Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણરાજ્યસભાની ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારીપત્ર દાખલ કર્યું, જીત નિશ્ચિત:...

    રાજ્યસભાની ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેદવારીપત્ર દાખલ કર્યું, જીત નિશ્ચિત: બાકીની 2 બેઠકો પર ભાજપના ઉમેદવાર કોણ હશે એ હજુ સસ્પેન્સ

    વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વિધાનસભા ભવન પહોંચીને તેમણે ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું.

    - Advertisement -

    ગુજરાતની ત્રણ રાજ્યસભા બેઠકો ખાલી થઇ રહી છે, જે માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્રણમાંથી એક વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠક પણ સામેલ હતી. ભાજપે તેમને ફરી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે, જે માટે એસ જયશંકરે આજે ગાંધીનગર ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. 

    વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારે (9 જુલાઈ, 2023) રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વિધાનસભા ભવન પહોંચીને તેમણે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, “ગુજરાત તરફથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે તક આપવા બદલ હું વડાપ્રધાન અને ભાજપના શીર્ષ નેતૃત્વ તેમજ ગુજરાતની જનતા અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરું છું. તેમના આશીર્વાદના કારણે મને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો વધુ એક અવસર મળશે.” 

    તેમણે ઉમેર્યું કે, “ચાર વર્ષ પહેલાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. છેલ્લાં ચાર વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં દેશમાં જે પરિવર્તન થયું અને ખાસ કરીને વિદેશ નીતિમાં જે પરિવર્તન થયું તેમાં મને જોડાવાનો અવસર મળ્યો એ આનંદની વાત છે. ભવિષ્યમાં પણ મોદીજીના નેતૃત્વમાં દેશમાં જે પ્રગતિ થાય તેમાં મારા તરફથી યોગદાન આપવાના પૂરેપૂરા પ્રયાસ કરીશ.”

    - Advertisement -

    રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ છે. 17 જુલાઈ સુધી ફોર્મ ખેંચી શકાશે અને 24મીએ મતદાન હાથ ધરવામાં આવશે. જોકે, ગુજરાતમાં મતદાન યોજાય તેવી કોઈ શક્યતા નથી કારણ કે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે. અર્થાત ભાજપના જે ત્રણ ઉમેદવારો ફોર્મ ભરે તેમને 17મીએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. ત્રણમાંથી એક વિદેશ મંત્રી એસ જયશંકરે ફોર્મ ભરી દીધું છે, જ્યારે બાકીના બે કોણ હશે એ સસ્પેન્સ છે. 

    રિપોર્ટ્સ અનુસાર, બાકીના બે ઉમેદવારોનાં નામ રાજ્યના યુનિટ તરફથી મોકલી આપવામાં આવ્યાં છે. હવે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેની ઉપર અંતિમ મહોર મારશે. આ બે બેઠકો માટે ઘણા નેતાઓનાં નામ ચર્ચામાં છે, પરંતુ કોઈ ઠોસ વિગતો સામે આવી શકી નથી. 

    થોડા સમય પહેલાં ચર્ચા ચાલતી હતી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એમ પણ કહ્યું હતું કે, નીતિન પટેલ હિન્દી શીખી રહ્યા છે અને હવે તેમને મોટી જવાબદારી મળી શકે છે. પરંતુ તાજેતરમાં જ પાર્ટીએ નીતિન પટેલને રાજસ્થાનના સહ-પ્રભારી નિયુક્ત કર્યા છે અને ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિને જોતાં તેમને હવે રાજ્યસભામાં પણ મોકલાય તેવી શક્યતાઓ ઓછી છે. આ સિવાય પણ અમુક નામો ચર્ચામાં છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભાજપ રાજ્યસભા સાંસદ તરીકે કોઈ સિનિયર નેતાની પસંદગી કરશે, જોકે આ નામ બહાર આવ્યું નથી. એક-બે દિવસમાં આ 2 નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 

    ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે, જેમાંથી 8 હાલ ભાજપ પાસે છે અને 3 કોંગ્રેસ પાસે છે. જે ત્રણ બેઠકોનો કાર્યકાળ પૂર્ણ થાય છે એ ત્રણેય ભાજપ પાસે જ હતી, જે ફરી મેળવી લેવાશે, જેથી આ સંખ્યામાં હાલ પૂરતો કોઈ ફેરફાર નહીં આવે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં