Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણ‘CAA બાદ દોઢ-બે કરોડ લોકોને ભારત લાવીને અહીં વસવાટ કરાવાશે’: તથ્યો બાજુ...

    ‘CAA બાદ દોઢ-બે કરોડ લોકોને ભારત લાવીને અહીં વસવાટ કરાવાશે’: તથ્યો બાજુ પર મૂકીને કેજરીવાલે કરી ભ્રામક વાતો, શરણાર્થી બનીને આવેલા પ્રતાડિત હિંદુઓને ગણાવ્યા ‘પાકિસ્તાની’

    સમગ્ર વિડીયોમાં કેજરીવાલ અનેક વખત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે પીડિત હિંદુઓ સહિતના લઘુમતીઓ ભારત આવ્યા છે તેમને ‘પાકિસ્તાની-બાંગ્લાદેશી’ ગણાવે છે.  તેઓ કહે છે કે ભાજપે લાવેલો આ કાયદો દેશ માટે ખતરનાક છે. પરંતુ વાસ્તવમાં આ પ્રેસ કૉન્ફરન્સમાં થયેલા દાવા ખતરનાક છે, કાયદો નહીં. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યા બાદ વિરોધી પાર્ટીઓએ ભાજપ વિરુદ્ધ રાજકીય લાભ મેળવવાના ઈરાદે ભ્રામક દાવાઓ કરીને કાયદાનો વિરોધ કરવાનું કામ હાથ પર લીધું છે. બુધવારે (13 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને CAA પર ભ્રામક ટિપ્પણીઓ કરી અને મારી-મચડીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ કાયદો ભારત માટે યોગ્ય નથી. 

    કેજરીવાલે પોતાના X હેન્ડલ પરથી એક 7 મિનીટ 27 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો છે. સાથે લખ્યું કે, “CAA કાયદો દેશના હિતમાં નથી. કેવી રીતે? આ વિડીયો જરૂર જુઓ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.”

    વિડીયોની શરૂઆતમાં કેજરીવાલ ભાજપ પર ચૂંટણી નજીક છે ત્યારે CAA લાગુ કરવાનો આરોપ લગાવે છે અને કહે છે કે 10 વર્ષ પછી તેમણે CAAના નામે મત માંગવા પડી રહ્યા છે, કારણ કે છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી મામલે કામ થયું નથી. છતાં સરકાર તેનું સમાધાન કરવાની જગ્યાએ CAAની વાત કરી રહી છે. 

    - Advertisement -

    તેઓ આગળ કહે છે કે, “ભાજપની કેન્દ્ર સરકારનું કહેવું છે કે ત્રણ દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, આ ત્રણ દેશોના લઘુમતીઓ ભારતની નાગરિકતા લેવા માંગે તો તેમને ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. તેનો અર્થ મોટી સંખ્યામાં લઘુમતીઓને આપણા દેશમાં લાવવામાં આવશે. તેમને રોજગાર આપવામાં આવશે, તેમના માટે ઘર બનાવવામાં આવશે, તેમને અહીં વસાવવામાં આવશે. તેઓ આગળ કહે છે કે, “ભાજપની કેન્દ્ર સરકાર આપણાં બાળકોને રોજગાર નથી આપતી, પણ પાકિસ્તાનથી લોકોને લાવીને તેમનાં બાળકોને રોજગાર આપવા માંગે છે.”

    કેજરીવાલ કહે છે કે, “આપણા લોકો પાસે ઘર નથી, ભારતના અનેક લોકો બેઘર છે, પણ ભાજપવાળા પાકિસ્તાનથી લોકોને લાવીને તેમને ભારતમાં વસાવવા માંગે છે, તેમને ઘર આપવા માંગે છે. ભારત સરકારનો જે રૂપિયો આપણા દેશના વિકાસમાં ખર્ચવો જોઈએ તે પૈસા પાકિસ્તાનીઓને લાવીને તેમને અહીં વસાવવા પર ખર્ચાશે.”

    દિલ્હી CM આગળ કહે છે કે, “આ ત્રણ દેશોમાં લગભગ અઢીથી ત્રણ કરોડ લઘુમતીઓ છે. આ ત્રણેય બહુ ગરીબ દેશો છે. જેવા ભારતના દરવાજા ખૂલશે, આ ત્રણેય દેશોમાંથી ભારે ભીડ આપણા ભારતમાં આવી જશે. જો આ અઢી-ત્રણ કરોડમાંથી દોઢ કરોડ લોકો પણ ભારતમાં આવી ગયા તો કોણ તેમને રાખશે? તેમને રોજગાર કોણ આપશે?”

    ભાજપ પર વોટબેન્ક માટે કાયદો લાવવાના આરોપ લગાવ્યા, પણ આધાર શું?- મને લોકોએ આમ કહ્યું!

    કેજરીવાલ પોતે ઘણા લોકો સાથે આ મુદ્દે વાત કરી હોવાનો દાવો કરીને આગળ કહે છે કે, “ઘણાનું કહેવું છે કે આ ખેલ વોટબેન્ક બનાવવાની ગંદી રાજનીતિ છે. આ ત્રણ દેશોમાંથી દોઢ કરોડ લોકોને ભારત લાવવામાં આવ્યા અને દેશના અલગ-અલગ ભાગોમાં વસવાટ કરાવવામાં આવ્યો, જ્યાં ભાજપના મત ઓછા છે ત્યાં તેમને ઝૂંપડપટ્ટીઓમાં રાખવામાં આવ્યા તો ત્યાં ભાજપની એક પાકી વોટબેંક તૈયાર થઈ જશે. જેથી ભવિષ્યમાં ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે.” જોકે, પછીથી ચાલાકીપૂર્વક કહી દે છે કે આવું અમુક લોકોનું કહેવું છે, મને ખબર નથી કે આ સાચું છે કે ખોટું. ભાજપ પર આરોપ લગાવતાં આગળ તેઓ કહે છે કે, ભાજપ વિશ્વની એક જ એવી પાર્ટી છે જે પાડોશી દેશોના ગરીબને પોતાના દેશમાં ઘૂસાડવા માટે દરવાજા ખોલી રહી છે. 

    આગળ કહે છે કે, “આ લોકો (સરકાર) કહી રહ્યા છે કે 2014 પહેલાં આવેલા લોકોને નાગરિકત્વ આપવામાં આવશે. પરંતુ એવું નથી. આ તો શરૂઆત છે. એક વખત સિલસિલો ચાલુ થઈ ગયો તો પછી મોટી સંખ્યામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લોકો ભારત આવશે.” કેજરીવાલ એવો પણ દાવો કરે છે કે આગલી ચૂંટણીમાં ભાજપ 2014ની તારીખ 2024 કરી દેશે.

    સમગ્ર વિડીયોમાં કેજરીવાલ અનેક વખત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે પીડિત હિંદુઓ સહિતના લઘુમતીઓ ભારત આવ્યા છે તેમને ‘પાકિસ્તાની-બાંગ્લાદેશી’ ગણાવે છે.  તેઓ કહે છે કે ભાજપે લાવેલો આ કાયદો દેશ માટે ખતરનાક છે. પરંતુ વાસ્તવમાં આ પ્રેસ કૉન્ફરન્સમાં થયેલા દાવા ખતરનાક છે, કાયદો નહીં. 

    CAA બાદ મોટી સંખ્યામાં લોકો અહીં આવશે એ દાવો તદ્દન ખોટો

    CAAના કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી લઘુમતીઓને ભારતમાં લાવીને નાગરિકત્વ અપાશે તે દાવો એકદમ પાયાવિહોણો અને ખોટો છે. CAAમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 31 ડિસેમ્બર, 2014 પહેલાં જેટલા આવા લોકો ભારતમાં પ્રવેશી ચૂક્યા છે તેમને જ CAA હેઠળ નાગરિકતા આપવામાં આવશે. કેજરીવાલ પોતે પણ આ વાત કહે છે, પરંતુ વિડીયોના અંત ભાગમાં. તે પહેલાં તેઓ અનેક ભ્રામક વાતો કરી ચૂક્યા હોય છે. અંત ભાગમાં પણ ચાલાકી વાપરી જાય છે અને કહે છે કે ભાજપ 31 ડિસેમ્બર, 2014ની તારીખ લંબાવી દેશે. પરંતુ સરકારનો આવો કોઇ ઇરાદો નથી. 

    ભારતમાં વિદેશી નાગરિકોને નાગરિકત્વ અપાતું જ રહ્યું છે, આ કાયદાથી જ તેની શરૂઆત થશે તેમ નથી. કોઇ પણ દેશનો, કોઇ પણ ધર્મનો નાગરિક ભારતમાં નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. તેના માટે અમુક નિયમો અને લાયકાતો છે, જે તેની પાસે હોવી જોઈએ. જો કોઇ વ્યક્તિ ભારતમાં 11 વર્ષથી રહેતો હોય તો તેને ભારતમાં નાગરિકતા મળે છે. CAAથી માત્ર 31 ડિસેમ્બર, 2014 પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓને અમુક વિશેષ લાભ મળશે, જેમકે તેમના માટે 11 વર્ષનો નિયમ માત્ર 5 વર્ષનો જ થઈ જશે, જેથી વહેલી નાગરિકતા મળી શકે. આ માટે પણ એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. 

    પાકિસ્તાનથી શરણ લઈને આવેલા હિંદુઓ પર પણ રાજનીતિ?

    કેજરીવાલ વિડીયોમાં સતત ત્રણ પાડોશી ઇસ્લામિક દેશોમાંથી પ્રતાડિત થઈને શરણ લેવા માટે ભારત આવેલા લોકોને ‘પાકિસ્તાની’ ગણાવતા રહે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ધાર્મિક ભેદભાવનો સામનો કરીને પોતાના ધર્મના કારણે પડતી મુશ્કેલીઓના કારણે દેશ છોડીને ભારત આવી ગયા હતા. કેજરીવાલ તેમને ‘પાકિસ્તાની’ ગણાવીને તેઓ વિરોધી દેશના નાગરિકો હોવાનો નેરેટિવ આગળ વધારવાના પ્રયાસ કરે છે. એક તરફ તેમણે ધાર્મિક ભેદભાવોના કારણે અન્ય દેશમાં શરણ લેવું પડ્યું અને હવે તે દેશના અમુક રાજકારણીઓ રાજનીતિક લાભ ખાટવા માટે તેમને ‘ઘૂસણચોરો’ ગણાવી રહ્યા છે! તેનાથી દયાજનક બીજું શું હોય!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં