Thursday, April 18, 2024
More
    હોમપેજમંતવ્યમહારાષ્ટ્ર રાજકીય કટોકટીમાં સંજય રાઉતનો નવો બોમ્બ ફૂટ્યો; પરંતુ તેમની ઈચ્છા પૂર્ણ...

    મહારાષ્ટ્ર રાજકીય કટોકટીમાં સંજય રાઉતનો નવો બોમ્બ ફૂટ્યો; પરંતુ તેમની ઈચ્છા પૂર્ણ થાય એની શક્યતાઓ લગભગ નહીવત જ છે

    શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે રાજકીય બોમ્બ તો ફોડી દીધો છે, પરંતુ શું બંધારણીય દ્રષ્ટિએ એમ થવું શક્ય છે ખરું?

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરાવા લાગ્યું છે. આવામાં શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સભ્ય સંજય રાઉતે એક રાજકીય બોમ્બ ફોડી દીધો છે. સંજય રાઉતે હમણાં થોડા જ સમય અગાઉ એક ટ્વિટ કરી છે જેણે મહારાષ્ટ્રનું આ રાજકીય સંકટ કયા માર્ગે જઈ રહ્યું છે તેનો સંકેત આપવામાં આવ્યો છે.

    સંજય રાઉતની આ ટ્વિટ મરાઠીમાં છે જેમાં તેમણે કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં હાલમાં જે કશું પણ થઇ રહ્યું છે તે વિધાનસભાની બરખાસ્તગી તરફનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે.” આ ટ્વિટ રાજકીય ભૂકંપથી જરાય ઓછું ન કહી શકાય કારણકે, સંજય રાઉત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સહુથી નજીકના વ્યક્તિ ગણાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલું કોઇપણ નિવેદન ગંભીર ગણી શકાય.

    સંજય રાઉતની આ ટ્વિટનો બીજો મતલબ એમ પણ ગણી શકાય કે શિવસેના અને સંજય રાઉત એ સ્વીકાર કરી રહ્યાં છે કે બહુમતિ ધારાસભ્યો તેમના પક્ષે નથી. જો આમ જ હોય તો એનો અર્થ એ પણ નીકળી શકે કે મહા વિકાસ આઘાડી સરકાર પણ બહુમતિમાં નથી. ગઈકાલે વિવિધ ટીવી ચેનલો પર શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વિવિધ પ્રવક્તાઓ આઘાડી સરકારને કોઈજ તકલીફ નથી એવો દાવો કરી રહ્યા હતા તેના પર પણ સંજય રાઉતના આ રાજકીય બોમ્બ દ્વારા પ્રશ્નાર્થ ઉભો કરી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    પરંતુ, કાયદો એમ કહે છે કે વિધાનસભાની બરખાસ્તગીની મુખ્યમંત્રીની વિનંતીનો સ્વીકાર રાજ્યપાલ ત્યારે જ કરી શકે જ્યારે તેમને વિશ્વાસ હોય કે મુખ્યમંત્રી પાસે બહુમત છે. ગઈકાલ સવારથી જે રીતે મહારાષ્ટ્રનાં રાજકારણમાં જે ઉથલપાથલ મચી છે તે જોતાં એવી શક્યતા બિલકુલ નથી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ઉદ્ધવ ઠાકરેની વિનંતીનો સ્વીકાર કરે. ઉલટું એમ બનવાની શક્યતાઓ વધુ છે કે રાઉતની આ ટ્વિટ બાદ ભાજપ અને શિંદેની છાવણીઓ સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજુ કરી દે.

    સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજભવનમાં સંખ્યાબળની કસોટી ન થઇ શકે અને તે ફક્ત વિધાનસભામાં જ થઇ શકે છે. આથી એવી શક્યતાઓ જરૂર છે કે પહેલાં જ્યારે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ પાસે વિધાનસભા બરખાસ્ત કરવાની વિનંતી કરવા જાય ત્યારે તેનો અસ્વિકાર કરીને તેઓ પહેલાં વિધાનસભામાં તેમનો બહુમત સાબિત કરવાનું કહે. જો શિવસેના અને મહા વિકાસ આઘાડીને ખબર જ હશે કે તેમની પાસે હવે બહુમત રહ્યો નથી, તો તેઓ વિશ્વાસનો મત મેળવવા વિધાનસભાનું ખાસ સત્ર તો બોલાવે પરંતુ ચર્ચા બાદ વિશ્વાસનો મત લેવા પહેલાં જ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દે.

    આ ઘટનાક્રમ ઘટી ગયા બાદ ભાજપ અને શિંદેનું જૂથ ભેગા થઈને રાજ્યપાલને મળે અને સરકાર રચવાનો દાવો રજુ કરે અને રાજ્યપાલ તેમને પણ વિશ્વાસનો મત લેવાનું કહે.

    અહીં નોંધપાત્ર વાત એવી છે કે આજે સવારે જ સમાચાર મળ્યા છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોરોનાગ્રસ્ત થયા છે અને ગોવાના રાજ્યપાલને મહારાષ્ટ્રનો વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ સંજય રાઉતનો રાજકીય બોમ્બ ફાટવાને બદલે ફૂસ્સ થઇ જાય તેની શક્યતાઓ વધારે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં