Sunday, April 21, 2024
More
  હોમપેજમંતવ્યહું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ રવીશ તાણે......

  હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ રવીશ તાણે… – જ્યારે અભિમાન બીમારી બની જાય!

  શરૂઆતી સફળતા વ્યક્તિને આત્મવિશ્વાસ અપાવે છે પછી આ આત્મવિશ્વાસ આત્મશ્લાઘામાં ક્યારે પરિવર્તિત થઇ જતી હોય છે એની એને જ ખબર નથી પડતી. આ પ્રકારનું અભિમાન બાદમાં રોગ બની જાય છે જેનાથી રવીશ કુમાર આજે ગ્રસિત છે.

  - Advertisement -

  હમણાંજ ફૂટબોલનો વર્લ્ડ કપ પૂરો થયો જેમાં આર્જેન્ટીના તો જીત્યું જ પણ વાત ફક્ત મેસ્સીની જ થઇ. જ્યારે 2007 અને 2011માં ટીમ ઇન્ડિયા બે વર્લ્ડ કપ જીત્યું ત્યારે મહેન્દ્રસિંહ ધોનીની ચર્ચા વધુ થઇ. એટલે એવું બને છે કે રમત અથવાતો સંસ્થા કરતાં કોઈ વ્યક્તિ મોટો થઇ જાય. કોઈક વખત આવું કુદરતી રીતે થાય પરંતુ રવીશ કુમારે અને એનાં જેવા વ્યક્તિઓ જાતેજ એવું માની લીધું હોય છે કે પોતે સંસ્થાથી મોટા થઇ ગયા છે.

  તાજેતરમાં રવીશ કુમારે જે NDTV મીડિયા સંસ્થામાં તેઓ વર્ષોથી કાર્યરત હતાં તેમાંથી રાજીનામું આપ્યું, કારણકે આ સંસ્થાના મોટાભાગના શેર અદાણી જુથે ખરીદી લીધા હતાં. વર્ષોથી સમાન્ય જનતામાં એવો વિચાર હતો કે NDTV એ ભાજપ, નરેન્દ્ર મોદી, અદાણી જૂથ અને અંબાણી જૂથ વિરુદ્ધ છે અને રાજીનામું આપ્યા બાદ રવીશ કુમારે જે નિવેદન આપ્યું તેણે આ વિચારને લગભગ મજબુત કરવાનું જ કાર્ય કર્યું.

  એ સમયે રવીશ કુમારે એમ કહ્યું હતું કે ગોદી શેઠે NDTV તો ખરીદી લીધું પરંતુ તેને ન ખરીદી શક્યા. હવે અહીં બે બાબતો ધ્યાને લેવા જેવી છે. લેફ્ટ મીડિયા સરકારની તરફેણ કરતાં અથવાતો એમની લાઈનથી અલગ લગતાં મીડિયાને ગોદી મીડિયા કહીને નવાજતું હોય છે. રવીશે અહીં અદાણી જે NDTVનાં નવાં માલિક બન્યાં તેને ગોદી શેઠ કહી દીધા. બીજું કે પોતે એટલા બધાં સ્વચ્છ છે કે એમણે રાજીનામું આપવું પસંદ કર્યું પણ પોતે વેચાયાં નહીં.

  - Advertisement -

  હજી આ ઓછું હતું એમ બે દિવસ અગાઉ કરન થાપર જે હાડોહાડ સામ્યવાદી લિબરલ પત્રકાર છે એને આપેલા ઇન્ટરવ્યુમાં તો રવીશ કુમારે આત્મશ્લાઘાની તમામ હદ વટાવી દીધી. આ મહાનુભાવે એ ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે એમને નોકરીમાંથી કાઢવા માટે અદાણીએ NDTV ખરીદી લીધું. હદ છે!

  શરૂઆતી સફળતા વ્યક્તિને આત્મવિશ્વાસ અપાવે છે પછી આ આત્મવિશ્વાસ આત્મશ્લાઘામાં ક્યારે પરિવર્તિત થઇ જતી હોય છે એની એને જ ખબર નથી પડતી. આ પ્રકારનું અભિમાન બાદમાં રોગ બની જાય છે જેનાથી રવીશ કુમાર આજે ગ્રસિત છે. અજીત અંજુમને આપેલા એક ઇન્ટરવ્યુમાં તો રવીશ કુમાર એમ પણ કહેતા સંભળાય છે કે તેઓ આટલા બધાં ‘લોકપ્રિય’ ન બન્યાં હોત તો સારું થાત.

  રવીશ કુમારે ભૂતકાળમાં પણ પોતાના કાર્યક્રમ દરમ્યાન ટાટા સ્કાયના સિગ્નલો વિક કરી દેવામાં આવતા હોવાનો વાહિયાત આરોપ કેન્દ્ર સરકાર પર મુક્યો હતો. આટલી હદની ખોટી માન્યતા? શું કેન્દ્ર સરકારના મંત્રીઓ એટલા બધાં નવરા છે કે તેઓ બધાં ભેગામળીને દેશભરની ટાટા સ્કાયની ડીશ ફક્ત રવીશ કુમારના કાર્યક્રમ દરમ્યાન જ ફેરવવા જતાં રહેતાં હતાં?

  રવીશ કુમાર પોતાને દેશના વડાપ્રધાનની સમકક્ષ પણ માનવા લાગ્યાં હતાં અને એમની કક્ષાના ‘પત્રકારને’ નરેન્દ્ર મોદી ક્યારેય ભાવ નથી આપતાં એ જાણતા હોવાને લીધે જ તેઓ વારંવાર નરેન્દ્ર મોદીને ઇન્ટરવ્યુ માટે પડકાર ફેંકતા હતાં. નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે કે તેઓ રવીશ પ્રકારના વ્યક્તિઓને ભાવ નથી આપતાં અને તેમના આ મૌનને રવીશ કુમાર અને તેમના જેવા અસંખ્ય પત્રકારો મોદીનો ડર ગણાવી દેતા હોય છે.

  હવે રવીશ કુમારે હાલમાં જ કરેલા બે દાવાઓ પર નજર નાખીએ અને તે કેમ સત્યથી વેગળા છે એ સાબિત કરીએ. રવીશનો પહેલો દાવો કે અદાણી NDTVને તો ખરીદી શક્યા પણ પોતાને ન ખરીદી શક્યા. શું એનો મતલબ એવો છે કે અત્યારે પણ NDTVમાં જે પત્રકારો કાર્યરત છે એ અદાણીએ ઠેરવેલા ભાવથી ખુશ થઈને વેંચાઈ ગયા હશે? શું રવીશ કુમારના ભૂતપૂર્વ સાથી પત્રકારો રવીશના આ દાવાથી સહમત છે?

  રવીશ કુમારનો બીજો દાવો કે ફક્ત તેને નોકરીમાંથી કાઢવા માટે અદાણીએ એની પૂર્વ ચેનલને ખરીદી લીધી તો શું રવીશ કુમાર એ સમયના NDTVના માલિકો એટલે કે રોય દંપત્તિ કરતાં પણ વધુ મહત્ત્વના બની ગયા હતાં? શું પ્રનોય રોય અને રાધિકા રોય પણ રવીશની આ વાત સાથે સહમત થતાં હશે ખરાં? શું રવીશ કુમાર એટલા મહાન પત્રકાર છે કે તેમને કાઢવા માટે એક ઉદ્યોગપતિ પોતાનું ખિસ્સું ખાલી કરી નાખે?

  રવીશ કુમારની આ બંને વાહિયાત દલીલો આપણો શરૂઆતનો મુદ્દો સાબિત કરે છે કે ઘણીવાર કોઈ વ્યક્તિ સંસ્થા કરતાં મોટો થઇ જતો હોય છે અથવાતો એ જાતેજ એવું માની લેતો હોય છે કે પોતે જ્યાં કાર્યરત છે એ સંસ્થાથી મોટો છે. રવીશ કુમાર આ બીજી બાબત સાથે સંલગ્ન થઇ ગયા છે. પરંતુ ખરેખર એવું નથી રવીશ કુમારના ગયા પછી પણ NDTV નાનામોટા ફેરફાર સાથે હજી પણ ચાલે જ છે.  

  અને, જો પોતે NDTVથી મોટા થઇ જ ગયા હોય તો રવીશ કુમારના રાજીનામાં બાદ તેમના ઘરની બહાર અન્ય ચેનલોના માલિકોની લાઈન લાગવી જોઈતી હતી. કારણકે રવીશ કુમાર એટલા તો મહાન પત્રકાર છે કે જેને જોવા અને સાંભળવા તેમજ સમજવા માટે ભારતની મોટાભાગની પ્રજા પોતાનું સાંજનું ભોજન પણ મુલતવી રાખીને ટીવી સામે બેસી જાય છે. પરંતુ એવું બન્યું નથી અને રવીશ કુમાર પણ  મોદી વિરુદ્ધ ઝેર ઓકતા અન્ય પત્રકારોની જેમ જ યુટ્યુબ ચેનલ ખોલીને ટાઈમપાસ કરવા લાગ્યા છે.

  આનો સીધો અને સાદો મતલબ એક જ છે કે રવીશ કુમાર પોતાને જે પણ માનતા હશે એવું ધરાતલ પર બિલકુલ નથી. રવીશ કુમાર જે કશું પણ હતાં એ NDTVને લીધે હતાં અને એમની પોતાની કોઈજ એવી લોકપ્રિયતા ન હતી કે અન્ય ચેનલો તેમને મોં માંગ્યો પગાર ઓફર કરીને પોતાને ત્યાં નોકરી આપી દે. આપણે રાજદીપ સરદેસાઈથી માંડીને સુશાંત સિન્હા જેવા ઘણા ટીવી પત્રકારો, એન્કર કે પછી એડિટર્સને જોયા છે જેમણે એક પછી એક ચેનલો બદલી છે, પરંતુ તેમણે ક્યારેય પોતાની જાતને તેમની ચેનલો કરતાં રવીશ કુમારની જેમ મહાન નથી ગણાવી.

  આપણા ગુજરાતમાં પણ એવા ઘણાં પત્રકારો અને લેખકો છે જે પોતાની જાતને મહાન ગણી બેઠાં છે. લાગ્યું તો તીર નહીં તો તુક્કો એમ કહીને પોતાની ભવિષ્યવાણીઓ ફેસબુક પર અને ટ્વીટર પર કરતાં હોય છે. જો આ તુક્કો ખરો પડે તો “મેં તો પહેલેથી જ કીધું હતું, મને વાંચતા જાવ” એમ કહે અને જો ખોટો પડે તો એ બાબતે કોઈજ ચર્ચાને શરુ કરવા ન દે.

  કાશ્મીરમાંથી કલમ 370 અને 35A કોઇપણ સરકાર દૂર ન કરી શકે અથવાતો એની હિંમત પણ ન દર્શાવી શકે એવા લેખકો અને પત્રકારો આ બંને કલમો મોદી સરકારે દૂર કરી ત્યારનાં મૂંગામંતર થઇ ગયા છે. અરે! મોદી સરકારની નીતિ સમજવામાં મારી ભૂલ થઇ એવી એક લીટી પણ અભિમાનને લીધે લખી શક્યા નથી.

  પાછા રવીશ કુમાર ટાઈપ લોકોને ભક્તો પણ મળી રહેતા હોય છે. એવા ઘણા લોકો છે જે રવીશ કુમારને પોતાનો હીરો માને છે અને એનો યોગ્ય વિરોધ કરનારને બુદ્ધિના બળદ. આમાંથી મોટાભાગના એ જ લોકો છે જેમને તદ્દન એમનાં આરાધ્ય રવીશની જેમ જ નરેન્દ્ર મોદી સાથે સીધો વાંધો છે. આ લોકો દરેક વાતમાં હિંદુ-મુસ્લિમ લાવનાર કે પછી લાઈનમાં ઉભા રહેનારની જાત અચુક પૂછનાર રવીશ કુમાર પ્રત્યે કોઈજ વાંધો નથી હોતો.

  રાજીનામું આપ્યા રવીશ કુમારે જે પ્રકારના બફાટ કર્યા છે અને એ પણ એવા લોકોને ઇન્ટરવ્યુ આપીને જે એમનીજ ‘લાઈન’ના છે એ જણાવે છે કે આવનારા દિવસોમાં રવીશ કુમાર વધુને વધુ હાસ્યાસ્પદ નિવેદનો કરવાના છે અને છેવટે સમાજ અને દેશની મુખ્યધારામાંથી દૂર થઇ જવાનાં છે. આમ થવા પાછળનું કારણ એક જ છે કે આ પ્રકારના લોકોને દેશના લોકો કઈ તરફ વિચારે છે અથવાતો તેમની લાગણી શું છે તેની કોઈજ સમજ નથી હોતી.

  આ લોકો માટે હું, હું અને ફક્ત હું જ મહત્વનું પાત્ર હોય છે જે થોડો સમય તો લોકપ્રિયતા અપાવે છે પરંતુ બાદમાં તેઓ પ્રજાની આંખમાંથી નીચે ઉતરીને આપોઆપ ખોવાઈ જતાં હોય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં