લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પહેલીવાર યુપી ભાજપ વર્કિંગ કમિટીની બેઠક લખનૌમાં મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન CM યોગીએ યુપીના પરિણામને લઈને ભાજપ કાર્યકર્તાઓને સલાહ-સૂચન આપ્યા હતા. દરમિયાન તેમણે ભૂતકાળના ઉત્તર પ્રદેશની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હવે યુપીમાં માફિયા રાજ ખતમ થઈ ચૂક્યો છે. આ સાથે તેમણે મહોરમ પર થતી હિંસાને લઈને કહ્યું કે, પહેલાં તાજિયાના નામે લોકોના મકાનો તોડી પાડવામાં આવતા હતા, હવે એવી મનમાની નથી ચાલતી.
રવિવારે (14 જુલાઈ) લખનૌમાં CM યોગીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં યુપીનું જે પરિણામ સામે આવ્યું છે, તેને લઈને કાર્યકર્તાઓએ બેકફૂટ પર જવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે, “આપ સૌના સહયોગથી જ આપણે યુપીને માફિયાઓથી મુક્ત કર્યું છે. યુપીમાં આજે સુરક્ષાનો માહોલ છે. પહેલાં મોહરમમાં તાજિયાના નામે મકાનો તોડી પાડવામાં આવતા હતા, તાર હટાવી દેવાતા હતા. પરંતું હવે કોઈ મનમાની નથી ચાલતી.”
‘જાતિ-મઝહબથી ઉપર ઊઠીને કર્યું કામ’
CM યોગીએ કહ્યું કે, “અમે જાતિ અને મઝહબના નામ પર કોઈ સાથે ભેદભાવ નથી કર્યો. 56 લાખ ગરીબોને કોઈપણ ભેદભાવ વગર મકાનો આપ્યા, આપણે કોઇની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કર્યો. 80 કરોડ લોકોને આજે નિઃશુલ્ક રાશન મળી રહ્યું છે.” આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદી વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની નીતિ અને કાર્ય પદ્ધતિ પર વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીનો એક જ મંત્ર છે- સેવા જ સંગઠન. તેમણે કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ ઉમેરતા કહ્યું કે, “આપણે બેકફૂટ પર જવાની જરૂર નથી. કારણ કે, આપણે કામ કરીને બતાવ્યું છે.” સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, સમાજવાદીઓએ ધર્મના નામે દલિતોનું અનામત ખાવાનો પ્રયાસ કર્યો હતો.
લોકસભા ચૂંટણી વિશે વાત કરતાં CM યોગીએ કહ્યું કે, “ચૂંટણીમાં સમાજને જાતિમાં વહેંચી નાખવામાં આવ્યો, વિદેશી તાકતો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો મોટા પાયે ષડયંત્ર દ્વારા સૌહાર્દને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા, સપાના લોકોએ રામ-કૃષ્ણ અને શિવના નામને કલંકિત કરવાના પ્રયાસો કર્યા.” આ ઉપરાંત પણ યોગી આદિત્યનાથે અનેક મુદ્દાઓ પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે પેટાચૂંટણી અને 2027ની ચૂંટણી માટે કાર્યકર્તાઓમાં જોશ ભરવાનું કાર્ય કર્યું હતું.