લોકસભા ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. દરેક ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના ચાર ઉમેદવારો ચર્ચામાં આવ્યા છે. આ ઉમેદવારો લોકો પાસેથી પૈસા માંગી રહ્યા છે અને આ પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં કરશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ગેનીબેન ઠાકોર, રામજી ઠાકોર, ઋત્વિક મકવાણા અને લલિત વસોયાએ એક નવતર ‘સ્ટ્રેટેજી’ અપનાવી છે. કોંગ્રેસના આ નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો પાસેથી પૈસાની પણ માંગણી કરી રહ્યા છે. જેથી જનતાના પૈસે ચૂંટણી લડી શકાય. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોરે તો લોકો પાસેથી 26 લાખ રૂપિયા પણ ભેગા કરી લીધા છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસના આ ચાર નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા જાય તે દરમિયાન સભા, રોડ શો કે રેલીમાં આવેલા લોકો પાસેથી પૈસાની માંગણી કરી છે. ગેનીબેને તો દિવ્ય ભાસ્કર સમક્ષ એવો દાવો કર્યો છે કે, તેમનો ચૂંટણીનો તમામ ખર્ચ લોકો જ ઉપાડવાના છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 26 લાખ રૂપિયા લોકો પાસેથી ઉઘરાવી લીધા છે. પ્રચારમાં આ નેતાઓ લોકોને પૈસા આપવા માટે અપીલ કરી રહ્યા છે.
ઓછામાં ઓછા 11 રૂપિયા આપવા અપીલ
રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને રામજી ઠાકોર ચૂંટણી પ્રચારમાં જાય તે દરમિયાન લોકોને અપીલ કરે છે કે, ઓછામાં ઓછા 11 રૂપિયાની મદદ તો કરવી જ. એટલું જ નહીં. જો લોકો પાસે રોકડા ઉપલબ્ધ ના હોય તો આ કોંગ્રેસ નેતાઓ ભારત સરકારના ડિજિટલ પેમેન્ટનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. રોકડ રૂપિયા ના હોય તો જનતા માટે તેમણે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરી છે. ગેનીબેન અને રામજી ઠાકોરે પૈસા ઉઘરાવવા માટે UPI તેમજ ક્યુઆર કોડ પણ જાહેર કરી દીધા છે. ચૂંટણી પ્રચાર સાથે પૈસા ભેગા કરવાનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એ માટે આ નેતાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ભરપૂર કરી રહ્યા છે.
ગેનીબેને આ મામલે કહ્યું કે, આ પહેલીવાર નથી. 2017ની ચૂંટણીમાં પણ લોકોએ ખર્ચ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, “એ સમયથી હું લોકો પાસેથી ફાળો ભેગો કરીને ચૂંટણી લડું છું. લોકો એકબીજાનું જોઈ અને મદદ કરે. આગેવાનો સભાના આગળના દિવસે ભેગા થાય અને બધા સહિયારી રીતે રકમ નક્કી કરે અને એકઠા થયેલા રૂપિયા આપે.” આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, હમણાં સુધીમાં તેમણે અંગત ખર્ચ તો કર્યો જ નથી, જે ખર્ચ થયો એ લોકોના પૈસાથી જ થયો છે.
એટલું જ નહીં, તેમણે કહ્યું કે, પ્રચાર માટે મંડપ, માઇક, ચા-પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ પણ લોકો પર જ હોય છે. તેમણે કહ્યું કે, “પ્રચાર દરમિયાન એક દિવસ પણ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ-લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયાનો ફાળો તો ગણી જ લેવાનો.” તેમણે કહ્યું કે, એડવાન્સમાં 25-30 લાખનો ખર્ચ થાય તે પણ લોકોએ જ કર્યો છે.
બાકીના નેતાઓની પણ આવી જ ‘સ્ટ્રેટેજી’
આ સાથે બાકીના ત્રણ નેતાઓએ પણ એ જ સ્ટ્રેટેજી અપનાવી છે. તેઓ લોકો પાસેથી નાણાં ઉઘરાવીને ચૂંટણી લડી રહ્યા છે. તમામ ખર્ચ જનતા પર નાખવામાં આવ્યો છે. નોટની સાથે વોટની પણ વાત કરવામાં આવી છે. ઋત્વિક મકવાણાએ એમ પણ કહ્યું કે, જે રકમ આવે છે, તે ગણતાં નથી. પણ જરૂર પડે ત્યાં વાપરે છે. તેમણે તો એવું પણ કહ્યું કે, ડિપોઝિટની રકમ પણ લોકોએ ભરી છે. ઋત્વિક મકવાણાએ કહ્યું કે, જીતી શકાય એવી પરિસ્થિતિ તો હતી પરંતુ લોકસભા લડી શકાય તેવી તેમની ક્ષમતા નથી એટલે લડવાની અનિચ્છા દર્શાવે હતી, પરંતુ લોકોએ ડિપોઝીટથી માંડીને બધાં બૂથ પર વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી. તેમનો દાવો છે કે લોકોની ભાગીદારીથી તેમનું કામ પણ ઘણી જગ્યાએ થઈ ગયું છે.
આવું જ રામજી ઠાકોરનું છે. તેમણે દાવો કર્યો કે લોકો સ્વયંભૂ ફંડ આપી રહ્યા છે અને તેમને વિજયી બનાવવા માટે દાન કરે છે. તેમણે ઉમેર્યું કે, તેમને અત્યાર સુધી ઘણું ફંડ મળ્યુ છે અને ચૂંટણી લડશે ત્યાં સુધી લોકોનો આ પ્રકારે પ્રેમ મળતો રહેશે.
લલિત વસોયા પણ મતદારો પાસે વોટ ઉપરાંત પૈસાની માંગણી કરી રહ્યા છે. તેમણે તો પાર્ટીનાં ખાતાં સીઝ કરી દેવામાં આવ્યાં હોવાનું પણ બહાનું ધર્યું ને સાથે કહ્યું કે તેઓ 52 ઉમેદવારોમાં સૌથી નબળા છે અને ચૂંટણી વ્યવસ્થા માટે જરૂરી ફંડનો અભાવ હોવાના કારણે મતદારો સમક્ષ માંગણી કરવી પડી છે. તેમણે ઉમેર્યું કે, મને વિશ્વાસ છે કે, મારા વિસ્તારનાં મતદારો મને 10-10 રૂપિયા આપીને ચૂંટણી વ્યવસ્થા માટેનું ફંડ એકત્ર કરી આપશે. મતદારોએ આપેલી આ રકમમાંથી જ હું ચૂંટણી લડીશ.
ફંડના કારણે જ નેતાઓએ ચૂંટણી લડવાની પાડી હતી ના
गुजरात में कांग्रेस का चुनावी मोहभंग! अब तक 7 बड़े नेता चुनाव लड़ने से मना कर चुके#SachiVaatBedhadak #FearlessJournalism #divyabhaskar@Divya_Bhaskar @DainikBhaskar pic.twitter.com/RVIdqETXvk
— Devendra Bhatnagar (@DevendraBhatn10) March 22, 2024
ઉલ્લેખનીય છે કે અખબાર દિવ્ય ભાસ્કરે થોડા સમય પહેલાં કોંગ્રેસ નેતાઓની ચૂંટણી લડવાની અનિચ્છા પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને જેમાં જણાવાયું હતું કે ફંડની સમસ્યા હોવાના કારણે કોંગ્રેસ નેતાઓ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડ દરેક બેઠક દીઠ 3થી 4 કરોડ રૂપિયા ખર્ચશે એવું જણાવાયું હતું, પરંતુ તેટલા પૂરતા ન થાય તો ઉમેદવારે ઘરના નાખવા પડશે. તેમ છતાં પણ જીત મળશે કે કેમ તે પ્રશ્ન છે એટલે ઘણા નેતાઓ પાછળ હટી રહ્યા છે.