Saturday, July 20, 2024
More
  હોમપેજરાજકારણકોણ છે એ યોગી, જેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે...

  કોણ છે એ યોગી, જેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે રાજસ્થાનની જનતા: UP CM યોગી આદિત્યનાથ સાથેનું કનેક્શન પણ જાણો

  મુખ્યમંત્રી પદની રેસમાં બાલકનાથ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જેવા નેતાને પાછળ છોડવા કોઈ સામાન્ય વાત નથી. મહંત બાલકનાથ યોગી હાલ અલવરથી ભાજપના સાંસદ છે. પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભામાં હરિયાણા-રાજસ્થાન બોર્ડર પર તિજારા વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

  - Advertisement -

  રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. દરમ્યાન વિવિધ એજન્સીઓએ પોતપોતાના એક્ઝિટ પોલ પણ જાહેર કર્યા. આગામી મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી પદને લઈને એક સરવે થયો હોવાનું સામે આવ્યું, જેમાં સૌથી ચોંકાવનારું નામ યોગી બાલકનાથ છે.

  આજતક-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરા માટે લોકોનો પ્રતિભાવ લેવામાં આવ્યો છે. આ સરવેમાં 10 ટકા લોકોએ કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે યોગી બાલકનાથ તેમની પ્રથમ પસંદ છે. બાલકનાથે ભાજપ સરકારમાં મુખ્યમંત્રી રહી ચૂકેલાં વસુંધરા રાજે અને કોંગ્રેસ સરકારમાં ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટને પણ પાછળ છોડી દીધા છે.

  સરવેમાં 9 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનતાં જોવા ઈચ્છે છે, જ્યારે 1 ટકા લોકો દીયા કુમારીને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. ભાજપમાં વસુંધરા રાજે, ગજેન્દ્રસિંહ શેખાવત, દીયા કુમારી, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, રાજેન્દ્ર રાઠોડ સહિત અનેક નામો ચર્ચામાં છે. સરવેમાં 21 ટકા લોકોએ કહ્યું કે તેઓ ભાજપના કોઇ પણ ઉમેદવારને સીએમ બનતા જોવા માંગે છે.

  - Advertisement -

  કોણ છે મહંત બાલકનાથ

  જોકે, મુખ્યમંત્રી પદની રેસમાં બાલકનાથ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જેવા નેતાને પાછળ છોડવા કોઈ સામાન્ય વાત નથી. મહંત બાલકનાથ યોગી હાલ અલવરથી ભાજપના સાંસદ છે. પાર્ટીએ તેમને આ વખતે રાજસ્થાન વિધાનસભામાં હરિયાણા-રાજસ્થાન બોર્ડર પર તિજારા વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

  બાબા બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના છે, જેના પ્રમુખ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. બાલકનાથ યોગી આદિત્યનાથની નજીક છે અને રાજસ્થાનમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. એટલા માટે તેમને ‘રાજસ્થાનના યોગી’ કહેવામાં આવે છે.

  બાબા બાલકનાથની અલવર અને તેની આસપાસના વિસ્તારોમાં મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. તેમની છબીને જોતાં તેમને રાજસ્થાન ભાજપના ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. યોગી બાલકનાથે વર્ષ 2019માં તેમની પ્રથમ લોકસભાની ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના પ્રભાવશાળી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહને 3 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.

  બાબા બાલકનાથનું પ્રારંભિક જીવન

  મહંત બાલકનાથનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ રાજસ્થાનના અલવર જિલ્લાના કોહરાના ગામમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. પિતાનું નામ સુભાષ યાદવ અને માતાનું નામ ઉર્મિલા દેવી. મહંત બાલકનાથ તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તેમનો પરિવાર સંતોની સેવામાં રચ્યોપચ્યો રહેતો હતો. આ સમય દરમિયાન માતા-પિતાએ તેમને આધ્યાત્મિકતાના અધ્યયન માટે મહંત ખેતનાથના આશ્રમમાં મોકલ્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 6 વર્ષની હતી. મહંત ખેતનાથ પાસેથી દીક્ષા લીધા બાદ બાલકનાથ મહંત ચાંદનાથ પાસે આવી ગયા. ત્યારબાદ વર્ષ 2016માં તેમણે બાલકનાથને તેમના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા.

  મહંત બાલકનાથ નાથ નાથ સંપ્રદાયના આઠમા સંત છે. બાલકનાથ બાબા મસ્તનાથ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. તેઓ રોહતકમાં બાબા મસ્તાનાથ મઠના મહંત છે. તેમના મઠમાં નાથ સંપ્રદાય સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની લોકકલ્યાણકારી સંસ્થાઓ પણ ચલાવવામાં આવે છે. આ કારણોસર તેમની ઓળખ એક જનનેતા તરીકે ઉભરી છે.

  યોગી આદિત્યનાથના નજીક છે બાલકનાથ

  બાલકનાથ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના ખૂબ નજીક છે. બાલકનાથના નામાંકન વખતે મુખ્યમંત્રી યોગી પણ પહોંચ્યા હતા. મહંત બાલકનાથે ઘણા પ્રસંગોએ કહ્યું છે કે યોગી આદિત્યનાથ તેમના મોટા ભાઈ અને માર્ગદર્શક છે. યોગી આદિત્યનાથ નાથ સંપ્રદાયના તમામ મઠના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, સાથે જ તેઓ રોહતક મઠના ઉપાધ્યક્ષ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં