Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતવડનગરમાંથી મળી 2800 વર્ષ જૂની માનવ વસાહત: 7 વર્ષથી ચાલુ હતું સંશોધન,...

    વડનગરમાંથી મળી 2800 વર્ષ જૂની માનવ વસાહત: 7 વર્ષથી ચાલુ હતું સંશોધન, સોના-ચાંદી સહિત 1 લાખથી વધુ અવશેષો મળ્યા; દેશના PMનું છે ગામ

    તાજેતરની અપ્રકાશિત રેડિયોકાર્બન તારીખો દર્શાવે છે જે સંશોધનમાં મળેલી માનવ વસાહત 1400 BC જેટલી જૂની હોય શકે છે. તે પોસ્ટ-અર્બન હડપ્પાકાળના છેલ્લા તબ્બકાની સમકાલીન હોવી જોઈએ. આ સંશોધન ભારતમાં છેલ્લા પાંચ હજાર વર્ષથી સાંસ્કૃતિક સાતત્ય હોવાનું સૂચવે છે, જેથી કહેવાતો અંધકાર યુગ દંતકથા હોય શકે છે.

    - Advertisement -

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ એવા ગુજરાતના વડનગરમાંથી પુરાતત્વ વિભાગના સર્વે દરમિયાન જમીનની નીચેથી અંદાજે 2800 વર્ષ જૂની માનવ સંસ્કૃતિના પુરાવાઓ મળી આવ્યા છે. વર્ષ 2016થી વડનગરમાં ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ), IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખડગપુર) અને JNUના (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) સંશોધકોની ટીમ સંશોધનનું કાર્ય કરી રહી છે. 7 વર્ષથી ચાલી રહેલા સંશોધનમાં ટીમને સફળતા મળતા અંદાજે 800 BC સમયની માનવ વસાહત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.

    IIT ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડો.અનિન્દ્ય સરકાર માહિતી આપતા જણાવે છે કે, જ્યાં પુરાવા મળી આવ્યા છે ત્યાં વર્ષ 2016થી ખોદકામ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સંશોધન ટીમે 20 મીટર ઊડું ખોદકામ કર્યું છે. જેમાંથી મળેલા પુરાવા સૂચવે છે કે અહીં 3500 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને અસ્ત થયો હોવો જોઈએ.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, IIT ખડગપુરની ટીમ અહિયાં 5 વર્ષથી ભારતીય પુરાતત્વ વિભાગ સાથે સંશોધન કાર્ય કરી રહી છે. જેમાં માનવ વસાહત સાથે એક જુનો બૌધ મઠ પણ મળી આવ્યો છે. જેના પર હાલ રીસર્ચ ચાલુ છે. તેમણે કહ્યું કે, તાજેતરની અપ્રકાશિત રેડિયોકાર્બન તારીખો દર્શાવે છે જે સંશોધનમાં મળેલી માનવ વસાહત 1400 BC જેટલી જૂની હોય શકે છે. તે પોસ્ટ-અર્બન હડપ્પાકાળના છેલ્લા તબ્બકાની સમકાલીન હોવી જોઈએ. આ સંશોધન ભારતમાં છેલ્લા પાંચ હજાર વર્ષથી સાંસ્કૃતિક સાતત્ય હોવાનું સૂચવે છે, જેથી કહેવાતો અંધકાર યુગ દંતકથા હોય શકે છે.

    - Advertisement -

    વડનગરમાં સંશોધન કાર્ય કરતા ASIના પુરાતત્વવિદ અભિજીત આંબેકર જણાવે છે કે, એક ઊંડી ખાઈમાં કરવામાં આવેલા ખોદકામમાં સાત સાંસ્કૃતિક કાળની હાજરી હોવાનું સામે આવ્યું છે. જેમાં મૌર્ય સામ્રાજ્ય, ઇન્ડો ગ્રીક, શક ક્ષત્રપ, હિંદુ-સોલંકી, સલ્તનત-મુગલથી લઈને ગાયકવાડ-બ્રિટીશ સંસ્થાનવાદી શાસન સુધીનો સમાવેશ થાય છે.

    તેમણે જણાવ્યું કે, સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો, સોનું, ચાંદી, અને લોખંડની વસ્તુઓ મળી આવી હતી. સાથે જટિલ પ્રકારની પુરાતત્વકાલીન કલાકૃતિઓ પણ આવી હતી, જેનો આકાર બંગડી જેવો હતો. આ ઉપરાંત ઇન્ડો-ગ્રીક શાસનકાળના ગ્રીક રાજા એપોલોડેટ્સના સિક્કાઓના મોલ્ડ પણ મળી આવ્યા હતા.

    આ વિશે વાત કરતા વડનગરના સ્થાનિક રહેવાસી ભાર્ગવ પટેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “આ માત્ર વડનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે અગત્યની અને ગૌરવની વાત છે. છેલ્લા ઘણાં વર્ષોથી અહીં જુદી જુદી ટુકડીઓ ખોદકામ અને સંશોધનો કરી રી હતી. પરંતુ અમે પહેલાંથી જાણતા હતા કે અમારું ગામ પ્રાચીન સમયથી માનવ સભ્યતાના કેન્દ્રમાં રહેલું હતું.”

    ઉલ્લેખનીય છે કે દેશની ઐતિહાસિક હેરીટેજ જગ્યાઓમાં ગુજરાતના વડનગરનું મહત્વનું સ્થાન છે. માનવામાં આવે છે કે, વડનગર ભારતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પ્રારંભિક યુગથી લઈને મધ્યયુગ સુધીનો ઈતિહાસ સચવાયેલો છે. પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોર જણાવે છે કે, PM મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી વડનગરમાં સંશોધન કાર્ય ચાલુ છે. જેમાં વર્તમાન સમય સુધી 1 લાખથી વધુ અવશેષો મળ્યા છે. વડનગરમાં અત્યાર સુધી 30 જેટલી સાઈટ પર ખોદકામ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વડનગરને જીવંત પ્રાચીન નગર તરીકે વિકસાવવાની યોજના પર સતત કામ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં