Wednesday, October 16, 2024
More
    હોમપેજરાજકારણ‘રામ મંદિરમાં મુલાયમ યાદવનું પણ યોગદાન, તેમણે ગોળી ન ચલાવી હોત તો…’:...

    ‘રામ મંદિરમાં મુલાયમ યાદવનું પણ યોગદાન, તેમણે ગોળી ન ચલાવી હોત તો…’: શિવસેના (UBT) નેતા સંજય રાઉત

    તાજેતરમાં રામ મંદિર વિશે અનેક વિવાદિત નિવેદનો આપતા શિવસેના (UBT) નેતા સંજય રાઉતે હવે રામ જન્મભૂમિ આંદોલન માટેનો શ્રેય મુલાયમ યાદવને પણ આપવાના પ્રયાસ કર્યા.

    - Advertisement -

    જેમ-જેમ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નજીક આવી રહી છે તેમ વિપક્ષી નેતાઓ એક પછી એક વિવાદિત પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે. તેમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉત મોખરે છે. તાજેતરમાં જ તેમણે વધુ એક નિવેદન આપ્યું છે. તેમણે 1990માં કારસેવકો પર ગોળી ચલાવનાર ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનો બચાવ કર્યો અને કહ્યું કે રામ મંદિર બનાવવામાં તેમનું પણ યોગદાન છે. 

    સંજય રાઉતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં તેઓ કહે છે કે, “હું તો માનું છું કે મુલાયમ સિંહ યાદવનું પણ યોગદાન છે. તેમણે ગોળી ન ચલાવી હોત તો આંદોલન આટલું આગળ ન વધ્યું હોત. રામે બધાને બુદ્ધિ આપી હતી કે શું કરવાનું છે અને શું નહીં.” તેમણે યુ-ટ્યુબ ચેનલ સત્ય હિન્દીને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં આ વાત કહી હતી. 

    ઇન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, “લોકોના મનમાં ઘર કરી ગયું છે કે રામ મંદિરનું આંદોલન ભાજપે ચલાવ્યું, તેમના જ લોકોએ બાબરી ‘મસ્જિદ’ ધ્વસ્ત કરી, મોદીએ જ સુપ્રીમ કોર્ટમાંથી આ ચુકાદો લાવવામાં મદદ કરી અને તેમના જ નેતૃત્વમાં જ મંદિર બની રહ્યું છે.” જેના જવાબમાં સંજય રાઉતે આ જવાબ આપ્યો હતો. 

    - Advertisement -

    રાઉત કહે છે કે, “મોદીજી વડાપ્રધાન છે તો તેમના નેતૃત્વમાં જ થશે. 10 વર્ષથી તેમની સરકાર છે. પરંતુ તેમાં શું રાજીવ ગાંધીનું યોગદાન નથી? નરસિમ્હા રાવનું યોગદાન નથી? બધાનું યોગદાન છે. હું તો માનું છું કે મુલાયમ યાદવનું પણ યોગદાન છે.” ત્યારબાદ તેઓ આગળની વાત કહે છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 1990ના ઑક્ટોબર અંતમાં હિંદુ સંગઠનોએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર કારસેવા કરવાની ઘોષણા કરી હતી. તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ યાદવ હતા. તેમણે કહ્યું હતું કે, ‘અયોધ્યામાં એક પક્ષી પણ ઉડી નહીં શકે’ તેવી તેઓ વ્યવસ્થા કરશે. પછીથી જ્યારે કારસેવકો અયોધ્યા આવવા માંડ્યા ત્યારે તેમના આદેશ પર પોલીસે ગોળી ચલાવી હતી, જેમાં અનેક રામભક્તો માર્યા ગયા હતા. 

    તેનાથી વિપરીત જ્યારે 6 ડિસેમ્બર, 1992ના દિવસે વિવાદિત બાબરી ઢાંચો તૂટી પડ્યો ત્યારે UPમાં કલ્યાણ સિંહ (ભાજપ)ની સરકાર હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સુરક્ષા જાળવવાના પૂરતા પ્રયાસ કરશે પરંતુ કારસેવકો પર ગોળી ક્યારેય નહીં ચલાવે. તેમણે પોતાનું વચન પણ પાળ્યું અને આખરે સરકાર બલિદાન કરી દીધી હતી. પછીથી એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો પોતે ગોળી ચલાવી હોત તો હજારો નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તેમણે બાબરી ધ્વંસની ઘટનાને રાષ્ટ્રીય ગૌરવની ઘટના ગણાવી હતી. 

    બીજી તરફ, સંજય રાઉત રામ મંદિરને લઈને સતત વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે જ્યાં ગુંબજ હતો અને જ્યાં ભગવાન પહેલાં બિરાજમાન હતા ત્યાં મંદિર બનાવવામાં આવી રહ્યું નથી અને દૂર બની રહ્યું છે. જોકે, આ દાવાઓનું ખંડન પહેલેથી જ થઈ ચૂક્યું છે. CM યોગી આદિત્યનાથ પણ આ બાબતોને નકારી ચૂક્યા છે અને સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે મંદિર ત્યાં જ બની રહ્યું છે.

    સંજય રાઉત જે પાર્ટીના નેતા છે તે શિવસેના (UBT) INDI ગઠબંધનની સભ્ય પાર્ટી છે, જે ગઠબંધનની અન્ય પાર્ટીઓ અગાઉ પણ સનાતન અને હિંદુ ધર્મ પર અભદ્ર ટિપ્પણીઓને લઈને વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. બીજી તરફ, સૌની આગેવાન ગણાતી કોંગ્રેસ પાર્ટી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ નકારી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં