લોકસભા ચૂંટણીને હવે વધારે સમય રહ્યો નથી. તે પહેલાં INDI ગઠબંધન પણ ધીમા પગલે આગળ વધી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાંઠગાંઠ કરીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેમાં 24 બેઠકો પર કોંગ્રેસ જ્યારે ભરૂચ-ભાવનગર પર આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીને ભાજપને હરાવવાનો ઉત્સાહ હતો, પણ હવે મોળો પડી ગયો હોય એમ લાગે છે અને જે પાર્ટી અગાઉ ભાજપનો વિજયરથ રોકવાની વાતો કરી રહી હતી તે હવે લીડની વાત કરતી થઈ ગઈ છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તાજેતરમાં ‘લેખિત ગેરેન્ટી’ આપતાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપ 5 લાખની લીડથી નહીં જીતી શકે.
ઈસુદાને તાજેતરમાં જ પ્રોપગેન્ડા યુ-ટ્યુબ ચેનલ ‘જમાવટ’ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. હોસ્ટ દેવાંશી જોશી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી નહીં જીતી શકે. એટલું જ નહીં, તેમણે આ વાત લેખિતમાં પણ આપી. સાથે નીચે પોતાના હસ્તાક્ષર પણ કર્યા. પછીથી આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને હવે લોકો મજા લઇ રહ્યા છે.
Isudan Gadhviએ લખીને આપ્યું કે BJP 26 માંથી 26 બેઠક પાંચ લાખની બહુમતીથી નહીં જીતે |Jamawat
— Jamawat (@Jamawat3) March 1, 2024
.#isudangadhvi #jamawat #LokSabhaElections2024 #loksabhaelectionwithjamawat #bjp #aap #congress #politics #gujarat pic.twitter.com/pDda1REgyC
વિડીયો ફરતો થતાં જ લોકોએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખની ફિરકી લેવાનું શરૂ કરી દીધું. લોકો ઇસુદાને આપેલી ‘ગેરેન્ટી’નો પોતપોતાની રીતે અર્થ કાઢી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ 5 લાખની લીડથી નહીં જીતે, પરંતુ એવું ક્યાંય નથી કહ્યું કે આમ આદમી પાર્ટી કે INDI ગઠબંધનના ઉમેદવારો જીતશે. સાથે જ તેમણે એમ પણ નથી કહ્યું કે ભાજપ હારશે. સામાન્ય રીતે નેતાઓ પોતાની પાર્ટી જીતવાની વાત કરતા હોય કે વિપક્ષના હારવાની. અહીં 5 લાખની લીડનો ઉલ્લેખ કરવાનો અર્થ એવો થયો કે 26માંથી 26 બેઠકો જીતશે તો ભાજપ જ, પરંતુ લીડ આઘીપાછી થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અનેક પ્રસંગો જાહેર કરી ચૂક્યા છે કે આ વખતે ભાજપનો ગુજરાતમાં ટાર્ગેટ માત્ર 26માંથી 26 બેઠકો જીતવાનો નથી, પરંતુ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો છે.
ઈસુદાન ગઢવીની આ લેખિત ગેરેન્ટી બાદ હવે લોકો સોશિયલ મીડિયા તેમની મજાક ઉડાવી રહ્યા છે. પ્રાપ્તિ બુચે અગાઉ અરવિંદ કેજરીવાલે 2022ની વિધાનસભા ચૂંટણી વખતે આપેલી આવી જ એક ‘લેખિત ગેરેન્ટી’ યાદ અપાવી હતી અને ઈસુદાનને પડકાર આપ્યો હતો કે તેઓ પોતે પહેલાં કોઇ એક બેઠક જીતીને બતાવે.
ઇસુદાન ગઢવી ને કહીએ પહેલાં તું તો જીતીને બતાવ ભાઈ!!!
— Prapti (@i_m_prapti) March 1, 2024
લખીને તો એના માલિક કેજરીવાલ એ પણ ઘણું આપ્યું હતું. 🤪😂 https://t.co/ciXWK8UvUs
ઉલ્લેખનીય છે કે હાલ જેમ ઈસુદાન ગઢવીએ લખી આપ્યું તેવી જ રીતે નવેમ્બર 2022માં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ મીડિયા સામે આવા બણગાં ફૂંક્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી હોવાની લેખિત ભવિષ્યવાણી કરી હતી. તેમણે પણ એક કોરા કાગળ પર લખીને આપ્યું હતું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.” જોકે, પછીથી કેજરીવાલની આ ભવિષ્યવાણીનું શું થયું તે જગજાહેર છે. આમ આદમી પાર્ટી માત્ર 5 બેઠકો જીતી શકી અને 128 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ ગઈ અને તમામ મોટાં માથાં હારી ગયાં, જેમાં ઈસુદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે.
💥 @ArvindKejriwal जी की बड़ी भविष्यवाणी!💥
— AAP (@AamAadmiParty) November 27, 2022
लिखकर दिया: गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है। pic.twitter.com/u5k8IhGpJf
અન્ય એક ડૉ. આદિત્ય મહેતા નામના યુઝરે લખ્યું કે, ઈસુદાન કહે છે કે લીડ ભલે ગમે તેટલી હોય, પણ 26માંથી 26 સીટ ભાજપ જ જીતશે. સાથે જ તેમણે ચૈતર વસાવાને ટાંકીને પ્રચલિત કોમેડી મીમના શબ્દો પણ ટાંક્યા. નોંધવું જોઈએ કે પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે, જ્યાં કોંગ્રેસ સાથે વિવાદમાં પડીને પણ પાર્ટીએ ગઠબંધનમાં બેઠક મેળવી હતી. પરંતુ હવે પ્રદેશ પ્રમુખ જ બેઠક જીતવાની જગ્યાએ લીડની વાત કરી રહ્યા હોય તો ભરૂચ બેઠક પર પહેલેથી જ હાર સ્વીકારી લીધેલી ગણી શકાય. એ જ કારણ છે કે લોકો હવે મજાક ઉડાડી રહ્યા છે.
તો અન્ય કેટલાક યુઝરોએ પણ આવી જ ટીખળ કરી કે ઈસુદાન ગઢવીનો કહેવાનો તાત્પર્ય એવો જ છે કે ગમે તે થાય જીતશે તો ભાજપ જ.
In other words :
— Dr.Aaditya Mehta 🇮🇳 (@DrAadityaMehta) March 1, 2024
ઇસુદાન એવું કહે છે કે લીડ ભલે ગમે તેટલી મળે , પણ 26 માંથી 26 સીટ BJP જ જીતશે.
Moye Moye @Chaitar_Vasava https://t.co/N3CZ0KCtYS
એટલે પાંચ લાખના અંતરથી નહીં જીતે
— KUNTAL DARU (@kuntal_daru) March 1, 2024
એક લાખને અને અઢી લાખના અંતર થી જીતશે પણ જીતશે તો ભાજપ જ ને🤦🤦🤦🤣🤣🤣
અત્યાર સુધી ભાજપને હરાવવાની વાત, હવે લીડ પર આવીને અટકી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનેક વખત આમ આદમી પાર્ટીના નેતાઓ લોકસભા ચૂટણીમાં ભાજપને હરાવવાની વાત કરી ચૂક્યા છે. 7 ઓગસ્ટ, 2023ના રોજ ઈસુદાન ગઢવીએ જ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠકો નહીં જીતે. તેમણે INDI ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી હતી અને તે દરમિયાન જ દાવો કર્યો હતો કે, “ભાજપ હવે લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો નહી જીતી શકે.” હવે એક સમયે ભાજપ ‘નહીં જીતે’ તેવો દાવો કરનાર ઈસુદાન ગઢવી સીધા લીડ પર આવી જાય અને કહે કે ભાજપ 5 લાખની લીડથી નહીં જીતે, તેનો અર્થ શું લઈ શકાય? શું આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવીએ માની લીધું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે, બસ લીડ કદાચ આઘી પાછી હશે.
જોકે, અહીં નોંધવું જોઈએ કે કઈ બેઠક પર કેટલી લીડ હોય તેનું પાર્ટીના આંતરિક મૂલ્યાંકન માટે મહત્ત્વ ખરું, પરંતુ પરિણામ પર તેની કોઇ અસર થતી નથી. કોઇ 10 લાખ મતોથી જીતે કે 10, જીત જીત કહેવાય છે. એટલે ઈસુદાન ગઢવી ટ્રોલ થઈ રહ્યા હોવાનું એક કારણ એ પણ છે કે વિપક્ષી પાર્ટીઓનું ધ્યાન ભાજપને હરાવવા પર હોવું જોઈએ, લીડ ઘટાડવાથી તેમને કશું જ મળવાનું નથી.