Thursday, November 14, 2024
More
    હોમપેજદેશઇન્ક્મ ટેક્સ વિભાગે કોંગ્રેસને હંગામી ધોરણે આપી રાહત: સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ચૂંટણી...

    ઇન્ક્મ ટેક્સ વિભાગે કોંગ્રેસને હંગામી ધોરણે આપી રાહત: સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ચૂંટણી સુધી નહીં વસૂલીએ ટેક્સના બાકી નીકળતા ₹3500 કરોડ

    કેસની સુનાવણી કરતાં બેન્ચે કહ્યું કે, "આ અપીલોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, (આવક વેરા) વિભાગ આ મામલાને આગળ વધારવા માંગતો નથી અને કહે છે કે, આ મામલે ₹3500 કરોડની ડિમાન્ડને લઈને કોઈપણ કઠોર કાર્યવાહી કરવામાં આવશે નહીં."

    - Advertisement -

    ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ₹3500 કરોડના ટેક્સની માંગણી બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી કોંગ્રેસને હાલમાં રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોમવારે (1 એપ્રિલ, 2024) કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં, કારણ કે પાર્ટી માટે મુશ્કેલીઓ સર્જવા માંગતા નથી.

    બાર એન્ડ બેન્ચના અહેવાલ અનુસાર, જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતા (SG Mehta) હાજર થયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 24મી જુલાઈના રોજ નિયત કરી છે.

    કેસની સુનાવણી કરતાં બેન્ચે કહ્યું કે, “આ અપીલોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, (આવક વેરા) વિભાગ આ મામલાને આગળ વધારવા માંગતો નથી અને કહે છે કે, આ મામલે ₹3500 કરોડની ડિમાન્ડને લઈને કોઈપણ કઠોર કાર્યવાહી (Coercive Action) કરવામાં આવશે નહીં. આ કેસને જુલાઈના બીજા અઠવાડિયામાં સૂચિબદ્ધ કરવામાં આવે.” સરળ શબ્દોમાં, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ચૂંટણી સુધી કોંગ્રેસને કાર્યવાહીમાં રાહત આપી છે.

    - Advertisement -

    એસજી મહેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષે આશરે ₹134 કરોડની આવક વેરાની ચૂકવણી કરી છે. ત્યારબાદ પહેલેથી જ નિર્ધારિત માપદંડોના આધારે હવે ₹1,700 કરોડની વધારાની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી છે કે બાકી લેણાંની વસૂલાત લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રાખવામાં આવશે.

    દરમિયાન, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, “27, 28, 29 માર્ચના રોજ… બ્લોક એસેસમેન્ટ થયું હતું… તેમણે (ઈન્કમ ટેક્સ ઓથોરિટી) મિલકતોને જપ્ત કરીને ₹135 કરોડ એકત્ર કર્યા છે… અમે (કોંગ્રેસ) કોઈ નફો કમાવનાર સંગઠન નથી, અમે માત્ર એક રાજકીય પક્ષ છીએ.”

    નોંધનીય છે કે, આવક વેરા વિભાગ દ્વારા મૂલ્યાંકન વર્ષ 2014-15, 2015-16 અને 2016-17નું પુનર્મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી પાર્ટી તેના પર પ્રતિબંધ લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચી. જોકે, હાઈકોર્ટે 22 માર્ચે કોંગ્રેસની આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આવક વેરા વિભાગે મૂલ્યાંકન વર્ષ 2017-18, 2018-19, 2019-20 અને 2020-21 માટે પુનઃમૂલ્યાંકન પણ શરૂ કર્યું. તેની વિરુદ્ધ પણ કોંગ્રેસ દિલ્હી હાઈકોર્ટ પહોંચી હતી, પરંતુ 28 માર્ચ 2024ના રોજ હાઈકોર્ટે તેની તે અરજી પણ ફગાવી દીધી હતી.

    માત્ર એક દિવસ પછી, 29 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે કહ્યું કે તેને આકારણી વર્ષ 2017-18 અને 2020-21 માટે ₹1,823 કરોડનો ટેક્સ ચૂકવવાની નોટિસ મળી છે. આવક વેરા વિભાગે પક્ષને વધુ ત્રણ નોટિસ જારી કરી છે, જેમાં કુલ ટેક્સની માંગ ₹3,567 કરોડ થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં