Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણJDUના નેતાઓને મળ્યા CM નીતીશ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હી જવા રવાના: ફરી...

    JDUના નેતાઓને મળ્યા CM નીતીશ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હી જવા રવાના: ફરી ચર્ચામાં બિહારનું રાજકારણ, પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર શરૂ

    ભાજપે પણ બિહાર તરફ ધ્યાને કેન્દ્રિત કર્યું છે. અહેવાલોનું માનીએ તો બિહારના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તે પહેલાં ગૃહમંત્રી અમિત શાહે લગભગ 90 મિનીટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    બિહારનું રાજકારણ ફરી ચર્ચામાં છે. આ વખતે પણ કારણ મુખ્યમંત્રી અને JDU ચીફ નીતીશ કુમાર છે. ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે તેઓ હવે ફરીથી NDA સાથે હાથ મિલાવવા પર છે અને તખ્તો ઘડાઈ ચૂક્યો છે. અહેવાલોમાં દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ વિધાનસભા ભંગ કરી શકે છે. બીજી તરફ, JDUના વરિષ્ઠ નેતાઓને પટના બોલાવવામાં આવ્યા છે. 

    મીડિયા અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પટના બોલાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ, સીએમના નિવાસસ્થાને આ નેતાઓ સાથે મુખ્યમંત્રી નીતીશ કુમારની એક અગત્યની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું હતું. 

    આ તરફ, ભાજપે પણ બિહાર તરફ ધ્યાને કેન્દ્રિત કર્યું છે. અહેવાલોનું માનીએ તો બિહારના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તે પહેલાં ગૃહમંત્રી અમિત શાહે લગભગ 90 મિનીટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. આ બેઠક બિહારના રાજકારણને લઈને કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે રિપબ્લિકના રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રી શાહ છેલ્લા 2 દિવસથી નીતીશ કુમારના સંપર્કમાં છે. 

    - Advertisement -

    રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) બિહાર સરકારની કેબિનેટ બેઠક મળી હતી. હાલ સરકારમાં JDU અને RJD સાથે છે, પરંતુ જો મીડિયાનાં સૂત્રોનું માનીએ તો આ બંને નેતાઓ વચ્ચે બેઠકમાં ખાસ વાતચીત થઈ ન હતી અને માત્ર 25 જ મિનિટમાં બેઠક ખતમ કરી દેવામાં આવી હતી.  જેનાથી સ્પષ્ટ છે કે બિહારમાં કશુંક રંધાઈ રહ્યું છે. 

    આજતકના રિપોર્ટ અનુસાર, નીતીશ જો પલટી મારે તો તે સંજોગોમાં વિધાનસભામાં બહુમતી મેળવવા માટે RJDએ કવાયત શરૂ કરી છે. હાલ 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં જો રાજદ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની બેઠકોનો સરવાળો કરવામાં આવે તો 114 પર પહોંચે છે અને બહુમતી માટે જરૂરી છે 122 બેઠકો. એટલે કે લાલુ યાદવની પાર્ટીને વધુ 8 ધારાસભ્યોની જરૂર પડે. આ જ રિપોર્ટ અનુસાર, આ આંકડો મેળવવાના પ્રયાસ વચ્ચે જ સીએમ નીતીશ વિધાનસભા ભંગ કરી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી નીતીશ કુમાર અને ભાજપ એકબીજા પ્રત્યે નરમ વલણ દાખવી રહ્યા છે તો બીજી તરફ નીતીશ કોંગ્રેસ અને RJD પર જ વાકપ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં જ એક રેલીમાં તેમણે પરિવારવાદ વિશે વાત કરી હતી, જે મુદ્દે ભાજપ કાયમ કોંગ્રેસ અને RJDને ઘેરતો રહે છે. આ જ રેલીમાં નીતીશે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

    રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર CM પદ છોડે તે શરતે ભાજપ તેમને સ્વીકારી શકે છે. ક્યાંક તેમને NDAના કન્વીનર બનાવવાની પણ વાતો ચાલે છે. જોકે, જ્યાં સુધી કશુંક નક્કર પગલાં ન લેવાય ત્યાં સુધી આ બધી બાબતો માત્ર ‘ચર્ચા’ અને ‘અટકળો’ બનીને જ રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં