ગત 6 ઓગસ્ટના રોજ 18 નગરપાલિકાની 29 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ 29 બેઠકોમાંથી 20 બેઠકોમાં તો ભાજપનો જ વિજય થયો છે. જ્યારે 8 બેઠકમાં કોંગ્રેસ અને 1 બેઠકમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. સાથે જ સુરત મહાનગરપાલિકાની એક બેઠક પણ ભાજપે કબજે કરી છે.
તારીખ 6 ઓગસ્ટ,2023 ના રોજ ગુજારાતમાં નગરપાલિકાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે એટલે કે 8 ઓગસ્ટ, ના રોજ સવારે 9 વાગ્યે હાથ ધરવામાં આવી હતી. તેમાં નગરપાલિકાની 29 બેઠકોનું પરિણામ આવ્યું છે. 29 બેઠકોમાંથી 20 બેઠકો પર તો એકલું ભાજપ જ વિજયી બન્યું છે. બાકી બધેલી 8 બેઠકોમાંથી 7 કોંગ્રેસને ફાળે જાય છે અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે જાય છે.
જાણો કઈ બેઠકો કોને મળી
અમદાવાદ જિલ્લાની એક નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, આણંદ જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસ, અરવલ્લી જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસ, બનાસકાંઠાની બે બેઠકો પર કોંગ્રેસ, ભરૂચ જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસ, આમોદ નગરપાલિકાની પાંચ બેઠકમાંથી ચાર બેઠકો પર ભાજપ અને એક બેઠક પર અપક્ષ, ભાવનગર જિલ્લાની એક નગરપાલિકાની બેઠક પર ભાજપ, પાલિતાણાની પાંચ બેઠકોમાંથી બે બેઠકોમાં ભાજપ અને ત્રણ બેઠકોમાં કોંગ્રેસ, તાલાલા નગરપાલિકાની એક બેઠકમાં ભાજપ, કચ્છ જિલ્લાની એક નગરપાલિકાની બેઠક પર ભાજપ, ખેડા જિલ્લાની એક બેઠક પર ભાજપ, મહેસાણા જિલ્લાની એક બેઠક પર ભાજપ, નર્મદા જિલ્લાની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.
પંચમહાલ જિલ્લાની એક બેઠક પર ભાજપ, પાટણ જિલ્લાની ચાર બેઠકો પર ભાજપ, પોરબંદર જિલ્લાની એક બેઠક પર ભાજપ અને સુરેન્દ્રનગર જિલ્લાની એક બેઠકમાં ભાજપનો વિજય થયો છે.
ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પાઠવવામાં આવી શુભેચ્છા
ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, “સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ પર ગુજરાતનાં નગરજનોને અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ વાત ફરી એકવાર પેટાચૂંટણીમાં સાબિત થઈ છે.” આ સાથે જ સી.આર.પાટીલે વિજયી ઉમેદવારોને શુભકામનાઓ પણ પાઠવી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં નેતૃત્વ પર ગુજરાતનાં નગરજનોને અખંડ શ્રધ્ધા અને વિશ્વાસ છે આ વાત ફરી એકવાર પેટા ચૂંટણીમાં સાબિત થઇ છે.
— C R Paatil (@CRPaatil) August 8, 2023
30 બેઠકોમાંથી 21 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો… pic.twitter.com/YFCaZtdLJg
હાર ભાળીને કોંગ્રેસે રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવાર જ ના ઊભા રાખ્યા
ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિનામાં ગુજરાતની ત્રણ બેઠકો માટે રાજ્યસભા દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે તે પહેલા જ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હાથ ઊંચા કરી દીધા હતા. કોંગ્રેસ તરફથી જાહેરનામું કરવામાં આવ્યું હતું કે તેઓ આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ઉતારશે નહી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, પૂરતું સંખ્યા બળ ના હોવાના કારણે કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક જીતી શકે તેમ નથી અને પાર્ટી જોડતોડના રાજકારણમાં માનતી નથી.
જો કે અંતે પરિણામ તો ધાર્યા મુજબ જ રહ્યું હતું. ભાજપના રાજ્યસભાના ત્રણેવ ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.