Thursday, May 2, 2024
More
    હોમપેજદેશઆગામી અઠવાડિયે ઉત્તરાખંડમાં લાગુ થઈ શકે UCC, રિપોર્ટ્સમાં દાવો- વિધાનસભાનું વિશેષ સત્ર...

    આગામી અઠવાડિયે ઉત્તરાખંડમાં લાગુ થઈ શકે UCC, રિપોર્ટ્સમાં દાવો- વિધાનસભાનું વિશેષ સત્ર યોજવા તૈયારી કરી રહી છે સરકાર: ત્યારપછી ગુજરાતનો વારો?

    રાજ્ય સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે, અધિકારીક રીતે આ અંગે પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઉત્તરાખંડ રાજ્યની ભાજપ સરકાર હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે જઈ રહી છે. આ માટે રચવામાં આવેલી સમિતિ આગામી 1-2 દિવસમાં પોતાનો ડ્રાફ્ટ સરકારને સોંપે તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે દિવાળી બાદ સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે, જેમાં આ બિલ પસાર કરીને તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે. 

    મીડિયા અહેવાલો મુજબ, આગામી અઠવાડિયાએ ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે, જેમાં UCC અંગેનું બિલ પસાર કરાવવામાં આવશે. બિલ પસાર થયા બાદ તે કાયદો બનશે અને જેની સાથે જ આ સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનશે. 

    જાણવા મળી રહ્યું છે કે, નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી સમિતિ હવે ડ્રાફ્ટ રિપોર્ટને અંતિમ ઓપ આપી રહી છે. ગત જૂન મહિનામાં સમિતિએ બિલનો ડ્રાફ્ટ પૂર્ણ કરી દીધો હતો. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે હવે તેને અંતિમ સ્વરૂપ આપીને પ્રિન્ટ કર્યા બાદ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. અહેવાલોનું માનીએ તો હવે એકથી બે દિવસમાં આ રિપોર્ટ સરકારને સુપરત કરી દેવામાં આવશે. 

    - Advertisement -

    રાજ્ય સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે, અધિકારીક રીતે આ અંગે પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે. સરકાર તરફથી હજુ સુધી કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. 

    મે, 2022માં બનાવાઇ હતી સમિતિ

    નોંધવું જોઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારે વચન આપ્યું હતું કે ફરી સરકાર બન્યા બાદ તેઓ UCC લાગુ કરશે. ત્યારબાદ 27 મે, 2022ના રોજ નવી સરકારે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી, જેને UCC માટેના બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમિતિનો કાર્યકાળ પછીથી 3 વખત વધારવામાં આવ્યો અને હવે કામ પૂર્ણ થયું હોય તેમ જણાય રહ્યું છે. 30 જૂનના રોજ સમિતિએ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો હતો. 

    અગાઉ સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે, સમિતિ તેનો રિપોર્ટ સોંપે કે તરત જ સરકાર UCC લાગુ કરવા માટે કામ શરૂ કરી દેશે. તેમણે કહ્યું હતું કે, “જેવી કમિટી અમને રિપોર્ટ સોંપે કે અમે તરત તેની ઉપર બંધારણીય પ્રક્રિયાઓને અનુસરીને અમલ કરવા માટે વહેલામાં વહેલી તકે કામ શરૂ કરી દઈશું.”

    ગુજરાતમાં પણ 2024 પહેલાં UCC લાગુ થઈ શકે: રિપોર્ટ

    ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ઉત્તરાખંડ સરકાર UCC લાગુ કરે ત્યારબાદ ગુજરાત સરકાર પણ રાજ્યમાં આ કાયદો લાગુ કરી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર પણ UCC લાગુ કરી શકે. જો તેમ થાય તો ગુજરાત આમ કરનારું બીજું રાજ્ય હશે. અહીં નોંધવું જોઈએ કે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર UCC માટે એક સમિતિ બનાવી ચૂકી છે, જે હાલ કામ કરી રહી છે. 

    જોકે, ગુજરાત સરકારે આધિકારિક રીતે હજુ સુધી UCC ક્યારે લાગુ થશે તે જણાવ્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં