Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસ સાથેના ગઠબંધનમાં ભરૂચ-ભાવનગર બેઠકો AAPને આપવા પાછળ શું હોય શકે ગણિત?...

    કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં ભરૂચ-ભાવનગર બેઠકો AAPને આપવા પાછળ શું હોય શકે ગણિત? સાચું પડવાની શક્યતાઓ એટલી જ છે, જેટલી 2022માં ગુજરાતમાં AAPની સરકાર બનવાની હતી!

    ચૂંટણીઓ કોઇ એક મુદ્દે લડવામાં આવતી નથી. માત્ર જાતિવાદના જોરે આખી લોકસભા બેઠક જીતી શકાય એમ માનવું નરી મૂર્ખામી છે. ચૂંટણીમાં ઘણાં બધાં પરિબળો ભાગ ભજવે છે.

    - Advertisement -

    ત્રણ-ચાર દિવસની ચર્ચાઓ અને રાજકીય ઉથલપાથલ બાદ હવે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન જાહેર કર્યું છે. કુલ 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. બાકીની 2 બેઠકો પર AAP, જે આ બંને બેઠકો પર ઉમેદવારો પહેલેથી જ જાહેર કરીને બેઠી છે. ભાવનગરથી બોટાદ MLA ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પરથી તાજેતરમાં જ વિવાદોમાં આવી ચૂકેલા ધારાસભ્ય ચૈતર વસાવા AAPની ટીકીટ પર ચૂંટણી લડશે. 

    આ ગઠબંધનની ચર્ચાઓના કેન્દ્રસ્થાને ભરૂચ લોકસભા બેઠક હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ અહમદ પટેલનું અહીં વતન છે. 1977 અને 1984 એમ બે લોકસભા ચૂંટણીઓ તેઓ અહીંથી લડીને જીત્યા હતા. જોકે, 1989માં ભાજપે અહીં જીત મેળવી ત્યારપછી પાર્ટી ક્યારેય અહીં હારી નથી. અહમદ પટેલનું અવસાન થયા બાદ તેમનાં સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ મુખ્યધારાના રાજકારણમાં પ્રવેશ્યાં ત્યારથી જ ચર્ચા ચાલતી હતી કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ બેમાંથી એકને ટીકીટ આપશે. પરંતુ હવે AAP સાથે કોંગ્રેસના ગઠબંધનના કારણે આ ગણિત અવળું પડ્યું છે. 

    ભરૂચ બેઠક પર કોંગ્રેસે અખતરો શું કામ કર્યો? 

    ભરૂચથી ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનો ખુલ્લો વિરોધ હોવા છતાં આખરે કોંગ્રેસે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી છે. મુસ્લિમ બહુમતી બેઠક હોવા છતાં કોંગ્રેસે આવો અખતરો કરવા પાછળ કારણ એક કરતાં વધારે હોય શકે. 

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક પરથી AAPના ચૈતર વસાવાની જીત થઈ ત્યારથી જ પાર્ટી તેમને લોકસભા ચૂંટણીના ઉમેદવાર ઘોષિત કરવા માટે તલપાપડ હતી. પાર્ટીના IT સેલે પણ તેમના સમર્થનમાં ખૂબ પ્રચાર કર્યો તો તટસ્થતાનો અંચળો ઓઢીને એજન્ડા ચલાવ્યા કરતી અમુક યુ-ટ્યુબ ચેનલોએ પણ આડકતરી કે સીધી રીતે આ ‘ચૈતર વસાવા ફોર લોકસભા’ના નૅરેટિવને આગળ ધપાવ્યો. તાજેતરમાં વનકર્મીઓને માર મારવાના ગુનામાં સપડાયા બાદ આમ આદમી પાર્ટીએ આફતમાં અવસર જોઈને ચૈતર વસાવાનું નામ અધિકારીક રીતે ભરૂચ બેઠક પરથી ઘોષિત કરી દીધું હતું.

    ભરૂચ લોકસભા બેઠક પર મુસ્લિમ વસ્તી પણ છે તો બીજી તરફ પૂર્વ પટ્ટા પર આદિવાસી સમાજની વસતી પણ ખાસ્સા પ્રમાણમાં છે. મુસ્લિમ વોટબેન્ક કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક કહેવાય છે. પણ હકીકત એ પણ છે કે આ બેઠક તેઓ 1984 પછી ક્યારેય જીતી શક્યા નથી. કારણ કે મતોનું ધ્રુવીકરણ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં અહીં આમ આદમી પાર્ટીની ગણતરી ચૈતર વસાવાને ‘આદિવાસી ચહેરો’ તરીકે ઓળખાવીને મતો મેળવવાની હોવી જોઈએ.

    પરંતુ સમસ્યા ત્યાં છે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મતદારો અહમદ પટેલનાં સંતાનોના પક્ષે છે. અને ફૈઝલ અને મુમતાઝ પટેલ બંને જાહેર કરી ચૂક્યાં છે કે ભરૂચ બેઠક જો AAPના ફાળે જાય તો તેઓ કદાચ હાઇકમાન્ડનો નિર્ણય માન્ય પણ રાખે તોપણ ચૈતર વસાવા માટે પ્રચાર કરશે નહીં કે સમર્થન કરશે નહીં. આવું થાય તો ગઠબંધનનો કોઈ અર્થ જ નથી.

    આ પરિસ્થિતિમાં ફરીથી મતો વહેંચાઈ શકે છે. કોંગ્રેસ ઉમેદવાર ન પણ ઉતારે તોપણ કોંગ્રેસ સમર્થક મતદારો આમ આદમી પાર્ટીના પક્ષે નહીં જાય તો તે સરવાળે બધું સરખું જ થઈ રહેશે અને બે પાર્ટીઓની આ માથાકૂટમાં ભારતીય જનતા પાર્ટી જ ફાવી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. 

    બીજું, ચૂંટણીઓ કોઇ એક મુદ્દે લડવામાં આવતી નથી. માત્ર જાતિવાદના જોરે આખી લોકસભા બેઠક જીતી શકાય એમ માનવું નરી મૂર્ખામી છે. ચૂંટણીમાં ઘણાં બધાં પરિબળો ભાગ ભજવે છે. વધુમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો હોય છે. છેલ્લા દાયકાઓથી અહીં ભાજપે ગઢ પણ બનાવી રાખ્યો છે અને સમર્પિત મતદારો પણ એટલા જ છે, જેઓ જાતિવાદ પણ જોતા નથી અને બીજી પાર્ટીઓ પણ નહીં. તેઓ મોદીને જોઈને, તેમના કામને જોઈને મત આપે છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ કે AAPને ભલે ચૈતર વસાવા પર દાવ લગાવીને કશુંક ક્રાંતિકારી કરી દેખાડવાનો ઉમંગ હોય પરંતુ તે વાસ્તવિકતામાં પલટાય તેની શક્યતાઓ નહિવત છે.

    ભાવનગર બેઠક AAPના ફાળે જવા પાછળ શું ગણિત હોય શકે?

    વાત ભાવનગર બેઠકની કરવામાં આવે તો અહીં વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન અન્ય ઠેકાણેની સરખામણીએ સારું રહ્યું હતું. પાર્ટી આ વિસ્તારમાં બે બેઠકો- બોટાદ અને ગારિયાધાર જીતી હતી. જ્યારે કોંગ્રેસ પાસે આ ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી વિસ્તારમાં સમ ખાવા પૂરતી એક બેઠક પણ નથી. કોંગ્રેસે બીજી બેઠક સરેન્ડર કરવાનું એક કારણ એ હોય શકે. કારણ કે ત્યાં કોંગ્રેસ પાસે મેળવવાનું પણ કશું નથી અને ગુમાવવાનું પણ કશું નહીં. 

    પરંતુ આ બેઠક પર ભાજપ આ બંને પાર્ટીઓ કરતાં અનેકગણી વધુ મજબૂત પાર્ટી છે. 1991 પછી પાર્ટી અહીં હારી નથી. છેલ્લી 2 ટર્મથી ભારતીબેન શિયળ અહીંથી જીતતાં આવ્યાં છે અને 2014માં તેમનો જો વૉટશેર 59 ટકા હતો તે 2019માં વધીને 63 ટકા પર પહોંચી ગયો હતો. જ્યારે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને માત્ર 31.86 ટકા મત મળ્યા હતા, એટલે કે ભાજપ ઉમેદવાર કરતાં અડધા મત. 

    સાભાર- ટાઈમ્સ ઑફ ઇન્ડિયા

    ભાવનગર બેઠક આમ આદમી પાર્ટી લડે તો ત્યાં તેમની પાસે ન મજબૂત ચહેરો છે ન પાર્ટીની એવી શાખ છે. વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતવી કદાચ કોંગ્રેસને ગઠબંધન માટે મનાવવા માટે પૂરતું હશે પણ લોકસભા ચૂંટણી માત્ર એટલાથી જીતાતી નથી. વિધાનસભા ચૂંટણી જુદા મુદ્દે લડાય છે અને લોકસભા જુદા મુદ્દે. લોકસભા બેઠકનો વિસ્તાર પણ મોટો હોય એટલે વોટ પણ વહેંચાય જાય છે. બીજું, જેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તે બોટાદના હાલના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ છેલ્લાં દોઢ વર્ષમાં પોતાના મતવિસ્તારમાં એવી કોઇ વિશેષ છાપ છોડી નથી કે જેમણે તેમને વિધાનસભામાં મત ન આપ્યા હોય તે હવે વિચાર કરે. 

    આ પરિસ્થિતિઓને જોતાં આમ આદમી પાર્ટી સાથે આ લોકસભા ચૂંટણીમાં પણ વિધાનસભા ચૂંટણી જેવો જ ઘાટ થશે તે નક્કી છે. વિધાનસભા ચૂંટણીમાં એક માહોલ બનાવીને સરકાર બનાવવા સુધીની વાતો થવા માંડી હતી, પણ જ્યારે પરિણામ આવ્યાં ત્યારે મળી માત્ર 5 બેઠકો. તે પણ તમામ ઉમેદવારો થોડીઘણી પોતાની મહેનતે, ક્યાંક જાતિવાદના જોરે અને અન્ય પાર્ટીઓમાં આંતરિક વિખવાદના કારણે જીત્યા હતા, ભાજપ-કોંગ્રેસની જેમ પાર્ટીના બેનરે કોઇ વિશેષ મદદ કરી હોય તેમ ન હતું. 

    લોકસભા ચૂંટણીમાં ભાજપે 370+નો ટાર્ગેટ મૂક્યો છે. તેમાં ગુજરાતની 26માંથી 26 બેઠકોનો ટાર્ગેટ હોય એ સ્વાભાવિક છે. આમ તો લોકસભા ચૂંટણી માટે 2 મહિના મોટો કાળખંડ કહી શકાય, પરંતુ હાલના તબક્કે સ્થાનિક-રાષ્ટ્રીય રાજકારણ અને સમીકરણો જોતાં ગુજરાત તમામ બેઠકો ફરી એક વખત મોદીની ઝોળીમાં નાખશે તે નક્કી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં