Saturday, April 27, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ અત્યારથી જ નક્કી થઇ ગયા છે

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ અત્યારથી જ નક્કી થઇ ગયા છે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આ વખતે અભૂતપૂર્વ રહેવાનાં છે પરંતુ અનપેક્ષિત નહીં. જાણીએ કેવી રીતે?

    - Advertisement -

    એક બહુ જુનો જોક છે જેમાં એક પુત્ર પોતાના પિતાને કહે છે કે પોતે સ્કુલની સો મીટરની રેસમાં ત્રીજો આવ્યો છે. પિતા ખુશ થઈને પૂછે છે કે કેટલા લોકોએ રેસ લગાવી હતી? તો પુત્ર જવાબ આપે છે કે ત્રણ. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આ વખતે એવા લાગે છે કે આ રેસમાં ફક્ત એક જ પક્ષ દોડી રહ્યો છે જ્યારે બાકીના પક્ષોએ કાં તો દોડવાનું હજી શરુ નથી કર્યું અથવાતો શરૂઆતમાં દોડ્યા પણ પછી એના પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે.

    છેલ્લાં એક અઠવાડિયાના ગુજરાતના રાજકીય ઘટનાક્રમને જો ધ્યાનમાં લઈએ તો અત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીનું સમગ્ર ધ્યાન આમ આદમી પાર્ટી તરફ વળી ગયું છે. પરંતુ આ પાર્ટી માટે દુર્ભાગ્યની વાત એ છે કે આ ધ્યાન જે બાબતે તેના તરફ વળ્યું છે એ અત્યંત નકારાત્મક અને સમાન્ય ગુજરાતીઓના ગુસ્સાને કારણે છે. આપ શરૂઆતમાં ચૂંટણીના પરિણામો આપ વિરુદ્ધ ભાજપના જ રહેવાના છે એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ આમ કરવા જતાં તે ખુદ તકલીફમાં આવી ગયો છે.

    તો બીજી તરફ કોંગ્રેસ હજી રેસ શરુ પણ કરી શકી નથી. ગુજરાત કોંગ્રેસ હજી તો ચૂંટણી મૂડમાં આવવાનો પ્રયાસ જ કરી રહી હતી ત્યાં જ તેના પ્રભારી અશોક ગહેલોતે હાઈકમાન્ડ વિરુદ્ધ રણશિંગું ફૂંક્યું અને એમનું સમગ્ર ધ્યાન પોતાની ખુરશી બચાવવા પર વળી ગયું નહીં કે ગુજરાતમાં કોંગ્રેસ કેમ જીતે તેની રણનીતિ નક્કી કરવા બાબતે સ્થાનિક નેતાઓ સાથે મંથન કરવા પર. ગુજરાત કોંગ્રેસનું આમ પણ એવું જ છે, છેલ્લા ત્રણ દાયકાથી એ ફક્ત રેસમાં હોવાનો દેખાવ કરે છે અને ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અમે આ પરિણામો પર મનોમંથન કરીશું એમ કહીને તેમજ પ્રદેશ પ્રમુખ અને અન્ય અધિકારીઓના રાજીનામાં સાથે સંતોષ માની લે છે.

    - Advertisement -

    પરંતુ આ વખતે ભલે આમ આદમી પાર્ટી પોતે વિરુદ્ધ ભાજપનું વાતાવરણ તૈયાર કરી રહી હોય પરંતુ મેદાનમાં આપ વિરુદ્ધ કોંગ્રેસ જ રહેશે. તર્ક સ્પષ્ટ છે કે ભાજપ વિરોધી જે કોઈ પણ મત હશે એ હવે કોંગ્રેસ અને આપમાં વહેંચાશે. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કોંગ્રેસે ઓવૈસીની AIMIM સાથે બે-બે હાથ કરવાનાં આવશે. આ તમામમાં શક્યતાઓ એવી છે કે આપ અને ઓવૈસી કોંગ્રેસને એટલું નુકશાન તો કરશે જ કે તે 40ની અંદર આવી જશે અથવાતો આ આંકડાની આસપાસ જ રહેશે.

    ભારતીય જનતા પાર્ટીને કાયમ એક કોર્પોરેટ સંસ્થા તરીકે કાર્ય કરતાં આપણે જોઈએ છીએ અને ગુજરાતના રાજકારણમાં જરાક પણ રસ ધરાવતો વ્યક્તિ એ જોઈ રહ્યો છે કે ભાજપ છેલ્લાં એક વર્ષથી જ આ વર્ષના અંતે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના પ્યાદાં ગોઠવવામાં લાગી ગયો હતો. આવી પરિસ્થિતિમાં તૈયારી વગરની કોંગ્રેસ અને ગુજરાતની રાજકીય જમીન સાથે બિલકુલ ન જોડાયેલો આપ ક્યાંથી ભાજપને ટક્કર આપી શકશે એ સ્વયં સ્પષ્ટ હકીકત છે.

    આમ, કોંગ્રેસ હાલપૂરતું તો એવું લાગી રહ્યું છે કે પોતાના કોર વોટરના આધારે જ ચૂંટણીમાં ઉતરશે અને આ વોટર તેને જેટલી બેઠકો આપશે એના પર તેને સંતોષ માનવો પડશે. 2017ની વાત અલગ હતી, પાટીદાર અનામત આંદોલનનાં એક માયાવી પડદા પાછળ રહીને કોંગ્રેસ લડી હતી અને આથી જ તે ભાજપને હંફાવી શકી હતી પરંતુ છેવટે તો એનાંજ ધારાસભ્યો પક્ષ છોડીને એકપછી એક ભાજપની ટીકીટ પર ચૂંટાતા ગયા અને પાટીદાર આંદોલન વગર જો એ ચૂંટણી થઇ હોત તો તેની જે પરિસ્થિતિ થવાની હતી અંતે એ જ થઇને રહી હતી. આ વખતે સરકાર વિરુદ્ધ એવું કોઈજ વાતાવરણ નથી કે એવો કોઈજ અન્ડર કરંટ નથી જે ભાજપને સ્પષ્ટ નહીં પરંતુ બે તૃત્યાંશ બહુમતી મેળવવાથી રોકી શકે.

    રહી વાત આમ આદમી પાર્ટીની તો ગોપાલ ઈટાલીયાને પ્રદેશ પ્રમુખ બનાવીને અરવિંદ કેજરીવાલે કદાચ મોટી ભૂલ કરી છે. ગોપાલ ઈટાલીયા ભલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ હોય પરંતુ તેમનો સોશિયલ મીડિયાનો ઈતિહાસ બહુ લાંબો છે અને એ એટલો સારો નથી જ કે તેના પર તેમની પાર્ટી ગર્વ કરી શકે. એમની ભાષા તેમજ હિંદુ ધર્મ પ્રત્યેની એમની ટીપ્પણીઓને આજે ભાજપ હથીયાર બનાવીને એમનાં વિરુદ્ધ જ ઉપયોગમાં લઇ રહી છે અને એ બાબતે સામાન્ય ગુજરાતી જે ધાર્મિક સ્વભાવનો છે તેનામાં અઢળક રોષ છે.

    ગુજરાતની આજની રાજકીય પરિસ્થિતિ જો જોઈએ તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જો ભાજપને 120 થી 140 જેટલી બેઠકો ન મળે તો તેના માટે એ નિષ્ફળતા ગણાશે એવું મજબુત વાતાવરણ તેના તરફે ઉભું થયું છે. સામાન્યતઃ ગુજરાત વિધાનસભામાં આંગળીના વેઢે ગણી શકાય એટલી બેઠકો એક લાખ કે એનાંથી મોટી લીડથી જીતાતી હોય છે આ વખતે આ સંખ્યામાં પણ વધારો થાય તો નવાઈ નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં