Friday, April 26, 2024
More
    હોમપેજરાજકારણગેહલોતને ગુજરાત સાચવવું ભારે પડી શકે: પાયલટને ગદ્દાર કહ્યા બાદ રાજસ્થાનમાં જ્વાળામુખી...

    ગેહલોતને ગુજરાત સાચવવું ભારે પડી શકે: પાયલટને ગદ્દાર કહ્યા બાદ રાજસ્થાનમાં જ્વાળામુખી ફરીથી ભભૂક્યો

    આ પહેલા જ્યારે કોંગ્રેસ નેતા સચિન પાયલટ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને 'ગદ્દર' (દેશદ્રોહી) કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પાયલટને રાજસ્થાનના સીએમ બનવા દેશે નહીં.

    - Advertisement -

    રાજસ્થાન કોંગ્રેસમાં ભલે બહારથી શાંતિ દેખાઈ રહી હોય પરંતુ હજુ ત્યાં બધું શાંત થયું નથી. છેલ્લા થોડા દિવસોમાં રાજસ્થાન કોંગ્રેસના બંને મોટા નેતા અશોક ગેહલોત અને સચિન પાયલટે એવા નિવેદનો આપ્યા છે કે જેનાથી માની શકાય કે રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુ દૂર નથી હવે.

    કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ પદનો મુદ્દો ભલે ઉકેલાઈ ગયો છે, પરંતુ રાજસ્થાન મુદ્દે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. રાજસ્થાનમાં કોંગ્રેસનો ધમધમાટ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને મુખ્યમંત્રીની ખુરશીને લઈને અશોક ગેહલોત અને સચિન પાયલટનો મામલો વધુ જટિલ બની રહ્યો છે. રાજસ્થાનમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સચિન પાયલટનો ફોટો સામે આવતા જ અશોક ગેહલોતે ફરી એકવાર સચિન પાયલટ પર રાજકીય રીતે ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. \

    અશોક ગેહલોતે દાવો કર્યો કે કોંગ્રેસના ધારાસભ્યો પાયલટને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં નથી. ગેહલોતે એવો પણ દાવો કર્યો હતો કે પાયલટને માત્ર 10 ધારાસભ્યોનું સમર્થન છે. તો સામે સચિન પાયલટે પણ હુમલો કરતા કહ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી ગુપ્ત મતદાનથી થવી જોઈએ.

    - Advertisement -

    પાયલટે કરી ગુપ્ત મતદાનની માંગ

    અહેવાલો મુજબ સચિન પાયલટે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે એવી પણ માંગ કરી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રીનો નિર્ણય ગુપ્ત મતદાન દ્વારા જ લેવામાં આવે. ન્યુઝ18ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના ઘટનાક્રમ બાદ સચિન પાયલટે કોંગ્રેસ નેતૃત્વને કહ્યું કે, અશોક ગેહલોત દ્વારા 10 અને ક્યારેક 20 ધારાસભ્યોને સમર્થન આપવાની વાત મારું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

    કોંગ્રેસ નેતૃત્વ સાથેની વાતચીતમાં સચિને ગેહલોતને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી પદ માટે ધારાસભ્યોના ગુપ્ત અભિપ્રાય લેવા જોઈએ, જેમાં ગેહલોતને સમર્થન નહીં મળે.

    સચિન પાયલટે દાવો કર્યો છે કે અશોક ગેહલોતને હટાવવાથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને કોઈ ખતરો નહીં રહે. પાયલટનું કહેવું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના દબાણને કારણે ધારાસભ્યો આગળ નથી આવી રહ્યા. રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યમંત્રી બદલવા માંગે છે, તેથી ગુપ્ત મતદાન દ્વારા નિર્ણય લેવો જોઈએ.

    સચિન પાયલટે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ગુપ્ત મતદાનની માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે સચિન પાયલટ રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા માટે તૈયાર છે.

    આ વખતે પાયલટનો આત્મવિશ્વાસ ઊંચો

    અહેવાલો અનુસાર સચિન પાયલટ કોંગ્રેસ હાઈકમાન્ડને કહ્યું કે ‘જો બહુમતી અશોક ગેહલોતની તરફેણમાં હશે તો તેઓ ફરીથી નેતૃત્વ બદલવાની માંગ નહીં કરે અને ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડશે.’ સૂત્રોનું કહેવું છે કે સચિને હાઈકમાન્ડને કહ્યું છે કે માત્ર અને માત્ર ગુપ્ત મતદાનનો નિર્ણય જ મને માન્ય રહેશે. અશોક ગેહલોતે પણ આ વાત સ્વીકારવી જોઈએ.

    હવે રાજસ્થાનને લઈને કોંગ્રેસ નેતૃત્વએ નિર્ણય લેવાનો છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

    ‘સચિન પાયલટ ગદ્દર છે, મુખ્યમંત્રી ન બનાવી શકાય.’ – અશોત ગેહલોત

    આ પહેલા જ્યારે કોંગ્રેસ નેતા સચિન પાયલટ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને ‘ગદ્દર’ (દેશદ્રોહી) કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પાયલટને રાજસ્થાનના સીએમ બનવા દેશે નહીં. ગેહલોતે એનડીટીવીના શ્રીનિવાસન જૈન સાથેની મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમણે કહ્યું હતું કે સચિન પાયલટ એક દેશદ્રોહી છે જેણે મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે બળવો કર્યો હતો.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ હાઈકમાન્ડ પાઈલટને સીએમ બનાવવા ઈચ્છે છે, તો ગેહલોતે જવાબ આપ્યો, “તેઓ તેમને કેવી રીતે બનાવશે? દસથી ઓછા ધારાસભ્યો ધરાવતો માણસ. જેણે બળવો કર્યો; અને તેને દેશદ્રોહી ગણાવ્યો હતો. તેમણે પક્ષ સાથે દગો કર્યો છે અને તેથી તે દેશદ્રોહી છે. લોકો તેને કેવી રીતે સ્વીકારશે? ગેહલોતે કહ્યું કે, ગદ્દાર (દેશદ્રોહી) મુખ્યમંત્રી ન બની શકે.”

    નોંધનીય છે કે જયારે અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવવાની વાત આવી હતી પણ સામે હાઈ કમાન્ડ દ્વારા સચિન પાઇલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની વાત કરવામાં આવી હતી, તો તેના વિરોધમાં રાજસ્થાનના 100 જેટલા ધારાસભ્યોએ ગેહલોતના સમર્થનમાં રાજીનામાં આપવાની વાત કરી હતી. હવે જોવાનું એ થાય છે કે કોંગ્રેસ હાઈ કમાન્ડ બંનેમાંથી કોનો પક્ષ લે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં