Saturday, October 5, 2024
More
    હોમપેજમંતવ્યThe Vial India’s Vaccine Story – તમામ ભારતીયોને ગર્વ કરાવે તેવી આ...

    The Vial India’s Vaccine Story – તમામ ભારતીયોને ગર્વ કરાવે તેવી આ ડોક્યુમેન્ટ્રી આપણે બધાંએ જરૂર જોવી જોઈએ

    ભારતના કોરોના સામેનાં યુદ્ધનો ચિતાર આપતી ડોક્યુમેન્ટ્રી The Vial India's Vaccine Story એ બાબતો પર પ્રકાશ પાડે છે જેના વિષે આપણે તમામ અજાણ છીએ.

    - Advertisement -

    હમણાં થોડા જ દિવસ અગાઉ આપણે કોરોના દરમ્યાન દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનની ત્રીજી તિથી અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં આપણે જાણ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના ભગાડવા માટે થાળી વગાડવાનું, દીવા પ્રગટાવવાનું કે પછી હોસ્પિટલો પર ફૂલની પાંખડીયો વરસાવવાનું નહોતું કહ્યું પરંતુ એકબીજાનો ઉત્સાહ વધારવા અને એકબીજાને ભાવનાત્મક ટેકો આપવા માટે આ થયું હતું. ગઈકાલે કોરોનાનાં મુદ્દે જ YouTube પર એક સુંદર ડોક્યુમેન્ટ્રી The Vial India’s Vaccine Story જોઈ. આ ડોક્યુમેન્ટ્રી જોઇને કોઇપણ ભારતીયની છાતી ગજગજ ફૂલે તેમ છે એવું ચોક્કસપણે કહી શકાય.

    સામાન્ય રીતે કોઈ ફિલ્મનો રિવ્યુ કરતાં હોઈએ એ રીતે કોઈ ડોક્યુમેન્ટ્રીનો રિવ્યુ ન જ થઇ શકે આથી આપણે આ ડોક્યુમેન્ટ્રીમાં કેવી રીતે ભારતે કોરોના વિરોધી વેક્સીન જાતે જ ઉત્પાદિત કરીને આ મહામારી પર વિજય મેળવ્યો તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે તે મુદ્દા પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું.

    The Vial India’s Vaccine Story ડોક્યુમેન્ટ્રીનું હોસ્ટીંગ અને તેને બેકગ્રાઉન્ડમાં અવાજ જાણીતા અભિનેતા મનોજ બાજપાઈએ આપ્યો છે. ડોક્યુમેન્ટ્રીની શરૂઆત જ્યારે WHO દ્વારા માર્ચ 2020માં કોરોનાને આધિકારિક રીતે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યારથી થાય છે. ત્યાર બાદ આ મહારોગ ભારતમાં પ્રવેશ્યો અને પ્રસર્યો તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે.

    - Advertisement -

    આ એક એવો સમય હતો જ્યારે ખુદ ડોક્ટરો પોતાની જાતને લાચાર જાણી રહ્યાં હતાં કારણકે આ મહારોગની કોઈજ દવા ન હતી. દિવસેને દિવસે કોરોનાથી ગ્રસિત લોકોની સંખ્યા વધતી ચાલી હતી અને કોરોના વિરોધી રસી જ આ મહા સમસ્યાનું નિરાકરણ લાવવાની હતી. આવા સમયે કેવી રીતે ભારત સરકાર અને આપણા વૈજ્ઞાનિકોએ એક પછી એક નિર્ણયો લીધા અને ફક્ત ત્રણ મહિનામાં જ COVISHIELD અને COVAXIN જેવી અસરદાર રસીઓની શોધ કરી તેની અજાણી બાબતો પણ આ ડોક્યુમેન્ટ્રીમાં આવરી લેવામાં આવી છે.

    એક સામાન્ય મનુષ્ય તરીકે આપણને એટલો ખ્યાલ હતો કે કોઇપણ રોગને શરીરમાંથી દૂર કરવા અથવાતો તેની વિરુદ્ધ પ્રતિકારક શક્તિ ઉભી કરવા એ જ રોગનાં જીવાણું શરીરમાં રસીના ઇન્જેક્શન દ્વારા મોકલવામાં આવતા હોય છે. પરંતુ કોરોનાને મ્હાત આપવા માટે પુણે ખાતેની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી નામક સંસ્થા ખાતે કોરોના વાયરસને અલગ કર્યા પછી આ બંને રસીઓ શક્ય બની હતી એની જાણ કદાચ આપણને આજ સુધી થઇ જ નથી. આ પ્રકારની નાની નાની હકીકતો અને નાનાં મોટાં સત્યો આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આપણને જાણ થાય છે.

    રસી બની ગયા બાદ પણ તેને લોકો સુધી પહોચાડવી અથવાતો સામાન્ય જનતામાં એ વિશ્વાસ ઉભો કરવો કે આ રસીની કોઈજ આડઅસરો નથી તે કદાચ સહુથી અઘરું કાર્ય હતું. રસી ઉંદરો પર અસરકારક સાબિત થયા પછી તેની હ્યુમન ટ્રાયલ એટલેકે મનુષ્યો પરનું ટેસ્ટીંગ કદાચ સહુથી પડકારજનક કાર્ય હતું. અહીં એક પણ વ્યક્તિને કોઈ ખોટી અસર થઇ તો આખું રસીકરણ ખાડે જવાની પુરેપુરી શક્યતા હતી પરંતુ આ કાર્ય પણ કેવી રીતે થયું તેની માહિતી આપણને The Vial India’s Vaccine Story આપે છે.

    ત્યારબાદ એક બીજું ભગીરથ કાર્ય સામે આવ્યું અને એ હતું દેશનાં ખૂણેખૂણે આ રસી પહોચાડવાનું અને તેના સ્ટોરેજનું જેથી રસીનો બગાડ ન થાય અને છેવાડાના ભારતીયને આ રસી મળે. આ બાબતે જાણીતાં ઉદ્યોગગૃહ ગોદરેજે કેવી મદદ કરી અને ગુજરાતનાં કચ્છની હેલ્થ વર્કર જીજ્ઞાનાં સંઘર્ષની વાત પણ આ ડોક્યુમેન્ટ્રીમાં છે. આ ઉપરાંત ઉત્તર ભારતનાં એક ગામડામાં જ્યાં પોતાની સંસ્કૃતિ ભૂંસાઈ જશે એવા ડરથી 2000ની વસ્તીમાંથી એક પણ વ્યક્તિ રસી લેવા તૈયાર ન હતી તેમ છતાં તમામે અહીંના સરકારી અધિકારીઓની સમજાવટથી રસી લીધી તેનું રસપ્રદ ઉદાહરણ પણ The Vial India’s Vaccine Story જણાવે છે.

    આવી તો અનેક વાતો આપણને આ ડોક્યુમેન્ટ્રીમાંથી મળશે જેમાં સરકારી તંત્રની ઉપલબ્ધિઓ પણ સામેલ છે. હાલનાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા જણાવે છે કે કોઇપણ રસી તૈયાર થઇ જાય પછી તેનો ઉપયોગ કરવા માટે બે થી ત્રણ વર્ષની રાહ જોવી પડતી હોય છે પરંતુ કેન્દ્ર સરકારે એવાં પગલાં લીધાં જેથી આ બે થી ત્રણ વર્ષને બાયપાસ કરીને કોવીડ વિરોધી રસી તુરંત જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી.

    આ બધાંમાં આ ડોક્યુમેન્ટ્રી CoWIN પ્લેટફોર્મની સફળતા અને તેની સરળતાની નોંધ લેવાનું ભૂલી નથી. કેવી રીતે ભારતે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું અને કેવી રીતે જે દિવસે લાખો લોકો એક જ દિવસે રસી લઇ રહ્યાં હતાં ત્યારે પણ આ પ્લેટફોર્મ એક સેકન્ડ માટે પણ હેંગ નહોતું થયું તેની રસપ્રદ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્લેટફોર્મ દ્વારા લોકો જે રીતે ડિજીટલી રસી લીધાનું સર્ટીફીકેટ મેળવતા હતાં તેની વાત પણ કરવામાં આવી છે.

    આ સમગ્ર ડોક્યુમેન્ટ્રીમાં વૈજ્ઞાનિકો, રસી બનાવનારી કંપનીઓના માલિકો જેમકે અદર પુનાવાલા અને અન્યો તેમજ ડોક્ટર્સ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ સમયની કુશળ તેમજ દૂરંદેશીભરી અને પ્રેરણાત્મક નેતૃત્વની ગર્વભેર વાત કરે છે તે ખાસ જોવા અને સાંભળવા જેવું છે. જ્યારે રસી પર પરીક્ષણ થઇ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન જાતે COVISHILED અને COVAXIN બનાવનારી કંપનીઓની ફેક્ટરીમાં ગયા હતાં તે એ તમામ માટે અત્યંત ઉત્સાહપ્રેરક હતું તેમ અહીં વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે.

    છેલ્લે હ્રદયરોગનાં જાણીતા સર્જન ડોક્ટર દેવી શાસ્ત્રી એક ખાસ વાત કરે છે અને એ વાત છે રસી બની ગયા પછી સહુથી પહેલું રસીકરણ હેલ્થ સ્ટાફ અથવાતો ફ્રન્ટલાઈન વર્કર્સ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની. ડૉ શાસ્ત્રી કહે છે કે જ્યારે માર્ચ 2021માં ડેલ્ટા વેરિયન્ટ આવ્યો ત્યારે એ અગાઉનાં તમામ વેરિયન્ટથી વધુ ખતરનાક હતો અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. સરકારનો એ નિર્ણય કે સહુથી પહેલું રસીકરણ ફ્રન્ટલાઈનવર્કર્સનું થશે એ જો ન લેવામાં આવ્યો હોત તો દેશભરમાં જાનહાની અત્યંત ભયંકર હોત.

    કારણકે જ્યારે કોઈ ડોક્ટર કે નર્સ કોરોનાગ્રસ્ત વ્યક્તિનો ઈલાજ કરવા જાય છે અને તે રસીથી સુરક્ષિત નથી તો એનો જીવ પણ ખતરામાં હોય છે. આમ થવાથી હેલ્થ વર્કર્સ પણ તણાવમાં આવી શકે છે અને કદાચ ઈલાજ કરવાથી દૂર પણ જઈ શકે છે. પરંતુ ડેલ્ટાના આવવા સમયે દેશનાં તમામ ડોક્ટરો નર્સ અને અન્ય મેડીકલ સ્ટાફ રસીથી સુરક્ષિત હોવાથી ડેલ્ટા સામે પણ લડી શકાયું હતું. આવી જ રીતે ડેલ્ટા જ્યારે ચરમ પર હતો ત્યારે દેશભરમાં રસીકરણ ચાલુ રાખીને પણ તેની સામે લડી શકાયું તે પણ અહીં જણાવવામાં આવ્યું છે.  

    The Vial India’s Vaccine Story આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરાવે છે, જેમાં તેઓ આ આખી સફર કેવી રીતે શરુ થઇ અને કેવી રીતે પુરી થઇ તેની જાતમાહિતી આપે છે. વડાપ્રધાન અહીં એક ખુબ સુંદર વાત કરે છે કે જ્યારે કોરોના અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે એક વાત વહેતી થઇ હતી કે જ્યારે ભારતમાં આ રોગ પ્રવેશ કરશે ત્યારે ભારત આખી દુનિયા પર બોજારૂપ બની જશે કારણકે ભારત પાસે આ રોગ સામે લડવાની પ્રાથમિક સુવિધા જ નથી.

    પરંતુ, ભારતે ફટાફટ આ સુવિધાઓ ઉભી જ ન કરી પરંતુ જાતે વેક્સીન બનાવીને અન્ય દેશોને પણ દાન કરી જેનાથી ભારત બોજારૂપ તો ન બન્યું પરંતુ દુનિયા માટે ઉદાહરણરૂપ જરૂર બન્યું. આવી તો ઘણી આશ્ચર્ય પમાડે તેવી વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડોક્યુમેન્ટ્રીમાં કરી છે.

    આપણે તમામે કોરોનાનો એ વિકરાળ કાળ જોયો છે અને આપણામાંથી લગભગ તમામે આ મહારોગનો ભોગ બનતાં આપણા સગાંઓ કે મિત્રોને જોયાં છે. આટલી બધી ભયાનકતા સામે હોવા છતાં અને પોતે પણ તેનો કોળીયો બની જવાનો ભય સતત હોવા છતાં કેવી રીતે આપણા દેશનાં વૈજ્ઞાનિકોએ કોરોનાને કાબુમાં કરતી રસી જાતે બનાવી અને દેશભરમાં કેવી રીતે સફળ રસીકરણ થયું અને તેની સાથે જોડાયેલાં લોકોએ કેવો ભોગ આપ્યો આ બધું જ જાણવા માટે આપણે તમામે આ ડોક્યુમેન્ટ્રી એક વખત તો જોવી જ રહી.

    આપણે ભારતીયો જ્યારે મુશ્કેલભરી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણા ઉદ્યમ અને સહકારથી આ પરિસ્થિતિમાંથી સફળતાપુર્વક બહાર આવી જઈએ છીએ તેની આ ગાથા જોઈ અને સાંભળીને ભારતીય હોવાનો ગર્વ જરૂર થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં