છત્તીસગઢના કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ લીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો અન્ય કોઈ નહીં પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કર્યો છે. એજન્સીનું કહેવું છે કે ભૂપેશ બઘેલને વિવાદાસ્પદ સટ્ટાબાજી એપના પ્રમોટર્સ દ્વારા આ અધધ રકમ ચૂકવવામાં આવી છે. અહીં તે પણ નોંધવું જરૂરી છે કે ગુરૂવારે (3 નવેમ્બર, 2023) છત્તીસગઢમાંથી જ 5 કરોડ 39 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરો પાસેથી 508 કરોડ લીધા હોવાના આ દાવા બાદ મોટી રાજકીય ઉથલપાથલ થઇ શકે છે. EDએ જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં જ 5 કરોડ 39 લાખ રૂપિયા સાથે ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી. ED અનુસાર આ પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો છે કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને અત્યાર સુધી 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ મામલે એજન્સીએ કહ્યું છે કે 5 કરોડથી વધુની રકમ સાથે ઝડપાયેલા આરોપી અસીમ દાસે જણાવેલી બાબત તપાસનો વિષય છે.
અહેવાલો અનુસાર ગત 2 નવેમ્બરના રોજ EDને બાતમી મળી હતી કે 7 અને 17 નવેમ્બરે કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં થનાર ચૂંટણી માટે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ કરોડો રૂપિયાની હેરાફેરી કરવાના છે. બાતમીના આધારે એજન્સીએ અસીમ દાસને ઝડપી લીધો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીને આ રૂપિયા કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી ખર્ચ પેટે UAEથી મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ અસીમે પણ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે આ રકમ તેને અગામી ચૂંટણીને લઈને એક નેતા પાસે પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
"During further investigation, ED has also questioned and arrested Police Constable Bheem Yadav. ED investigation has revealed that in the last 3 years, Bheem Yadav had unauthorizedly travelled to Dubai, admittedly met Ravi Uppal & Sourabh Chandrakar, participated in the gala…
— ANI (@ANI) November 3, 2023
EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “2 નવેમ્બરના રોજ ઇડીને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યાં હતાં કે મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા 7 અને 17 નવેમ્બરે યોજાનાર છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે મોટા પ્રમાણમાં રોકડ રકમની હેરફેર કરવામાં આવી રહી છે. ઇડીએ આ મામલે હોટેલ ટ્રાઈટન અને ભિલાઈનાં અન્ય સ્થળોએ સર્ચ હાથ ધરીને એક અસીમ દાસ નામના વ્યક્તિને કૅશ કુરિયર સાથે ઝડપી પાડ્યો હતો, જેને UAEથી મોકલવામાં આવ્યો હતો, જે પૈસા કોંગ્રેસ પાર્ટી માટે વપરાવાના હતા. ઈડીને તેની પાસેથી 5.39 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ઇડીએ જણાવ્યું છેકે, અસીમ દાસે કબૂલાત કરી છે કે આ ફંડની વ્યવસ્થા મહાદેવ એપના પ્રમોટરો દ્વારા કરવામાં આવી હતી અને તેને ‘બઘેલ’ નામના રાજકારણીને આપવાના હતા.”
એજન્સી મુજબ, “અસીમ દાસની પૂછપરછ અને તેની પાસેથી મળી આવેલા ફોનની ફોરેન્સિક તપાસ અને શુભમ સોની (મહાદેવ નેટવર્કના ઉચ્ચ હોદ્દા પરના આરોપીમાંનો એક) દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલની તપાસથી ઘણા ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં છત્તીસગઢના મુખ્યમંત્રીને નિયમિત ચૂકવણી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મહાદેવ એપના પ્રમોટરો દ્વારા ભૂપેશ બઘેલને આશરે 508 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.”
મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ એ ગેરકાયદેસર સટ્ટાબાજી માટેનાં ઓનલાઈન પ્લેટફોર્મ્સનું એક સિન્ડિકેટ છે, જેમાં બેનામી બેન્ક અકાઉન્ટ્સનાં એક લેયર્ડ વેબના માધ્યમથી પૈસાની હેરાફેરી કરવામાં આવે છે. આ એપના પ્રમોટરો આ પ્રકારની ચારથી પાંચ એપ્સ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે, જે તમામનું સંચાલન UAEથી કરવામાં આવે છે. આ એપ્લિકેશન્સ દરરોજ કરોડો રૂપિયાનો નફો કમાતી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડની હાલ ઇડી તપાસ કરી રહી છે.