બહુજન સમાજ પાર્ટીએ પોતાના સાંસદ અને તાજેતરમાં ચર્ચામાં રહેલા દાનિશ અલીને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. પાર્ટીએ આ માટે ‘પાર્ટીવિરોધી કૃત્યો’નું કારણ આપ્યું છે. જોકે, સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા તેની વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શનિવારે (9 ડિસેમ્બર) પાર્ટીએ આ બાબતે એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશના અમરોહાથી લોકસભા સાંસદ દાનિશ અલીને પાર્ટીવિરોધી કૃત્યોના કારણે દિનાંક 9 ડિસેમ્બર, 2023ના રોજ પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવે છે. પાર્ટીએ સાથે દાનિશ અલીને મોકલેલો પત્ર પણ સાર્વજનિક કર્યો છે.
Bahujan Samaj Party (BSP) suspends its MP Danish Ali for indulging in anti-party activities: BSP pic.twitter.com/BKHHuVbStw
— ANI (@ANI) December 9, 2023
જેમાં જણાવવામાં આવ્યું કે, “તમને અનેક વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તમે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ જોઈને કોઇ નિવેદનો ન આપો કે કોઈ કૃત્યો ન કરો, પરંતુ તેમ છતાં તમે સતત પાર્ટી વિરૂદ્ધ જઈને કામ કરતા રહ્યા છો.
આગળ પાત્રમાં કહ્યું કે, દાનિશ અલી 2018 સુધી દેવેગૌડાની જનતા પાર્ટીના સભ્ય તરીકે કાર્યરત હતા અને 2018માં બહુજન સમાજ પાર્ટી અને જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડાવી હતી અને આ જ ગઠબંધનમાં તેઓ દેવેગૌડાની પાર્ટીમાંથી ઘણા સક્રિય રહ્યા હતા. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો બાદ દેવેગૌડાની વિનંતી પર તેમને અમરોહાથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ટીકીટ આપવામાં આવી હતી અને તે પહેલાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ BSPની ટીકીટ મળ્યા ઉપરાંત પાર્ટીની તમામ નીતિઓ અને નિર્દેશોનું પાલન કરશે અને પાર્ટીના હિતમાં જ કામ કરશે. BSPનું કહેવું છે કે, દાનિશ અલી આ બાબતો ભૂલીને પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં લિપ્ત છે, જેથી પાર્ટીના હિતમાં તેમને સદસ્યતાથી તાત્કાલિક અસરથી નિલંબિત કરવામાં આવે છે.
બહુજન સમાજ પાર્ટી એ કહ્યું નથી કે દાનિશ અલીને કઈ પાર્ટીવિરોધી ગતિવિધિ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં જણાવાય રહ્યું છે કે તેમની કોંગ્રેસ સાથે વધતી નિકટતા કારણ બની શકે. જોકે, એ વાત સાચી છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ કોંગ્રેસની વધુ નજીક જોવા મળી રહ્યા છે.
કોણ છે દાનિશ અલી?
દાનિશ અલીનો જન્મ 1975માં યુપીના હાપુડમાં થયો હતો. તેમણે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પોતાને સેક્યુલર વિચારધારાને અનુસરતા ગણાવે છે. તેમણે કર્ણાટકની પાર્ટી જનતા દળ (સેક્યુલર)થી રાજકારણમાં ડગ માંડ્યા હતા અને બહુ જલ્દી પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના નજીકના વ્યક્તિ બની ગયા. તેમના આશીર્વાદ લઈને જ તેઓ માયાવતીની બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા હતા. બસપાએ તેમને સંસદીય પક્ષના નેતા પણ બનાવ્યા હતા, પણ બે વર્ષમાં જ હટાવી દેવામાં આવ્યા હતા.
દાનિશ અલી ભૂતકાળમાં ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે પણ નિવેદનો આપ્યાં હતાં. ગત ઓગસ્ટ મહિનામાં દાનિશ અલી ફરી વિવાદમાં આવ્યા, જ્યારે તેમણે જાહેર કાર્યક્રમમાં ‘ભારત માતા કી જય’ના નારા સામે વાંધો ઉઠાવ્યો હતો. અમરોહામાં કેન્દ્ર સરકારનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ પણ સામેલ થયા. અહીં ભાજપ કાર્યકરો અને અન્ય લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં તેઓ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું કે, સરકારી કાર્યક્રમમાં આ નારા ન લગાવવા જોઈએ.