Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસે હાર માની લીધી? રાધનપુરમાં...

    ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસે હાર માની લીધી? રાધનપુરમાં એવું તે શું રંધાયું?

    અહીં આપણે એ પણ નોંધવું જોઈએ કે ભરતસિંહ સોલંકી એ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે એટલે એમનું કોઇપણ નિવેદન ગંભીર જ હોય કારણકે તેઓ સીનીયર રાજકારણી હોવાથી પુરતું વિચારીને જ કશું બોલ્યા હશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત આજે કેન્દ્રીય ચૂંટણી પંચ કરવાનું છે. પરંતુ આ પહેલાં જ ગઈકાલે કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમ્યાન તેના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને જાણેકે પક્ષની હાર સ્વીકારી લીધી છે. ભરતસિંહે રાધનપુરમાં કહ્યું છે કે ભાજપને હરાવવા માટે આપ કોંગ્રેસ સાથે જોડાય તો પણ તેને સ્વીકારવામાં આવશે. ભરતસિંહ સોલંકીનું આ નિવેદન કેટલું સૂચક છે તેનું આપણે વિસ્તારથી વિશ્લેષણ કરીએ.

    કોંગ્રેસની પરિસ્થિતિ આપના આવવાથી નબળી થઇ છે શું આ તેનો સ્વીકાર છે?

    છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસની હાલત અત્યંત નાજુક છે, પરંતુ રાજ્યમાં તે એકમાત્ર વિપક્ષ છે તે સત્યને કોઈજ નકારી શકે તેમ નથી. આ વખતે આમ આદમી પાર્ટી પૂરું જોર લગાવીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાગ લઇ રહી છે એ સત્યને પણ અવગણી શકાય તેમ નથી. પરંતુ હજી અમુક અઠવાડિયા અગાઉ દાવો તો એવો થઇ રહ્યો હતો કે આપના ગુજરાતમાં આવવાથી ભાજપને નુકશાન થશે નહીં કે કોંગ્રેસને.

    - Advertisement -

    હવે ભરતસિંહ સોલંકીએ જે કહ્યું એની સહુથી પહેલી છાપ તો એ પડે છે કે આમ આદમી પાર્ટીની ગુજરાત ચૂંટણીમાં એન્ટ્રીથી કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે તેની બેઠકોમાં ભરપુર ઘટાડો થશે અને તે આપબળે રાજ્યમાં સરકાર બનાવી શકશે નહીં એટલે તે આમ આદમી પાર્ટીનું સમર્થન લેવા અત્યારથી જ તૈયારી કરી રહી છે.

    અહીં આપણે એ પણ નોંધવું જોઈએ કે ભરતસિંહ સોલંકી એ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે એટલે એમનું કોઇપણ નિવેદન ગંભીર જ હોય કારણકે તેઓ સીનીયર રાજકારણી હોવાથી પુરતું વિચારીને જ કશું બોલ્યા હશે. જો કે તેમણે આ નિવેદન આપતી વખતે બાદમાં આપ સાથે છોટુભાઈ વસાવા અને એનસીપીને પણ સેક્યુલર વિચારધારાને નામે જોડી લીધી હતી.

    કોંગ્રેસ અને આપની વિચારધારા એક સરખી છે ખરી?

    ભરતસિંહ સોલંકીએ જે કહ્યું તેનો નિષ્કર્ષ એ છે કે ભાજપને હરાવવા માટે ‘સમાન વિચારધારા’ ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને કોઈજ વાંધો નથી. પરંતુ શું કોંગ્રેસ અને આપની વિચારધારા એક સરખી છે ખરી? જો એવું જ હોત તો 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારને ટેકો આપ્યાના થોડા જ મહિનાઓમાં કોંગ્રેસે તેને આપેલું સમર્થન કેમ પરત ખેંચી લીધું હતું? તો કદાચ એનો મતલબ એવો પણ કાઢી શકાય કે દિલ્હીમાં કોંગ્રેસ આપથી અલગ વિચારધારા ધરાવે છે પરંતુ ગુજરાતમાં તેને એવું લાગે છે કે તેની અને આપની વિચારધારા એક જ છે.

    એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ અને એનસીપીના સંબંધના મૂળમાં પણ ક્યાં એક સરખી વિચારધારા છે? શરદ પવારે એનસીપી સ્થાપી જ હતી સોનિયા ગાંધીના વિદેશી મૂળના વિરોધને લીધે. તેમ છતાં આ બંને પક્ષોએ મહારાષ્ટ્રમાં વર્ષો સુધી સત્તા સાથે ભોગવી હતી એ હકીકતને પણ સ્વીકારી લઈએ તો પણ દિલ્હીમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલાં આપ અને કોંગ્રેસનો મેળ પડશે ખરો?  

    ભરતસિંહ સોલંકીએ કરેલા નિવેદનના બે અર્થ નીકળે છે

    ભરતસિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી એ તો નક્કી છે કે કોંગ્રેસને આપનું સમર્થન લેવામાં વાંધો નથી, પરંતુ આ સમર્થન એ ક્યારે લેવા માંગે છે? ચૂંટણી પહેલાં કે પરિણામો આવ્યા બાદ? જો ચૂંટણી પહેલાં આ સમર્થન લેવાની વાત હોય તો આપ માટે જતી કરવામાં આવેલી બેઠકોના કોંગ્રેસ પોતાના ટીકીટવાંછું ઉમેદવારોને કેવી રીતે સમજાવી શકશે?

    આમ આદમી પાર્ટીને તો આ બાબતે કદાચ વાંધો નહીં જ હોય કારણકે તેણે અત્યાર સુધી 70 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને કદાચ એની પાસે 182 ઉમેદવારો હોય પણ નહીં. તેમ છતાં આ 70 બેઠકોમાંથી અમુક કોંગ્રેસ માંગી બેસે તો? એ પોતાના ઓલરેડી જાહેર કરેલા ઉમેદવારોને સમજાવી શકશે? જો એમ નહીં થાય તો શું તે કોંગ્રેસને ના પાડી શકશે? અને જો એ પણ ન થઇ શકે તો આ ‘શક્ય’ ગઠબંધન ટકી શકશે ખરું?

    નિવેદનની બીજી તરફ જોઈએ તો કોંગ્રેસની આશા પ્રમાણે જો ચૂંટણીનું પરિણામ ત્રિશંકુ વિધાનસભા તરફ દોરી જાય તો પછી કોંગ્રેસ અને આપ બંનેને એટલી બેઠકો મળી હશે ખરી કે બંને ભેગામળીને સત્તાનું સુખ ભોગવી શકશે? એ વાતની ગેરંટી ભરતસિંહ સોલંકી અત્યારેજ લઇ શકશે કે પરિણામોમાં મળેલી બેઠકોના અનુપાતમાં બંને પાર્ટીઓ મંત્રીપદ માટે રાજી થઇ જાય અને આવનારા પાંચ વર્ષમાં શાંતિથી ગુજરાતનું રાજકાજ ચલાવશે?

    શું ગુજરાતમાં કોંગ્રેસ અત્યારથી જ હારી ગઈ છે?

    ઉપર વાત કરી એ તમામ શક્યતાઓ માત્ર શક્યતાઓ જ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોવાના નાતે ભરતસિંહ સોલંકીએ કરેલા નિવેદનનો એક અર્થ એવો પણ નીકળે છે કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તેનો તેમને ભરોસો નથી. જો એવું ન હોત તો ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં જ વિચારધારાના નામે ગઠબંધન કરવાની વાત સોલંકી દ્વારા કરવામાં આવી ન હોત.

    બીજું, કોઇપણ ગઠબંધન માટે રાજનૈતિક પાર્ટીઓ મહિનાઓ અગાઉ તૈયારી કરી દેતી હોય છે જ્યારે ગુજરાતમાં તો ચૂંટણી હવે આંગણે આવીને ઉભી છે એવામાં ગુજરાતમાં આ પ્રકારનું ચૂંટણી પહેલાનું ગઠબંધન થાય એની શક્યતા બિલકુલ નથી. તો શું એનો મતલબ એવો ગણવો કે ભરતસિંહ સોલંકી વ્યક્તિગત ક્ષમતાએ રાધનપુરમાં નિવેદન આપી ગયા છે? હજી સુધી તો તેમણે આ અંગે કોઈજ ચોખવટ કરી નથી પરંતુ આ લખાય છે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કે અન્ય કોઈ વરિષ્ઠ નેતા દ્વારા આ નિવેદનને રદિયો કે સમર્થન અપાયું નથી.

    જો ભરતસિંહ સોલંકીએ આપેલું નિવેદન એમનો વ્યક્તિગત વિચાર માત્ર હોય તો કદાચ વરિષ્ઠ રાજકારણી અને ગુજરાતના રાજકારણને નજીકથી જોનાર વ્યક્તિ તરીકે એમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે આ વખતે પણ કોંગ્રેસ માટે ગુજરાતમાં સત્તા દુર છે. આથી આ નિવેદન દ્વારા તેઓ દિલ્હી હાઈકમાન્ડને કદાચ એક સંદેશ આપી રહ્યાં છે કે હજી બીજા પાંચ વર્ષ કોંગ્રેસે ગુજરાતમાં સત્તાથી દૂર રહેવું પડશે.

    ઉપસંહાર

    ભરતસિંહ સોલંકીએ આપેલા નિવેદનથી એક વાત સ્પષ્ટ છે જ કે કોંગ્રેસ માટે આવનારી ચૂંટણી અત્યંત કઠીન રહેવાની છે. ઑપઇન્ડિયાના અમારા અગાઉના વિશ્લેષણમાં પણ અમે કહ્યું હતું કે આ વખતની ચૂંટણી અત્યંત એકતરફી રહેવાની છે જેમાં આપ અને ઓવૈસીની AIMIM વિધાનસભામાં તો કદાચ વધુ બેઠકો નહીં મેળવી શકે પરંતુ કોંગ્રેસની બેઠકો ઓછી જરૂર કરશે. ભરતસિંહ સોલંકીનું રાધનપુર ખાતેનું એ નિવેદન એ વિશ્લેષણની લગભગ પુષ્ટિ જ કરે છે.

    પરંતુ ચૂંટણી પછીના ગઠબંધનને લાયક એટલેકે 92 જેટલી બેઠકો પણ કોંગ્રેસ આપ, છોટુભાઈ અને એનસીપી સાથે ભેગી કરી શકશે કે કેમ એ અત્યારેતો ડુંગર દૂરથી રળિયામણા જેવી હકીકત લાગી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં