દિલ્હીમાં 15 વર્ષની મુસ્લિમ કિશોરી પર સાસરીયાઓએ એ હદે અમાનવીય અત્યાચાર ગુજાર્યો કે માણસની અંતરઆત્મા હચમચી જાય. આ કિશોરીએ આરોપ લગાવ્યો છે કે તેના અમ્મી-અબ્બુ દ્વારા 15 વર્ષની ઉંમરે બળજબરીથી તેના નિકાહ કરાવી દીધા અને હવે તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી છે. સગીરાનું કહેવું છે કે જ્યાં તેના નિકાહ થયા છે ત્યાં તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે. કિશોરીની ફરિયાદ મળ્યા બાદ દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે.
અહેવાલો અનુસાર દિલ્હીના દરિયાગંજની રહેવાસી પીડિત કિશોરીએ દિલ્હી મહિલા આયોગને ફરિયાદ કરી હતી કે તેના નિકાહ ફેબ્રુઆરી 2022માં ઉત્તર પ્રદેશના બદાયુંમાં થયા હતા. તે સમયે તેની ઉંમર 15 વર્ષની હતી. નિકાહ બાદ તે ગર્ભવતી થઈ હતી, પરંતુ તેના સાસરિયાઓએ તેનો ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગરમ તવાથી ડામ, વીજળીના તારથી કરંટ અપાયો
પીડિતાના કહેવા અનુસાર તેનો શોહર અને સાસરા પક્ષના અન્ય લોકો તેને ઢોર માર મારતા હતા. તેનો શોહર તેને ગરમ તવા વડે ડામ દેતો હતો અને વીજળીના ખુલ્લા તારથી કરંટ આપતો હતો. આ સિવાય વીજળીના તાર અને ડીસમીસ વડે તેને એ હદે માર મારવામાં આવતો કે શરીર પર નિશાન પડી જાય, આ દરમિયાન તે ગર્ભવતી થઇ જતા તેના સાસરિયાં તેનો ગર્ભપાત કરાવવાની પણ કોશિશ કરી હોવાનો આરોપ પીડિતાએ લગાવ્યો હતો.
મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટીસ ફટકારી
આ ઘટના સામે આવતાંની સાથે જ DCW (દિલ્હી મહિલા આયોગ) ચીફ સ્વાતિ માલીવાલે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. આયોગે આ કેસમાં કરવામાં આવેલી એફઆઈઆરની નકલ સાથે ધરપકડની માહિતી માંગી છે. આયોગે 22 ડિસેમ્બર, 2022 સુધીમાં આ મામલામાં લેવાયેલ પગલાંનો રિપોર્ટ પણ માંગ્યો છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ બાબતે કહ્યું હતું કે, અમને બાળ લગ્ન અને 15 વર્ષની કિશોરી સાથે અત્યાચારની ફરિયાદ મળી છે. કિશોરીને ગર્ભપાતની દવાઓ આપવામાં આવી હતી, વાયરથી વીજ કરંટ અને ડામ પણ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અમે દિલ્હી પોલીસને કડક કાર્યવાહી માટે નોટિસ પાઠવી છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
दरियागंज में रहने वाली 15 साल की मुस्लिम बच्ची की ज़बरन शादी करवा दी गई। बच्ची को गर्भ गिराने की दवाइयाँ खिलाई गई, तार से करंट लगाया गया, गरम तवे से मारा गया। दिल्ली पुलिस को सख़्त कार्यवाही हेतु नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/8OVlRInpGy
— Swati Maliwal (@SwatiJaiHind) December 19, 2022
વધુમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે “હું જાણું છું કે મુસ્લિમ પર્સનલ લો 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની સગીરાઓના નિકાહની મંજૂરી આપે છે, પરંતુ હું માનું છું કે તે બર્બરતા પૂર્ણ છે. આવા કિસ્સાઓમાં દેશનો કાયદો એટલે કે POCSO લાગુ થવો જોઈએ. અમે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. આ મામલે એફઆઈઆર નોંધવી જોઈએ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.