બે વખત સમન્સ પાઠવ્યા છતાં પૂછપરછ માટે હાજર ન રહ્યા બાદ હવે એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલને ત્રીજી વખત સમન મોકલ્યું છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, EDએ કેજરીવાલને 3 જાન્યુઆરીના રોજ હાજર થવા માટે ફરમાન કર્યું છે. આ કાર્યવાહી દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ મામલે કરવામાં આવી રહી છે. એજન્સી કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે, પરંતુ તેઓ હાજર થઈ રહ્યા નથી. જેથી EDએ વધુ એક વખત પ્રયાસ કર્યો છે.
Enforcement Directorate sends third summon to Delhi CM Arvind Kejriwal. He has been asked to appear before ED on 3rd January.
— ANI (@ANI) December 22, 2023
(File pic) pic.twitter.com/B1pwtwWHNy
આ પહેલાં ગત 18 ડિસેમ્બરના રોજ એજન્સીએ કેજરીવાલને બીજી વખત સમન પાઠવીને પૂછપરછ માટે હાજર થવા માટે જણાવ્યું હતું. એજન્સીએ 21 ડિસેમ્બરની તારીખ આપી હતી, પરંતુ એક દિવસ પહેલાં જ કેજરીવાલ વિપશ્યના માટે જવાનું હોવાનું કહીને પંજાબ ઊપડી ગયા હતા.
21મીએ કેજરીવાલ એજન્સી સામે હાજર તો ન થયા પરંતુ તેમણે એજન્સીને એક પત્ર મોકલી આપ્યો હતો. જેમાં એ જ વાતો કહી હતી, જે તેમણે પહેલી વખત સમન સ્કીપ કર્યા બાદ કહી હતી. એજન્સીને મોકલેલા પત્રમાં કેજરીવાલે આ સમનના સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, જે સમયે આ તેડું મોકલવામાં આવ્યું છે તેનાથી મને લાગે છે કે આ માત્ર ‘પ્રોપગેન્ડા’ છે અને લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં માત્ર સનસનાટી સર્જવાનો પ્રયાસ છે. દિલ્હી CMએ એમ પણ કહ્યું કે, એજન્સીએ જાણી જોઈને તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહ્યું છે અને તે માટે કોઇ ચોક્કસ કારણ પણ આપ્યું નથી, જેથી તેમને લાગે છે કે તે પાછળનો ઉદ્દેશ્ય તેમને હેરાન-પરેશાન કરવાનો જ છે. અંતે તેમણે એજન્સીને વિનંતી કરી છે કે તેઓ કાયદાને વળગી રહીને કાર્યવાહી કરે અને આ સમન પરત ખેંચી લે.
તે પહેલાં એજન્સીએ ઓક્ટોબર અંતમાં કેજરીવાલને સમન મોકલ્યું હતું, પરંતુ તેમણે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું હોવાનું કારણ ધરીને છટકબારી શોધી લીધી હતી. જોકે એ વાત અલગ છે કે તેમની પાર્ટીને ત્યાં એકેય બેઠક મળી નથી. રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં પણ તેમણે ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ ત્યાં પણ તેમને સીટ મળી ન હતી.