ગુજરાતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન ત્રીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે પતી ગયું હોવાથી રાજ્યનું પોલીસ અને વહીવટી તંત્ર માંડ શાંતિનો શ્વાસ લઇ રહ્યું હશે એવામાં અમદાવાથી એક એવા મોટા સમાચાર આવ્યા છે જેને સૌની ચિંતા વધારી છે. થોડા જ કલાકો પહેલા ગુજરાત ATSએ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે.
અહેવાલો અનુસાર કેન્દ્રીય રક્ષા એજન્સીઓ દ્વારા મળેલા ઇનપુટ અનુસાર કાર્યવાહી કરીને ગુજરાત ATSએ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી શ્રીલંકાથી આવેલા 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં સોનાની દાણચોરી અટકાવવા માટે સઘન તપાસ ચાલી જ રહી હતી, જેમાં આ આતંકીઓ હાથે લાગ્યા છે.
Four ISIS terrorists, who are Sri Lankan nationals, arrested at Ahmedabad airport: Gujarat ATS pic.twitter.com/pTHwPlZfnM
— ANI (@ANI) May 20, 2024
હાલ ગુજરાત ATSએ ISISના આ ચારેય આતંકીઓને ધરપકડ કરી લીધી છે. સાથે જ તપાસમાં તેમના મોબાઈલમાંથી કેટલીક શંકાસ્પદ ચેટ પણ મળી આવી છે. અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ પાકિસ્તાનના કોઈક હેન્ડલરના ઈશારાઓ પર કામ કરી રહ્યા હતા. અમદાવાદ પહોંચ્યા બાદ અહીં તેમને હથિયારો પણ મળવાના હતા. હાલ એજન્સી આ આતંકીઓની પૂછપરછ કરીને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તેમના ઇરાદા શું હતા અને શા માટે તેઓ ભારત અને ખાસ કરીને અમદાવાદ આવ્યા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના એક મૌલવી મૌલાના સોહેલ અબુબકર ટીમોલની સુરત પોલીસ દ્વારા શનિવારે (4 મે) ધરપકડ કરવામાં આવી હતી. જે પાકિસ્તાની હેન્ડલરના આદેશો પર કામ કરીને હિંદુ નેતાઓને મારવા માટે પ્લાન બનાવતો હતો અને પાકિસ્તાની નંબરોથી તેમને ધમકીઓ પણ આપતો હતો.