રૂપાલા વિવાદમાં ક્ષત્રિય મહિલાઓના ‘જવતલિયા’ બનેલા રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હવે પોતે એક વિવાદિત નિવેદન આપીને ફસાઈ ગયા છે. અગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન થવાનું છે અને તે પહેલા પ્રચાર કરી રહેલા પરેશ ધાનાણીએ એક સભામાં ક્ષત્રિય અને પાટીદાર સમાજને ‘હરખપદુડા’ કહેતા હવે નવો વિવાદ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી હાલ ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. આ દરમિયાન એક જાહેર રાજકીય જનસભાને સંબોધતા ધાનાણીએ ભારતીય જનતા પાર્ટીને સહયોગ આપી રહેલા પાટીદારો અને ક્ષત્રિય સમાજને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. ધાનાણીએ બંને સમાજને ‘હરખપદુડો’ કહ્યો હતો.
પટેલીયા અને બાપુઓ હરખ પદુડા- પરેશ ધાનાણી
ધાનાણીએ જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે, “95માં આપણે અઢારે વરણે એક થઈ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાને સીંચીને વટવૃક્ષ વાવ્યું. એમાંય અમે પટેલીયાઓ અને બાપુ બેય બળે ચઢ્યા, હરખપદુડા ભાજપના બીજને રોજ ઉઠીને દસ ડોલ પાણી પાયું કે આ ઝાડ જલદી મોટું થાય અને ભાર ઉનાળે છાંયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાંસા ફાટી ગયા.”
'બધા જ સમાજનો વારો આવી ગ્યો, બાપુ બચ્યાં હતા, આ વખતે…', રૂપાલા વિવાદ વચ્ચે હવે રાજકોટના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના બેફામ બોલ!#rajkot #rajkotnews #Gujarat #pareshdhanani #ParshottamRupala #bjpgujarat #congress #politics #gujaratinews #vtvgujarati pic.twitter.com/w0XYEIOK2n
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2024
આ દરમિયાન ધાનાણીએ ભાજપ સરકાર અને પોલીસ પર દમન અન્ય અત્યાચાર ગુજારવાના આરોપ પણ લગાવ્યા હતા. બીજી તરફ પરેશ ધાનાણીના આ નિવેદન બાદ કેટલાક પાટીદાર નેતાઓએ પણ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી.
ધાનાણીને કોંગ્રેસે બલીનો બકરો બનાવ્યો- હાર્દિક પટેલ
કોંગ્રેસ નેતા અને પાટીદાર સમાજના ધાનાણીનો આ વિડીયો સામે આવ્યા બાદ ભાજપના પાટીદાર નેતાઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના અઢારે વર્ણોએ મજબૂત કરી છે અને ભાજપે ગુજરાતને મજબૂત કર્યું છે. ભાજપે તમામ સમાજના વિકાસનું કામ કર્યું છે એટલે લોકો ભાજપ સાથે છે. પરેશ ધાનાણી મનમરજીથી નિવેદન આપે છે, સમાયંતરે લોકો તેમને જવાબ આપશે જ. 2022માં અમરેલીમાં મળ્યો હતો અને હવે રાજકોટમાં તમામ સમાજ તેમને જવાબ આપશે. રાજકોટ આવીને તેમને ચૂંટણી લડવી પડે છે તો ક્યાંકને ક્યાંક કોંગ્રેસે તેમને બલીના બકરા બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.”
પાટીદારો હરખપદુડા નહીં, બુદ્ધિશાળી છે- ભરત બોઘરા
માત્ર હાર્દિક પટેલ જ નહીં, ભરત બોઘરાએ પણ ધાનાણી વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે પટેલીયાઓ હરખપદુડા નહીં, પણ બુદ્ધિશાળી છે. તેમણે કહ્યું હતું કે, “પટેલીયાઓ એ હરખપદુડા નથી, પટેલ એ બુદ્ધિશાળી કોમ છે. ભૂતકાળમાં વર્ષો સુધી એમણે જ કોંગ્રેસને સત્તા આપી હતી. પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, ગુંડાગીરી અને દેશ વિરોધી માનસિકતા છતી થઇ ત્યારે પટેલ અને ગુજરાતની તમામ કોમે પરિવર્તન કરીન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવે છે. કોંગ્રેસની અંદર ગુજરાતવિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું.”
Rajkot: પટેલિયાઓ હરખપદુડા નથી, બુદ્ધિશાળી છેઃ ભરત બોઘરા | Gujarat First@drbharatboghara @BJP4India @BJP4Gujarat @CRPaatil @INCIndia @RahulGandhi @INCGujarat #rajkot #bjp #BharatBoghra #congress #loksabhaelection2024 #rahulgandhi #gujaratfirst pic.twitter.com/AWHuaYwfXD
— Gujarat First (@GujaratFirst) April 29, 2024
આ મામલે ઑપઇન્ડિયાએ પાટીદાર ચહેરા અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયાનો પણ સંપર્ક કર્યો હતો, તેમણે ઑપઇન્ડિયાને કહ્યું હતું કે તેઓ હાલ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા માંગતા નથી. બીજી તરફ આ મામલે ઑપઇન્ડિયાએ ક્ષત્રિય સંકલન સમિતિના નેતા વીરભદ્રસિંહ અને પીટી જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક સ્થાપી શકાયો ન હતો.
રાહુલ ગાંધીની રાજા-મહારાજાઓ વિરુદ્ધની ટિપ્પણી પરના સવાલ પર ભાગ્યા હતા ધાનાણી
ઉલ્લેખનીય છે કે, એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચેના વિવાદમાં પોતાના રાજકીય રોટલા શેકી રહ્યું હતું, તો બીજી તરફ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધી એક જાહેરસભા સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.
રાહુલ ગાંધીના આ વિડીયોના વાયરલ થયા બાદ કેટલાક લોકોએ આ વિડીયો બનાવટી હોવાનું કહ્યું હતું. બીજી તરફ વિવાદિત નિવેદનને લઈને પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહેલી ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ પણ આ વિડીયો જૂનો અને બનાવટી હોવાનું રટણ રટીને કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી હતી. જોકે ઑપઇન્ડિયાના ફેક્ટ ચેકમાં આ તમામ દાવા ખોટા સાબિત થયા હતા.