મહારાષ્ટ્રમાં NCP પાર્ટીમાં બળવો થયા બાદ બંને પવાર જૂથો સામસામે પડ્યાં છે અને પાર્ટી પર દાવો માંડી રહ્યાં છે. બુધવારે (5 જુલાઈ, 2023) શરદ પવાર અને અજિત પવારે જુદા-જુદા ઠેકાણે બેઠકો કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું તો અજિત પવારે ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ NCPના પ્રમુખ છે. આજે શરદ પવારે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજી હતી.
શરદ પવારે દિલ્હી ખાતેના નિવાસસ્થાને બોલાવેલી બેઠકમાં સુપ્રિયા સુલે (શરદ પવારનાં પુત્રી અને સાંસદ), સાંસદ ફૌજિયા ખાન, પીસી ચાકો, યોગાનંદ શાસ્ત્રી, જીતેન્દ્ર આવ્હાડ, વિરેન્દ્ર વર્મા, વંદના ચવ્હાણ વગેરે નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ પીસી ચાકોએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, બેઠકમાં 8 પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા અને NDA સરકારમાં સામેલ થયેલા તમામ 9 ધારાસભ્યો તેમજ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેને પાર્ટીમાંથી બરતરફ કરવાના શરદ પવારના નિર્ણયને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે પાર્ટીની તમામ 27 યુનિટ કમિટીઓ શરદ પવાર સાથે છે.
#NCP Chief #SharadPawar Briefs Media on #MaharashtraPolitics
— News18 (@CNNnews18) July 6, 2023
I am the NCP president, party should remain strong; all rebels expelled from the party, he says. I am still effective, whether I am 82 or 92, he added on #AjitPawar's age, retirement remarks#NationAt5 @poonam_burde pic.twitter.com/sZZb48u4Tv
બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે, તેઓ જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ઉંમરને લઈને તેમને કરવાળા અમેલ સવાલ પર કહ્યું કે, તેઓ 82 વર્ષના હોય કે 92 વર્ષના, રાજકારણમાં સક્રિય રહેશે. ઉલ્લેખનીય છે કે બુધવારની બેઠકમાં અજિત પવારે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હવે શરદ પવારે 82 વર્ષે રાજકારણમાંથી સન્યાસ લેવો જોઈએ.
શરદ પવારે યોજેલી આ બેઠકને અજિત પવારે ગેરકાયદેસર ગણાવી છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “શરદ પવારે જે બેઠક બોલાવી છે તે ગેરકાયદેસર છે. એનસીપીના પ્રતિનિધિત્વને લઈને વિવાદ ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં છે. જેથી પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવાનો અધિકાર નથી. બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય માનવા માટે કાયદાકીય રીતે કોઈ પણ બાધ્ય નથી.”
અત્યાર સુધીનો ઘટનાક્રમ
ગત 2 જુલાઈ, 2023 (રવિવારે) NCP નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે અચાનક રાજભવન જઈને ડેપ્યુટી સીએમ પદના શપથ લઇ લીધા હતા અને સરકારને સમર્થન જાહેર કરી દીધું હતું. તેમની સાથે અન્ય 8 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. શપથગ્રહણ કર્યા બાદ અજિત પવારે જાહેર કર્યું હતું કે તેઓ જ સાચી NCP છે અને કોઈ નવી પાર્ટી બનાવી રહ્યા નથી. આમ કહીને તેમણે પાર્ટી પર દાવો માંડી દીધો હતો. બીજી તરફ, શરદ પવારે પોતે જ પાર્ટી અધ્યક્ષ હોવાનું જણાવ્યું હતું.
આ વિવાદ વચ્ચે બુધવારે શરદ પવાર અને અજિત પવાર બંનેએ જુદાં-જુદાં ઠેકાણે પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને કાર્યકરોની બેઠકો બોલાવી હતી. જેમાં અજિત પવારનો હાથ ઉપર રહ્યો હતો અને તેમની સાથે 54માંથી 30થી વધુ ધારાસભ્યો જોવા મળ્યા હતા, જ્યારે શરદ પવાર સાથે આવેલા ધારાસભ્યોની સંખ્યા ઓછી હતી. હવે પાર્ટી માટેની આ લડાઈ ચૂંટણી પંચ પાસે પહોંચી છે.