હરિયાણાના નૂંહમાં છેલ્લા 3 દિવસથી હિંસા ફાટી નીકળી છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓની બ્રજમંડલ જળાભિષેક યાત્રા પર 31 જુલાઈ 2023ના રોજ હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસાને લઈને બુઘવારે (2 ઓગષ્ટ, 2023) વિશ્વ હિંદુ પરિષદ (VHP) દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. VHP અનુસાર આ હિંસા માટે મેવાતના નેતાઓ જવાબદાર છે.
અહેવાલો અનુસાર, નૂહમાં ફેલાયેલ હિંસા માટે VHP દ્વારા કોંગ્રેસને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. VHP જનરલ સેક્રેટરી સુરેન્દ્ર જૈને કહ્યું કે, “નૂહમાં થયેલ હિંસાત્મક પ્રવૃતિઓની તૈયારી એકાદ દિવસથી નહીં પરંતુ ઘણા સમયથી ચાલી રહી હતી.”
વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “મામન ખાન મેવાતના મુસ્લિમ નેતા છે. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે. મામન ખાને ચાર મહિના પહેલા વિધાનસભામાં કહ્યું હતું કે જો કોઈમાં હિંમત હોય તો તેઓ મેવાતમાં ઘૂસીને બતાવે.”
#BreakingNews | कांग्रेस के नेता लोगों को हिंसा के लिए भड़का रहे हैं,.. आसपास के गांव में जल्द महापंचायत करेंगे- सुरेंद्र जैन, VHP महासचिव#NuhVoilence #Mewat #StonePelting #HaryanaPolice #Muslims pic.twitter.com/gZXI7PuwuD
— India TV (@indiatvnews) August 1, 2023
VHP મહાસચિવે કહ્યું, “આજે મામન ખાને ટ્વિટ કરી કહ્યું છે કે, મેવાતમાં વિવિધ અફવાઓ ચાલી રહી છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ હત્યારાઓને કહી રહ્યા છે – ‘હું તમારા માટે પહેલા પણ લડ્યો હતો, હજુ પણ લડીશ. વિધાનસભામાં પણ અને બહાર પણ.'”
VHP મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, “આફતાબ કોંગ્રેસના અન્ય નેતા છે. આફતાબે કહ્યું કે પોલીસવાળા ગામમાં આવે તો તેના હાથ-પગ તોડી નાખો, તેઓના ટુકડા કરી નાખો.” મહાસચિવે કહ્યું કે આફતાબ મેવાતમાં જ રહે છે.
કોંગ્રેસના અન્ય એક નેતાને ટાંકીને સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “નેતા કહે છે કે જે પણ હિંદુઓ આવ્યા છે તેઓ પાછા ન જવા જોઈએ. તેમને મારી નાખો, તેમને કાપી નાખો. તેમનો ખોરાક રાંધો. તેમનું માંસ ખાઓ, પણ તેમને જવા ન દો. જૈને કહ્યું કે આવા અનેક તથ્યો છે જે સામે આવ્યા છે.
સુરેન્દ્ર જૈને હિંદુઓ પર થયેલા હુમલાઓ અને અત્યાચારો માટે મામન ખાન અને આફતાબને જવાબદાર ગણાવ્યા હતાં. તેમણે કહ્યું, “ગઈકાલના હત્યાકાંડ માટે આ લોકો જવાબદાર છે. ઓવૈસી જેવા નેતાઓ ગઈકાલના હત્યાકાંડ માટે જવાબદાર છે, જેઓ તેમના પાપોને ઢાંકવા માટે કહે છે કે તે પ્રતિક્રિયા હતી… અમને ઉશ્કેરવામાં આવ્યા હતાં.”
મહાસચિવે સવાલ ઉઠાવ્યો, “જો કોઈ તમને ઉશ્કેરશે તો શું તમે બાળકોને મારી નાખશો? શું તમે ગોળીઓ ચલાવશો? શું તમે મોર્ટાર ચલાવશો? શું તમે તેમને જીવતા સળગાવી દેશો? શું તમે પર્વતો પર ચડીને તેમને ગોળીઓથી મારી નાખશો? તમે પોલીસને મારી નાખશો, તેમની ચોકીઓ સળગાવી દેશો… આ કોઈ સંસ્કારી સમાજની નિશાની ન હોઈ શકે.”
કોંગ્રેસ અને અન્ય બિનસાંપ્રદાયિક નેતાઓ પર નિશાન સાધતા જૈને કહ્યું, “તેમણે આ ઘટનાઓ માટે બિનસાંપ્રદાયિક નેતાઓને દોષી ઠેરવ્યા અને કહ્યું કે તેઓ મત ખાતર તેમને ઉશ્કેરે છે. ટુકડે ટુકડે ગેંગ સાથે સંકળાયેલા રાહુલ ગાંધી અને આવા અન્ય નેતાઓ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.”
સુરેન્દ્ર જૈને કહ્યું કે, “હિંસાને કારણે જલાભિષેક યાત્રા અધૂરી રહી. અમે બધા મંદિરોની મુલાકાત લેવા સક્ષમ હતા. ટૂંક સમયમાં નજીકના ગામોમાં મહાપંચાયત યોજાશે. આ યાત્રા ફરી ક્યારે શરૂ થશે તે સમાજ નક્કી કરશે. આ યાત્રા ફરી થશે અને પહેલા કરતા વધુ જોરદાર હશે.”
સુરેન્દ્ર જૈને કહ્યું કે, આ ઘટનાને લઈને હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી પાસે આ ઘટનામાં માર્યા ગયેલા હિંદુઓના પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની માંગ કરવામાં આવશે. તેમણે સમગ્ર મેવાતને ચારે બાજુથી સીલ કરવાની પણ માંગ કરી હતી.
નોંધનીય છે કે, આ ઘટનાના વિરોધમાં આજે દેશભરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.