Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસનાતન વિરુદ્ધની ટિપ્પણીઓને લઈને પહેલી વખત સામે આવી PM મોદીની પ્રતિક્રિયા, મંત્રી...

    સનાતન વિરુદ્ધની ટિપ્પણીઓને લઈને પહેલી વખત સામે આવી PM મોદીની પ્રતિક્રિયા, મંત્રી પરિષદની બેઠકમાં કહ્યું- યોગ્ય જવાબ આપવો જરૂરી

    સનાતન વિશેની ટિપ્પણીઓને લઈને તેમણે કહ્યું કે, ઇતિહાસમાં જવાની જરૂર નથી પરંતુ જે બંધારણીય રીતે યોગ્ય છે તેને વળગી રહીને યોગ્ય જવાબ આપવામાં આવે. મંત્રીઓની બેઠકમાં તેમણે આ વાતો કહી હતી.

    - Advertisement -

    થોડા સમય પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે સરખાવી તેને ખતમ કરવાની વાત કરી હતી. આ વિવાદિત ટિપ્પણીને લઈને દેશભરમાં સ્ટાલિનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં PM નરેન્દ્ર મોદીએ આ વિવાદને લઈને પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે મંત્રીઓની બેઠક સંબોધતાં કહ્યું હતું કે ઉદયનિધિના આ નિવેદનનો યોગ્ય જવાબ આપવો જ પડશે.

    મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે, ઉદયનિધિના નિવેદન પર યોગ્ય પ્રતિકાર કરવાની જરૂર છે. જોકે તેમણે ઇન્ડિયા-ભારત શબ્દોને લઈને ચાલતી ચર્ચાઓમાં બિનજરૂરી રીતે ન પડવા અને વિવાદ ન કરવા માટે મંત્રીઓને સૂચના આપી હતી. સનાતન વિશેની ટિપ્પણીઓને લઈને તેમણે કહ્યું કે, ઇતિહાસમાં જવાની જરૂર નથી પરંતુ જે બંધારણીય રીતે યોગ્ય છે તેને વળગી રહીને યોગ્ય જવાબ આપવામાં આવે. જ્યારે ભારત-ઇન્ડિયા વિવાદને લઈને વડાપ્રધાને સૂચના આપતાં કહ્યું હતું કે જે મંત્રીઓ આ વિશે નિવેદનો આપવા માટે અધિકૃત છે તેઓ જ ટિપ્પણી કરે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર, બુધવાર (6 સપ્ટેમ્બર)ના રોજ PM નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંત્રીઓને આ સૂચના આપી હતી. તેમણે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર પ્રતિક્રિયા કે નિવેદન આપવા હોય તો તથ્યો સાથે આપવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે સનાતન પર સરકારના મંત્રીઓ બોલી શકે છે, તેનો ઉચિત અને યોગ્ય જવાબ આપવો જોઈએ પણ મંત્રીઓની ભાષા સંયમિત હોવી જરૂરી છે. આ સાથે જ સમગ્ર તથ્યો સાથે જવાબ આપવો જોઈએ.

    - Advertisement -

    ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે કરી હતી ટિપ્પણી

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે અને તેનો ફક્ત વિરોધ નહીં, પણ તેને ખતમ કરી નાખવો જોઈએ. એટલું જ નહીં, ઉદયનિધિએ એ પણ કહ્યું કે આ મામલે જો કોઈ કાયદાકીય કાર્યવાહીની વાત કરે છે તો તે તેનાથી ડરતા નથી.

    ભાષણની એક વિડીયો ક્લિપમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, “સનાતન ધર્મને ખતમ કરવા માટે મને આ કોન્ફરન્સમાં બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. સંમેલનને ‘સનાતન ધર્મનો વિરોધ’ કરવાને બદલે ‘સનાતન ધર્મ નાબૂદ કરો’ કહેવા બદલ હું આયોજકોને અભિનંદન આપું છું.” ઉદયનિધિએ કહ્યું, “ઘણી વસ્તુઓ છે જેનો આપણે નાશ કરવાનો છે આપણે ફક્ત વિરોધ નથી કરવાનો. મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના એ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડશે. સનાતન પણ એવો જ છે. વિરોધ કરવાની જગ્યાએ આપણું પહેલું કામ સનાતનને ખતમ કરવાનું હોવું જોઈએ.”

    આ ટિપ્પણીને લઈને દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિનનો વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સનાતન ધર્મને લઈને કરેલી ટિપ્પણી મામલે વડાપ્રધાન મોદીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં