Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ફરી મુખ્યમંત્રી બનશે નીતીશ કુમાર: NDA ધારાસભ્યોના...

    મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ફરી મુખ્યમંત્રી બનશે નીતીશ કુમાર: NDA ધારાસભ્યોના નેતા ચૂંટાયા, 5 વાગ્યે શપથ

    ભાજપની ધારાસભ્યોની બેઠકમાં સમ્રાટ ચૌધરીને નેતા અને વિજય કુમાર સિન્હાને ઉપનેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને NDAના ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેમાં ભાજપ અને NDAની અન્ય સહયોગી પાર્ટીઓએ સમર્થન પત્ર નીતીશ કુમારને સોંપ્યું હતું.

    - Advertisement -

    જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતીશ કુમાર હવે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. થોડા કલાકો પહેલાં જ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ગઠબંધનની સરકારનો અંત આણ્યો હતો. હવે ભાજપ અને NDAની અન્ય સહયોગી પાર્ટીઓ પાસેથી સમર્થન મેળવીને તેમણે ફરીથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાંજે તેઓ શપથ લેશે. 

    રવિવારે (28 જાન્યુઆરી) સાંજે પાંચ વાગ્યે નીતીશ કુમારનો શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. તેમની સાથે ભાજપના 2 ધારાસભ્યો ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. મંત્રીઓ હાલ શપથ નહીં લે તેવું જાણવા મળ્યું છે. ભાજપના 2 નેતાઓમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનો સમાવેશ થાય છે. ચૌધરી હાલ બિહાર ભાજપના અધ્યક્ષ પણ છે.

    નીતીશ કુમારે રવિવારે (28 જાન્યુઆરી, 2024) સવારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે પહેલાં તેઓ JDUના ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા. તમામ નેતાઓએ તેમને પાર્ટી અધ્યક્ષ તરીકે પાર્ટી અને રાજ્યના હિતમાં નિર્ણય લેવા માટે સત્તા આપી હતી અને તેઓ જે નિર્ણય લે તેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ત્યારબાદ નીતીશ રાજભવન પહોંચ્યા અને રાજીનામું ધરી દીધું હતું. મુખ્યમંત્રીના રાજીનામા સાથે જ બિહારની JDU-RJD સરકાર પડી ભાંગી હતી. 

    - Advertisement -

    બીજી તરફ, ભાજપની ધારાસભ્યોની બેઠકમાં સમ્રાટ ચૌધરીને નેતા અને વિજય કુમાર સિન્હાને ઉપનેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને NDAના ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેમાં ભાજપ અને NDAની અન્ય સહયોગી પાર્ટીઓએ સમર્થન પત્ર નીતીશ કુમારને સોંપ્યું હતું. જાણવા મળ્યું છે કે નીતીશ કુમાર પાસે કુલ 128 ધારાસભ્યોનું સમર્થન છે. સરકાર બનાવવા ઓછામાં ઓછી 122 બેઠકો જરૂરી છે. 

    કુલ 128 ધારાસભ્યોમાં ભાજપના 78, JDUના 45, હિંદુસ્તાન આવામ મોરચા (HAM)ના 4 અને 1 અપક્ષ ધારાસભ્ય સામેલ છે. NDA ધારાસભ્યોના નેતા ચૂંટાયા બાદ નીતીશ ફરી રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે તેમને નવી સરકારના વડા તરીકે શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે. 

    શપથગ્રહણ સાથે જ બિહારમાં દોઢ વર્ષ બાદ ફરીથી NDA સરકાર પરત ફરશે. 2020માં સરકાર બનાવ્યા બાદ ઓગસ્ટ, 2022માં નીતીશ કુમારે રાજીનામું આપીને RJD સાથે સરકાર બનાવી હતી, હવે તેઓ ફરી NDAમાં પરત ફર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં