Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનીતિન પટેલને ભાજપે આપી મોટી જવાબદારી: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજસ્થાનના ચૂંટણી...

    નીતિન પટેલને ભાજપે આપી મોટી જવાબદારી: આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજસ્થાનના ચૂંટણી સહપ્રભારી બનાવાયા, લિસ્ટમાં મનસુખ માંડવિયાનું પણ નામ

    ભાજપ હંમેશાથી ચૂંટણી તૈયારીઓમાં પોતાના વિરોધીઓથી આગળ રહેતું હોય છે. એ જ કડીમાં ભાજપે તાજેતરમાં જ 4 રાજ્યોમાં પોતાના પ્રદેશ પ્રમુખ બદલ્યા હતા, જેમાંથી 2 રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી (BJP) એ આવનાર વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને 4 રાજ્યો માટે પોતાના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મોટી જવાબદારી મળી છે. આ જાહેરાત ચૂંટણીવાળા રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાણા માટે થઇ છે.

    અહેવાલો અનુસાર આ નિમણૂકોમાં ગુજરાતમાંથી બે નામ લેવામાં આવ્યા છે. જેમાં સૌ પહેલા પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનના ચૂંટણી સહપ્રભારી બનાવાયા છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢ રાજ્યના ચૂંટણી સહપ્રભારી બનાવાયા છે.

    BJP એ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને 4 રાજ્યોમાં પોતાના ચૂંટણી પ્રભારીઓની કરી નિમણુંક (ફોટો: twitter/BJP)

    નોંધનીય છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના ચાર મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભે, ભાજપે શુક્રવારે (7 જુલાઈ) ચૂંટણી પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી હતી. જે અંતર્ગત પ્રહલાદ જોશીને રાજસ્થાન, ઓમ માથુરને છત્તીસગઢ, ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે.

    - Advertisement -

    ભાજપે બદલ્યા 4 રાજ્યોના પ્રદેશ પ્રમુખ

    નોંધનીય છે કે ભાજપ હંમેશાથી ચૂંટણી તૈયારીઓમાં પોતાના વિરોધીઓથી આગળ રહેતું હોય છે. એ જ કડીમાં ભાજપે તાજેતરમાં જ 4 રાજ્યોમાં પોતાના પ્રદેશ પ્રમુખ બદલ્યા હતા, જેમાંથી 2 રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

    આ બદલાવ અંતર્ગત જી કિશન રેડ્ડીને તેલંગાણાના બીજેપી અધ્યક્ષ તરીકે, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે, ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના નવા પ્રદેશ અધ્યક્ષ અને સુનીલ જાખડને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જાખડ અગાઉ પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.

    આ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે ભાજપનું કેન્દ્રીય મંડળ દેશના 5 રાજ્યોના પક્ષ પ્રમુખોને બદલી શકે છે. તેવામાં એવી અટકળો પણ વહેતી થઇ હતી કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના સ્થાને કોઈ નવો ચહેરો આવી શકે છે.

    પરંતુ 4 રાજ્યોના પક્ષ પ્રમુખોના નામની જાહેરાત થતા જ એવું માની શકાય છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ગુજરાતને ચલાવવાની જવાબદારી અને વિશ્વાસ સીઆર પાટીલ પર જ રાખ્યો છે. માટે હવે 2024માં આવનાર દેશની લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપ સીઆર પાટીલની આગેવાનીમાં જ લડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં