સોમવારથી (18 સ્પ્ટેમ્બર, 2023) શરૂ થનારા સંસદના વિશેષ સત્રને લઈને ઘણા દિવસોથી સસ્પેન્સ હતું, જેનો આખરે મોદી સરકારે ફોડ પાડ્યો છે. સરકારે આપેલ જાણકારી અનુસાર, આ વિશેષ સત્ર દરમિયાન સંસદીય ઇતિહાસનાં 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા કરવામાં આવશે તો સાથે સરકાર ચાર બિલ પણ રજૂ કરશે.
A discussion on "Parliamentary Journey of 75 years starting from Samvidhan Sabha – Achievements, Experiences, Memories and Learnings" will be held in Lok Sabha on 18th September, the first day of Parliament special session, as per Parliamentary Bulletin.
— ANI (@ANI) September 13, 2023
આ મહિનાની શરૂઆતમાં મોદી સરકારે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ઘોષણા કરી ત્યારથી જ તેનો એજન્ડા શું હશે તેને લઈને ચર્ચા ચાલતી હતી. સામાન્ય રીતે સરકારો કોઇ ખાસ એજન્ડા સિવાય વિશેષ સત્ર બોલાવતી હોતી નથી, તેમજ ઓગસ્ટ મહિનામાં જ ચોમાસું સત્ર પૂર્ણ થયું હતું, જેથી આ સત્રમાં સરકાર શું કરશે તેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે સરકારે સ્પષ્ટતા કરી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ પાંચ દિવસના સત્ર દરમિયાન બંધારણ સભા શરૂ થયાથી આજ સુધીની 75 વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે. સરકારે જે વિષય કહ્યો છે તે આ મુજબ છે- બંધારણીય સભાથી શરૂ કરીને 75 વર્ષની સંસદીય યાત્રા- ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને શીખ. સાથે જણાવવામાં આવ્યું કે, અન્ય સંસદીય કાર્યો ઉપરાંત 18 સેટમ્બરના રોજ આ વિષય પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત, સરકાર આ સત્રમાં ચાર બિલ રજૂ કરવા જઈ રહી છે. જોકે, તેમાંથી કોઈ પણ વિશેષ નથી કે એવું નથી જેની આજ સુધી ચર્ચા ચાલી રહી હતી. સરકાર ‘ધ એડવોકેટ્સ (સુધારા) બિલ 2023), ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પિરિયોડિકલ બિલ- 2023, ધ પોસ્ટ ઓફિસ બિલ- 2023, ‘ધ ચીફ ઈલેક્શન કમિશનર એન્ડ અધર ઇલેક્શન કમિશનર્સ બિલ- 2023. આ બધામાંથી જોકે, ઈલેક્શન કમિશનરોની નિમણૂક માટેના નિયમો ઘડતું બિલ તાજેતરના ભૂતકાળમાં થોડું ચર્ચામાં રહ્યું હતું. આ તમામને ગૃહની ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે જ્યારથી આ વિશેષ સત્રની ઘોષણા કરી હતી ત્યારથી લઈને આજદિન સુધી તેની ચર્ચા ચાલી છે. શરૂઆતમાં સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ માટે બિલ લાવી શકે તેવી અટકળો વહેતી થઈ. ત્યારબાદ મહિલા અનામત માટેના બિલની પણ ચર્ચા ચાલી તો ક્યાંક એવું પણ કહેવાયું કે સરકાર યુસીસી માટે બિલ લાવી રહી છે. ત્યારબાદ દેશના નામ વિશે ચર્ચા ઊઠી અને મીડિયામાં દાવા કરવામાં આવ્યા કે સરકાર દેશના નામમાંથી ‘ઇન્ડિયા’ હટવવા માટે વિશેષ સત્રમાં પ્રસ્તાવ લાવી રહી છે.
સરકારે હાલ જે જાણકારી આપી છે તેમાં આવી કોઇ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, આનો અર્થ એ નથી કે આ લિસ્ટમાં જે બાબતો જણાવવામાં આવી છે તેના સિવાયનાં બિલ કે પ્રસ્તાવો રજૂ ન થઈ શકે. એ થઈ પણ શકે અને નહીં પણ. સંપૂર્ણ ચિત્ર તો સત્ર શરૂ થયે જ સ્પષ્ટ થશે.