ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઈ છે અને તેના પરિણામ પણ આવી ગયા છે. ભાજપે 156 બેઠકો સાથે ઇતિહાસ રચીને સરકાર બનાવી છે. બીજી બાજુ કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઘણા બળવા થયા હતા પરંતુ ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં ઘમાસાણ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પ્રદેશ પ્રમુખ સહિત ઘણા નેતાઓની ફરિયાદ કરી છે.
અહેવાલો અનુસાર કોંગ્રેસ નેતા અને રાધનપુર બેઠક પરથી હારેલા કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ કોંગ્રેસને હરાવનાર હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
‘જગદીશ ઠાકોરને પાર્ટીમાંથી હટાવો અથવા મને કાઢી મુકો’ – રઘુ દેસાઈ
કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ પોતાના બે પાનાંના પત્રમાં જગદીશ ઠાકોર સહીત તેમના 5 મળતિયાઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરી છે. આ નેતાઓના નામ આ મુજબ છે,
- જગદીશભાઈ મફાભાઈ રાઠોડ (સભ્ય, જિલ્લા પંચાયત, પાટણ)
- બચાભાઈ આહીર (મહામંત્રી, GPCC)
- હર્ષદભાઈ આહીર (ચેરમેન, કાર્યકારી સમિતિ, રાધનપુર નગરપાલિકા)
- રમેશ દેસાઈ (પૂર્વ સભ્ય, તાલુકા પંચાયત, રાધનપુર)
- લવજીજી ઠાકોર (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, રાધનપુર)
પોતાના પત્રના અંતિમ ભાગમાં રઘુ દેસાઈ લખે છે કે, “જો જગદીશ ઠાકોર ખોટા હોય તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને જો હું ખોટો હોઉં તો મને સસ્પેન્ડ કરવામાં આવે.”
‘જગદીશ ઠાકોરના કારણે હું રાધનપુર હાર્યો’ – રઘુ દેસાઈ
અહેવાલો અનુસાર આ પત્ર વાઇરલ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, “મેં પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે ફોન પર વાતચીત કરી છે, આ ઉપરાંત મેં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુ છે. આ અંગે મેં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માને પણ વાત કરી હતી. છતાં આ લોકો કોઈ પણ સંજોગોમાં રોકાયા નહીં.”
દેસાઈએ વધુમાં જણાવ્યું કે, “છેલ્લા દિવસ સુધી મારા વિરુદ્ધ કામ કર્યું. આખા ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેમાં પાર્ટીના પ્રમુખે જ પોતાની જવાબદારી સમજી નથી. આમાં પાર્ટીએ જે કોઈએ ખોટું કામ કર્યું હોય તેમની સામે કડક પગલા લેવા જઈએ તેવી મેં માંગ કરી છે.”
રાધનપુર બેઠક વિષે જાણો
રઘુ દેસાઇ આ વખતે રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ભાજપના લવિંગજી ઠાકોર ઉભા હતા. આ વખતે આ બેઠક પર ભગવો લહેરાયો હતો અને રઘુ દેસાઈની કારમી હાર થઇ હતી.
જ્યારે વર્ષ 2017માં આ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષપલટો કરી ભાજપમાં જોડાઇ રાજીનામું આપ્યું હતું. જે બાદ અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હતા. તેમનો જંગ કોંગ્રેસના રઘુ દેસાઈ વચ્ચે થયો હતો. પરંતુ અલ્પેશ સામે પ્રથમ રાઉન્ડથી જ 880 મતની લીડ સાથે કોંગ્રેસ છેલ્લા રાઉન્ડ સુધી આગળ રહી હતી. અલ્પેશ ઠાકોરને અંતે 3814 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ જીત મેળવી હતી .