Thursday, December 5, 2024
More
    હોમપેજદેશરાહુલ-પ્રિયંકાના રાજનીતિક સ્ટંટથી સામાન્ય લોકો ત્રાહિમામ, જામથી ત્રાસીને લગાવ્યા ‘હાય-હાય’ અને ‘મુર્દાબાદ’ના...

    રાહુલ-પ્રિયંકાના રાજનીતિક સ્ટંટથી સામાન્ય લોકો ત્રાહિમામ, જામથી ત્રાસીને લગાવ્યા ‘હાય-હાય’ અને ‘મુર્દાબાદ’ના નારા: કોંગી કાર્યકર્તાઓ ઉતરી આવ્યા ઝપાઝપી પર

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) જામા મસ્જિદના સરવે દરમિયાન ઇસ્લામી ટોળાએ કરેલી હિંસા બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. જિલ્લા પ્રશાસને વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ આદેશ બહાર પાડીને બહારની વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમનાં નવનિર્વાચિત સાંસદ બહેન પ્રિયંકા ગાંધી સંભલ જવા માટે રવાના થયાં હતાં. જોકે, સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લેતાં પ્રશાસને તેમને સરહદ પર જ રોકી દીધાં હતાં. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

    રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સવારે લગભગ 10:45 આસપાસ ઉત્તર પ્રદેશની ગાઝીપુર બોર્ડર પહોંચ્યાં હતાં. જ્યાં પોલીસે પહેલેથી જ કાફલાને અટકાવવા માટે બેરિકેડિંગ કરી રાખ્યું હતું અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને અટકાવીને તેમને જણાવ્યું હતું કે તેઓ આગળ જઈ શકે તેમ નથી, કારણ કે પ્રશાસને બહારની વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આ આદેશનું પાલન કરવું અનિવાર્ય છે. પરંતુ કોંગ્રેસ નેતાઓએ જવાની જીદ છોડી ન હતી અને લગભગ 2 કલાક સુધી કાફલો રોકાઈ રહ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગાડીના સનરૂફમાંથી બહાર આવીને મીડિયા સાથે વાત પણ કરી અને તેમને રોકવા પર વિરોધ નોંધાવ્યો.

    કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પરથી ન હટતાં લોકોમાં રોષ

    આ આખા ઘટનાક્રમમાં ભારે સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ગાઝીપુર બોર્ડર પર ઉમટી પડ્યા હતા. ઘટનાક્રમ બાદ રાહુલ અને પ્રિયંકા તો ત્યાંથી નીકળી ગયાં, પરંતુ કોંગ્રેસી કાર્યકર્તાઓ સતત રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા માંડ્યા. આમ થવાથી પહેલેથી જ રસ્તા પર ફસાયેલા લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મોડું થવા લાગ્યું. જનતાએ સ્થળ પર હાજર પોલીસને રસ્તો ખાલી કરાવીને ટ્રાફિક શરૂ કરાવવા વિનંતી પણ કરી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકના બે ન થયા.

    - Advertisement -

    કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પરથી ન હટતાં અંતે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ કોંગ્રેસી કાર્યકર્તાઓની સામે જ ‘રાહુલ ગાંધી હાય-હાય’ અને ‘કોંગ્રેસ હાય-હાય’ના નારા લગાવ્યા હતા. આ જોઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમના તરફ ધસી આવ્યા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન સ્થળ પર હાજર પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. આ આખી ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઝપાઝપી જોઈ શકાય છે.

    કોઈ અંતિમ સંસ્કારમાં ન પહોંચી શક્યું, તો કોઈની પરીક્ષા છૂટી

    આ આખા ઘટનાક્રમમાં ન તો રાહુલ ગાંધીનું કશું નુકસાન થયું, કે ન તો કોંગ્રેસના કાર્યકર્તાઓનું. નુકસાન થયું તો તે સામાન્ય જનતાનું થયું. આજતકના એક અહેવાલ અનુસાર, આ ટ્રાફિક જામના કારણે એક 80 વર્ષના વ્યક્તિ પોતાના ભાઈના અંતિમ સંસ્કારમાં ન જઈ શક્યા અને અન્ય એક વ્યક્તિ પોતાની દીકરીને પરીક્ષા સ્થળે ન પહોંચાડી શક્યા.

    આ ટ્રાફિક જામમાં એક વ્યક્તિ એવું પણ હતું કે જેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમને અંતિમ સંસ્કારમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું. અન્ય એક વ્યક્તિની કોર્ટની તારીખ હતી, પરંતુ તેઓ ટ્રાફિક જામના કારણે ફસાઈ ગયા હતા. આવા અનેક લોકો હતા જેઓ આ ટ્રાફિક જામના કારણે પોતાના ગંતવ્ય સુધી ન પહોંચી શક્યા અને તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં