કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશને લીગલ નોટિસ ફટકારી છે. નીતિન ગડકરીએ નોટિસ મોકલીને તેમના વિડીયો સાથે છેડછાડ કરીને લોકોને ગુમરાહ કરવા બદલ માફી માંગવા કહ્યું છે. વાસ્તવમાં કોંગ્રેસે નીતિન ગડકરીના એક ઇન્ટરવ્યુમાંથી અધૂરી ક્લિપ શૅર કરીને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ બંને નેતાઓને નોટિસ મોકલીને વિડીયો હટાવવા અને 3 દિવસમાં માફી માંગવા માટે કહ્યું છે.
નીતિન ગડકરીના વકીલ બાલેંદુ શેખરે આ વિશે જણાવ્યું કે, એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાંથી 19 સેકન્ડની ક્લિપ ઉઠાવી લેવામાં આવી છે. આ ક્લિપમાં જે વાતો કરવામાં આવી છે, તેનો સંદર્ભ અને મૂળ અર્થ જણાવવામાં આવ્યો નથી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “નીતિન ગડકરીઓ ઇન્ટરવ્યુ તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે અને તેનો મૂળ અર્થ જ છુપાવવામાં આવ્યો છે. તેવું જ હિન્દી કેપ્શનની સાથે જાણીજોઈને કરવામાં આવ્યું છે.”
લેખિત માફીની કરી માંગ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માંગ કરી છે કે, સૌથી પહેલાં તો તે વિડીયોને X પરથી હટાવી દેવામાં આવે અને ત્યારબાદ ત્રણ દિવસની અંદર લેખિત રીતે માફી માંગવામાં આવે. નોટિસમાં કહેવાયું છે કે, “આ લીગલ નોટિસ તમને X પરથી તુરંત વિડીયો હટાવવા માટે કહે છે. લીગલ નોટિસ મળ્યા બાદ કોઈપણ સંજોગોમાં પોસ્ટને 24 કલાકમાં હટાવી દેવામાં આવે. સાથે જ ત્રણ દિવસની અંદર મારા અસીલની લેખિતમાં માફી માંગવામાં આવે.”
નોટિસમાં વધુમાં કહેવાયું છે કે, “જો આવું નહીં કરવામાં આવે તો મારા અસીલ પાસે તમારા જોખમ અને ખર્ચે તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહીનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.” ગડકરીના વકીલે એમ પણ કહ્યું કે, સામી ચૂંટણીએ કોંગ્રેસે આ વિડીયો ભાજપમાં વૈચારિક મતભેદો ઉભા કરવાના આશયથી શૅર કર્યો હતો, જેના કારણે કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચી છે અને માનહાનિ પણ થઈ છે.
શું હતું વિડીયોમાં?
કોંગ્રેસે પોસ્ટ કરેલા 19 સેકન્ડના વિડિયોમાં નીતિન ગડકરી કહેતા સંભળાય છે કે, “આજે ગામ-ગરીબ, મજૂર, ખેડૂત દુઃખી છે. તેનું કારણ એ છે કે જળ, જમીન, જંગલ અને જાનવર, રૂરલ, એગ્રીકલ્ચર, ટ્રાયબલ….આ અર્થવ્યવસ્થા છે ત્યાં સારા રસ્તા નથી, પીવા માટે શુદ્ધ પાણી નથી. સારી હૉસ્પિટલો નથી. સારી શાળાઓ નથી. ખેડૂતોના પાકને સારા ભાવ મળી રહ્યા નથી.”
આ વિડીયો નીતિન ગડકરીએ પોર્ટલ ‘ધ લલ્લનટોપ’ને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુ દરમિયાનનો છે. જે પોસ્ટ કરીને મોદી સરકારના જ મંત્રી તેમની સરકારે કશું ન કર્યું હોવાનું જણાવી રહ્યા હોવાની ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી હતી. પરંતુ હકીકત એ છે કે આ વિડીયો અધૂરો છે અને આગળ-પાછળના સંદર્ભો વગર શૅર કરવામાં આવી રહ્યો છે. તેઓ કહી રહ્યા હતા કે અગાઉ કૃષિ ક્ષેત્રમાં પૂરતું કામ થયું ન હતું અને હવે મોદી સરકાર ધ્યાન આપી રહી છે. તેમણે મોદી સરકારનાં કામો જ ગણાવ્યાં હતાં, પરંતુ કોંગ્રેસે તેઓ મોદી સરકારની પોલ ખોલી રહ્યા હોય તેવું દર્શાવવા વિડીયો પોસ્ટ કર્યો હતો.