ડમીકાંડના ખુલાસા કરતી પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરીને ફસાવી દેવાની ધમકી આપીને એક કરોડ પડાવી લેવાના કેસમાં ગુનો નોંધાયા બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ સુરતથી તેમના સાળા અને આ કેસમાં આરોપી કૃષ્ણરાજસિંહ ગોહિલ ઉર્ફે કાનભાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોલીસ સમક્ષ પૈસા લીધા હોવાની કબૂલાત કરી લીધી છે અને પોલીસને 38 લાખ રોકડા મળી પણ આવ્યા છે.
કાનભાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે એક કરોડની ડીલ કરી હતી અને યુવરાજસિંહની સૂચનાથી પૈસા મેળવ્યા હતા. તેમણે આ રૂપિયા તેમના ભાઈ અને આ કેસના અન્ય એક આરોપી શિવુભાના એક મિત્રના ઘરે છુપાવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં 38 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં કાનભાએ કબૂલાત કરી હતી કે તેમણે બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા મારફતે પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી એક કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા માટે તેમના ભાઈ શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાની ઓફિસે ડીલ કરી હતી. આ ડીલ યુવરાજસિંહની પાંચ એપ્રિલની પ્રેસ કોન્ફરન્સમાં ડમીકાંડમાં નામ જાહેર ન કરવા બદલ કરવામાં આવી હતી અને જેમાં યુવરાજની સૂચનાથી જ તેમણે પૈસા સ્વીકાર્યા હોવાનું કબૂલ્યું હતું.
જાણવા મળ્યા અનુસાર, પ્રકાશ અને પ્રદીપ પાસેથી મળેલા આ પૈસા શિવુભાએ લઈને તેમના એક મિત્રના ફ્લેટમાં બેગમાં મૂકીને તાળું મારી દીધું હતું. કાનભાની કબૂલાત બાદ તેમની દોરવણીના આધારે પોલીસે ફ્લેટમાં જઈને તપાસ કરતાં ત્યાંથી રૂ. 38 લાખ રોકડા મળી આવ્યા હતા.
વધુ પૂછપરછમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, પ્રદીપ અને પ્રકાશ પાસેથી પૈસા કઢાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીને કમિશન પેટે પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે આ દસ લાખ રૂપિયા મેળવ્યા હોવાની કબૂલાત ઘનશ્યામ અને બિપિન પણ કરી ચૂક્યા છે. આ બંનેને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઘનશ્યામ અને બિપિનને મળેલા કુલ 10 લાખ રૂપિયા રિકવર કરવા માટે હાલ ભાવનગર પોલીસે તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, યુવરાજસિંહ 7 દિવસના રિમાન્ડ પર છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે.