Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ'અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ શકે': રિપોર્ટમાં દાવો, કોંગ્રેસે...

    ‘અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ શકે’: રિપોર્ટમાં દાવો, કોંગ્રેસે સમાચારને ગણાવ્યા ‘અફવા’

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિપક્ષના પૂર્વ કોર્પોરેટરો અને નગરસેવકો પણ ભાજપમાં જોડાશે. એવું પણ કહેવામાં આવ્યું કે, દ્વારકા, અમરેલી, જામનગર, સાવરકુંડલા જેવા વિસ્તારોમાં ભાજપે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં મોટો રાજકીય ધડાકો થશે એવી શક્યતા છે.

    - Advertisement -

    2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને ભાજપ સહિતની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવા સમયે ગુજરાતના ઘણા નામી વિપક્ષી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાયણ પછી કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓના નામ સામેલ છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસે આ સમાચારને અફવા ગણાવ્યા છે.

    લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતમાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ત્યારે એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, મકરસંક્રાંતિનો પર્વ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને AAPના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ જશે. અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના 14 જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના નેતાઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે. આ સાથે એવી અટકળો પણ છે કે, આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરશે. જોકે, કોંગ્રેસે મીડિયાના આ સમાચારને અફવા ગણાવી છે.

    14 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલો ભાસ્કરનો અહેવાલ (ફોટો: ભાસ્કર)

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિપક્ષના પૂર્વ કોર્પોરેટરો અને નગરસેવકો પણ ભાજપમાં જોડાશે. એવું પણ કહેવામાં આવ્યું કે, દ્વારકા, અમરેલી, જામનગર, સાવરકુંડલા જેવા વિસ્તારોમાં ભાજપે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં મોટો રાજકીય ધડાકો થશે એવી શક્યતા છે. આમ આદમી પાર્ટીમાંથી ગત વિધાનસભાની ચૂંટણી લડેલા નેતાઓ પણ ભાજપમાં જોડાશે એવી અટકળો વહેતી થઈ છે.

    - Advertisement -

    કોંગ્રેસે ગણાવી અફવા

    મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગુજરાત કોંગ્રેસના ઓફીશીયલ X હેન્ડલ પર માહિતી આપી છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિશે ચાલી રહેલા સમાચાર માત્ર અફવા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને અર્જુન મોઢવાડિયાને નુકશાન પહોંચાડવા માટે આવી અફવાઓ જાણી જોઈને ફેલાવવામાં આવી રહી છે.

    તેમણે ઉમેર્યું કે, “તારીખ 13ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે તથા આજે (14 જાન્યુઆરીએ) ઢાલની પોળમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહના નિવાસસ્થાને શહેર કોંગ્રેસના પતંગોત્સવ કાર્યક્રમમાં અર્જુનભાઈએ હાજરી આપી આવી અફવાઓથી દુર રહેવા જણાવ્યું છે.” સાથે તેમણે કહ્યું કે, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ અને વરિષ્ઠ નેતા છે અને તેમની પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસે અર્જુન મોઢવાડિયા વિશે ચાલી રહેલા સમાચારોને અફવા ગણાવી છે.

    મોઢવાડિયાએ પ્રાણપ્રતિષ્ઠા પર કોંગ્રેસના નિર્ણયનો કર્યો હતો વિરોધ

    નોંધનીય છે કે, મોઢવાડિયાએ તાજેતરમાં જ અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ઠુકરાવવા બદલ કેન્દ્રીય પાર્ટીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોંગ્રેસને આવા નિર્ણયોથી દૂર રહેવા પણ કહ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, “ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી અંતર રાખવું જોઈતું હતું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં