Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતઆ તે કેવું ગઠબંધન?: ભરૂચ-ભાવનગર બાદ હવે AAPની નજર દાહોદ લોકસભા પર,...

    આ તે કેવું ગઠબંધન?: ભરૂચ-ભાવનગર બાદ હવે AAPની નજર દાહોદ લોકસભા પર, કોંગ્રેસને કહ્યું-નિર્ણય લેવામાં મોડું કરશો તો અહિયાં પણ જાહેર કરી દઈશું ઉમેદવાર

    AAP નેતા ચૈતર વસાવાએ કહ્યું, "જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં." તેમના આ ડાયલોગને લોકોએ ગઠબંધન સાથે જોડ્યો હતો. આ બાદ ચર્ચા શરૂ થઈ છે કે, AAP નેતા ગઠબંધનને જ તોડવા માટે મક્કમ થયા છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાય ગયા છે. ગુજરાતમાં પણ લોકસભાને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. તેમાં I.N.D.I. ગઠબંધનના પક્ષો પણ તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ ગુજરાતમાં ગઠબંધનનો ફિયાસ્કો થતો નજરે પડી રહ્યો છે. ગઠબંધનના તમામ પક્ષો લોકસભામાં પોતાના સ્વતંત્ર ઉમેદવારો જાહેર કરવા મથામણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગરમાં તો પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. જ્યારે હવે AAPની નજર દાહોદ લોકસભા પર છે. દાહોદમાં જ AAP નેતા ચૈતર વસાવાએ કોંગ્રેસને ટકોર કરી દીધી કે, જો કોંગ્રેસ નિર્ણય લેવામાં મોડું કરશે, તો AAP દાહોદમાં પણ ઉમેદવાર જાહેર કરી દેશે.

    રવિવારે (18 ફેબ્રુઆરી) દાહોદ લોકસભા વિસ્તારમાં સંજેલી ખાતે AAPએ એક જનસભાનું આયોજન કર્યું હતું. જેના અધ્યક્ષ તરીકે AAP નેતા ચૈતર વસાવા હતા. ભરૂચ-ભાવનગર બાદ હવે AAPની નજર દાહોદ લોકસભા પર છે. ચૈતર વસાવાએ સભાને સંબોધિત કરતાં કહ્યું કે, “દાહોદ લોકસભામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવ્યા હતા. ભરૂચની જેમ દાહોદમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. આજે અમે સંગઠનના સાથીઓ અને દાવેદારોને મળ્યા છીએ. અમારું માનવું છે કે, જેટલા ઝડપથી ઉમેદવારોનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં આસાન રહેશે. તેથી હું કોંગ્રેસને કહેવાં માંગુ છું કે, જો તે નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવારે જાહેર કરી દેશે.”

    ‘રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ ભલે ઉમેદવાર હોય, હું જીતીશ જ’

    આ સભા દરમિયાન AAP નેતા ચૈતર વસાવાએ પોતાના જ I.N.D.I. ગઠબંધનના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતાં મજબૂત ગણાવી હતી. સાથે તેમણે ભાષણ દરમિયાન કહ્યું કે, “ભરૂચ લોકસભા સીટમાં મારી સામે રાહુલ ગાંધી કે, મુમતાઝ પટેલ કે ભલે કોઈપણ ઉમેદવાર હોય. તે મને જીતતા રોકી નહીં શકે. ભરૂચ લોકસભા પર કોઈપણ ઉમેદવારો ઉતારો. જીતીશ તો હું જ.” સાથે તેમણે હિન્દીનો એક ડાયલોગ પણ મારી દીધો હતો. તેમણે કહ્યું, “જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં.” તેમના આ ડાયલોગને લોકોએ ગઠબંધન સાથે જોડ્યો હતો. આ બાદ ચર્ચા શરૂ થઈ છે કે, AAP નેતા ગઠબંધનને જ તોડવા માટે મક્કમ થયા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનની સામે કોંગ્રેસના નેતૃત્વવાળું I.N.D.I. ગઠબંધન મેદાનમાં ઉતરવા જઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ ઘણા રાજ્યોમાં I.N.D.I. ગઠબંધનનો ફિયાસ્કો થઈ ગયો છે. ઘણા નેતાઓએ પોતે સ્વતંત્ર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં પણ એ જ વાતાવરણ દેખાઈ રહયું છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભામાં ઉમેદવાર જાહેર કરી દઈને ગઠબંધનને ફટકો આપ્યો હતો. જ્યારે હવે દાહોદ લોકસભા બેઠક પર પણ તે ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે. તેવામાં ગુજરાતમાં હવે ગઠબંધન વિખેરાય જશે કે કેમ તેવી ચર્ચાઓ વહેતી થઈ છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં