રેગિંગની ઘટનાઓને લઈને શૈક્ષણિક એજન્સીઓએ ખૂબ જ કડક અભિગમ અપનાવ્યો છે. આમ છતાં આવી ઘટનાઓ સામે આવી જ જાય છે. આવો તાજેતરનો એક કેસ ડિબ્રુગઢ યુનિવર્સિટી (DU)થી સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થીને સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા રેગિંગના નામે એટલો બધો હેરાન કરવામાં આવ્યો કે આસામના વિદ્યાર્થીએ રેગીંગથી ત્રાસીને બીજા માળથી છલાંગ લગાવી દીધી. આ વિદ્યાર્થીની હાલત નાજુક છે.
જોકે, ડિબ્રુગઢ યુનિવર્સિટીએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઓફિસે જુનિયર વિદ્યાર્થીઓના રેગિંગમાં કથિત સંડોવણી બદલ આરોપી 21 વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે. તો બીજી તરફ, પોલીસે ચાર આરોપી વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને એક મુખ્ય આરોપી નિરંજન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. કેમ્પસના બીજા માળથી આસામના વિદ્યાર્થીએ છલાંગ લગાવી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો, હાલ તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
UPDATE | Dibrugarh University ragging case: Office of the university registrar rusticates 21 students of Dibrugarh University for their alleged involvement in ragging junior students of the university.
— ANI (@ANI) November 28, 2022
રેગિંગની આ ઘટના રવિવાર (27 નવેમ્બર, 2022)ના રોજ બની હતી. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ આનંદ સરમા તરીકે થઈ છે. યુનિવર્સિટીના એમ.કોમ.ના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થી સરમાએ રેગિંગથી બચવા હોસ્ટેલના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. યુનિવર્સિટી હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આનંદ સરમા પર કથિત રીતે શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું. ત્રાસના ડરથી ગભરાઈને આનંદે રેગિંગથી બચવા માટે હોસ્ટેલની બિલ્ડીંગ પરથી કૂદી ગયો હતો.
બીજી તરફ વિદ્યાર્થીના પરિવારજનોએ હોસ્ટેલના સિનિયરો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આરોપ છે કે વિદ્યાર્થી છેલ્લા એક અઠવાડિયાથી રેગિંગનો શિકાર હતો. શનિવારે (27 નવેમ્બર, 2022) રાત્રે પણ, તેના સીનીયરોએ તેને સળિયા અને બોટલોથી ત્રાસ આપ્યો હતો. આ સિવાય તેને 80 વાર થપ્પડ પણ મારવામાં આવી હતી. તેમ છતાં હોસ્ટેલ વોર્ડને કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
આ ઘટના અંગે પ્રતિક્રિયા જાહેર કરતી વખતે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે (27 નવેમ્બર, 2022) જણાવ્યું હતું કે કથિત રેગિંગ કેસમાં આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસામના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કડક તકેદારી રાખવામાં આવી રહી છે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ‘નો ટુ રેગિંગ’ કહેવા પણ વિનંતી કરી હતી.
સીએમ શર્માએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “જિલ્લા વહીવટીતંત્ર સાથે ક્લોઝ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોપીને પકડવાના તમામ પ્રયાસો ચાલુ છે અને પીડિતને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને અપીલ છે કે, રેગિંગને ના કહે.”
It has come to notice that a Dibrugarh University student is hurt in an alleged case of ragging. Close watch maintained & followup action coordinated with district admn. Efforts on to nab the accused, victim being provided medical care.
— Himanta Biswa Sarma (@himantabiswa) November 27, 2022
Appeal to students, say NO to Ragging.
પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 120B/341/395/307/143 હેઠળ આ મામલે FIR નોંધી છે. શહેરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે એક આરોપી નિરંજન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણની રેગિંગ, લૂંટ અને હત્યાના પ્રયાસના સંબંધમાં અટકાયત કરવામાં આવી છે.