Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતદેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કે પત્તાનો મહેલ!: ગુજરાત કોંગ્રેસના બે મોટા...

    દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કે પત્તાનો મહેલ!: ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓએ કેસરીયો કર્યો ધારણ, અન્ય ઘણા કાર્યકર્તાઓ પણ જોડાયા ભાજપમાં

    જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આ ઉપરાંત બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીના બ્યૂગલો ફૂંકાઈ ગયા છે. તમામ રાષ્ટ્રીયથી લઈને પ્રાદેશિક પાર્ટીઓ તેની તૈયારીમાં જોતરાઈ ગઈ છે. તેમાં ભાજપ પણ જોડાઈ ગયું છે. દિનપ્રતિદિન ભાજપમાં સંખ્યાબળ વધી રહ્યું છે, જ્યારે અન્ય વિપક્ષી પાર્ટીઓમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. ગુજરાત ભાજપના ભરતી મેળામાં અઢળક કાર્યકર્તાઓ જોડાઈ ચૂક્યા છે. ભાજપનું ઓપરેશન લૉટસ સફળ થતું નજરે પડી રહ્યું છે. થોડા કલાકો પહેલાં જ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ બળવંત ગઢવીએ અને તેમના સાથી ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ તરફ પ્રયાણ કર્યું હતું. તેવામાં હવે બીજા બે મોટા નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે કેસરિયા કર્યા છે.

    29 જાન્યુઆરીએ જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આ ઉપરાંત બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તમામ કાર્યકર્તાઓનું કેસરીયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે, બાલકૃષ્ણ પટેલ પહેલાં ભાજપમાં જ હતા. 2022માં તેઓએ કોંગ્રેસ જોઈન કરી હતી અને ડભોઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે ચિરાગ કાલરિયા 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર બેઠક પર કોંગ્રેસની ટિકિટથી ચૂંટાયા હતા.

    કોંગ્રેસના મોટા નેતાઓ સહિત ભાજપમાં અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા છે. જેમાં હાલોલના રામચંદ્ર આર બારૈયા, છોટાઉદેપુરના ગણપતસિંહ બારૈયા, સરપંચ પરિષદના મહાસચિવ મુકેશ સખિયાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ ભરતી મેળામાં સાત જિલ્લાના 100 ગામોના સરપંચો એકસાથે ભાજપમાં જોડાયા છે. આ ભરતી મેળા દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સંબોધન પણ આપ્યું હતું. તેમણે ‘મોદી ગેરંટી’ અને PM મોદીના કાર્યો વિશે ચર્ચા કરી હતી.

    - Advertisement -

    હાલમાં જ કોંગ્રેસના 2 મોટા નેતાઓએ આપ્યું હતું રાજીનામું

    ઉલ્લેખનીય છે કે, ભાજપના આ ભરતી મેળા પહેલાં જ ગુજરાત કોંગ્રેસના 2 મોટા નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંત ગઢવી અને OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ તમામ પદો પરથી એકસાથે રાજીનામું આપ્યું હતું. બળવંત ગઢવીએ કહ્યું હતું કે, તેઓ ચારણ સમાજમાંથી આવે છે, જેમાં ધર્મ અને સંસ્કૃતિનું આગવું મહત્વ રહેલું છે. તેમણે રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ના જવાનો કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય દિશાવિહીન હતો તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

    આ સાથે OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, OBC સમાજનું કલ્યાણ કોંગ્રેસમાં રહીને કરવું અશક્ય છે. કોંગ્રેસ દિશાવિહીન છે જેના કારણે નેતાઓના કામના પરિણામો નથી આવતા. PM મોદી ગરીબો અને પછાતો માટે કામ કરી રહ્યા છે તેમનો વિરોધ ક્યારેય ના કરી શકાય. કોંગ્રેસ પાસે કોઈ જ રણનીતિ નથી. આ બધા કારણોસર તેમણે રાજીનામું આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં