દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે આ બધા વચ્ચે પોતાના વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીને ગેરકાયદેસર કહીને અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઝડપી સુનાવણીની માંગ કરી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણીની ના પાડી દીધી છે. હવે આ મામલે હોળી બાદ જ સુનાવણી થઈ શકશે.
Delhi Excise policy case | Delhi High Court denies an urgent listing of the plea filed by Delhi CM and AAP National Convener Arvind Kejriwal challenging his arrest and custody in the case. An urgent mentioning was made by his counsel for an urgent listing. The HC denied it and…
— ANI (@ANI) March 23, 2024
મળતી માહિતી અનુસાર, ED દ્વારા ધરપકડ અને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ હવે અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે પોતાની ધરપકડ અને 22 માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા રિમાન્ડના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમણે દલીલ કરી છે કે ED દ્વારા તેમની ધરપકડ અને ટ્રાયલ કોર્ટના રિમાન્ડના આદેશ બંને ગેરકાયદેસર છે અને તેમને તુરંત મુક્ત કરવામાં આવવા જોઈએ.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને ચીફ જસ્ટીસ પાસે તાત્કાલિક સુનાવણી માટે માંગ કરી હતી. પરંતુ તેમની આ માંગને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ત્યારે હવે આ મામલે અગામી બુધવારે એટલે કે હોળી બાદ જ સુનાવણી શક્ય બનશે. કારણ કે ત્યાં સુધી કોર્ટમાં રજા રહેશે. ઉલ્લેખનીય છે કે લિકર પોલીસી મામલે અઢળક સમન્સ પાઠવાયા બાદ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
28 માર્ચ સુધી રિમાન્ડ પર છે કેજરીવાલ
નોંધનીય છે કે, દિલ્હીમાં લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એજન્સીએ રોઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા હતા. કેજરીવાલના રિમાન્ડ માંગતી વખતે એજન્સી ED તરફથી કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલે દલીલો મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. તેઓ પોલિસીના અમલીકરણમાં સીધી રીતે સામેલ હતા અને સાઉથ ગ્રૂપ સાથે પણ સાંઠગાંઠ હતી.