે (17 મે 2022) ટ્વિટર પર શેર કર્યો હતો. ટ્વિટરના એન્જીનિયરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મુરુગેસન કહે છે, “ટ્વિટર ફ્રી સ્પીચમાં માનતું નથી. જ્યારે ઈલોન ફ્રી સ્પીચમાં માને છે. તેઓ મૂડીવાદી છે અને અમે મૂડીવાદી તરીકે નહીં પણ સમાજવાદી તરીકે કામ કરી રહ્યા હતા.” તેઓ આગળ કહે છે, “વૈચારિક રીતે આવી વાતોનો કોઈ અર્થ નથી, કારણ કે અમે વામપંથને નહીં પરંતુ દક્ષિણપંથને સેન્સર કરી રહ્યા છીએ.”
Breaking from Project Veritas
— Tim Pool (@Timcast) May 16, 2022
Twitter employee confirms bias at Twitter
Seems I was right
Because conservatives tolerate leftist speech and leftist won’t tolerate the right, Twitter opts to censor the right as “balance”@elonmusk pic.twitter.com/zjAYwcIbol
તેમણે આગળ કહ્યું, “રાઈટ વિંગ સાથે ભેદભાવ થાય તે પણ સત્ય છે. પક્ષપાત થાય છે અને તે સાચું જ છે. મને નથી ખબર કે એક મંચ પર બે પક્ષો કઈ રીતે સહઅસ્તિત્વમાં રહી શકે છે.” તેમણે એ પણ જણાવ્યું કે તેમના ડાબેરી સહકર્મચારીઓ ‘મૂડીવાદી’ ઈલોન મસ્ક દ્વારા ટ્વિટર અધિગ્રહણના વિચાર માત્રથી અકળાઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, “જ્યારથી ટ્વિટર ડીલ થઇ છે ત્યારથી કંપનીમાં ઘણુંબધું બદલાઈ ચૂક્યું છે. હું તો ઠીક છું પરંતુ મારા કેટલાક સાથીઓ સુપર લેફ્ટ જેવા છે. તેમની માનસિક્તા એવી થઇ ગઈ છે કે, જો ખરેખર આવું થશે તો તે દિવસ અહીં મારો અંતિમ દિવસ હશે.“
તેમણે કામ કરવામાં કઈ રીતે બેદરકારી દાખવવામાં આવે છે તે મામલે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેઓ દર અઠવાડિયે માત્ર 4 કલાક જ ઑફિસ જતા હતા.
તેમણે આગળ કહ્યું, “ટ્વિટરમાં એવું લાગે છે કે માનસિક સ્વાસ્થ્ય જ સર્વસ્વ છે. જેમ કે, તમને સારું ન હોય તો તમે થોડા દિવસો માટે રજા લઇ શકો છો. લોકો મહિનાઓની રજા લઇ લે છે અને પછી પરત ફરે છે. આવી રીતે તમે તમારું શ્રેષ્ઠ યોગદાન આપી શકો છો. પરંતુ મૂડીવાદીઓની માનસિકતા એવી હોય છે કે, ‘તમારે નફો મેળવવાના જ પ્રયત્નો કરવા પડશે અથવા તમને બહાર કરી દેવામાં આવશે.’ ઘણા લોકો આવા માહોલમાં કામ કરી શકતા નથી”.
તદુપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે ટ્વિટર માટે કામ કર્યા બાદ તેમન રાજકીય વિચારો પર પણ અસર પડી છે. તેમણે કહ્યું, ‘જેવું મેં ટ્વિટર માટે કામ કરવાનું શરૂ કર્યું કે હું ડાબેરી બની ગયો. મને લાગે છે કે ત્યાં આવો જ માહોલ છે અને તમે પણ તેવા જ થઇ જાઓ છો.”
ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે 44 બિલિયન ડૉલરના કરાર કરીને ટ્વિટર ખરીદી લીધું હતું તે પહેલાં મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને જે બાદ તેઓ કંપનીના સૌથી મોટા શેરધારક બની ગયા હતા. જે બાદ તેમણે કંપનીનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે ટ્વિટર બોર્ડે સ્વીકારી લીધો હતો.