પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. એ અલગ વાત છે કે તેમની ‘ન્યાય’ યાત્રા જે પણ રાજ્યમાં પહોંચે છે અથવા પસાર થાય છે, ત્યાં માત્ર કોંગ્રેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ઇન્ડી ગઠબંધન માટે સમસ્યાઓ શરૂ થઈ જાય છે. રાહુલની યાત્રા ઉત્તર-પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાંથી નીકળી હતી, ત્યાં માત્ર એક દિવસમાં એવી તો અસર થઈ કે, કોંગ્રેસના અડધા ધારાસભ્યો જ તૂટીને પાર્ટીથી અલગ થઈ ગયા અને ભાજપમાં જોડાઈ ગયા. એટલે કે, રાહુલ ગાંધીએ જ્યાંથી યાત્રા કાઢી, ત્યાંથી જ કોંગ્રેસના અડધા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા.
ખાસ વાત એ છે કે, અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં 60 સીટો છે. જેમાંથી કોંગ્રેસ પાસે હવે માત્ર 2 ધારાસભ્યો જ બચ્યા છે અને વિપક્ષ પાસે માત્ર 3 ધારાસભ્યો છે. 2 અપક્ષ ધારાસભ્યો સહિત બાકીના તમામ ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં છે. ના સમજાયું ને? હકીકતમાં, જ્યારે 2019માં અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાજપે 41 બેઠકો જીતી હતી અને બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવી હતી. આ સાથે JDUએ 7 સીટો જીતી હતી. નેશનલ પીપલ્સ પાર્ટીએ (NPP) 5 વિધાનસભા બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 4 બેઠકો જીતી હતી. આ સાથે જ પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને પણ એક સીટ પર જીત મળી હતી. આ સિવાય 2 અપક્ષ ધારાસભ્યો હતા.
આ પછી, અરુણાચલમાં JDUના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા. NPP એમ પણ NDAનો ભાગ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના માત્ર ચાર ધારાસભ્યો જ વિપક્ષમાં બેઠા હતા. બાદમાં એક અપક્ષ ધારાસભ્ય ટીએમસીમાં જોડાયા હતા. કુલ 5 વિપક્ષી ધારાસભ્યો ધરાવતા અરુણાચલ પ્રદેશમાં હવે કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો જ બચ્યા છે અને એક ધારાસભ્ય TMCના. બાકીના બે અપક્ષ ધારાસભ્યો સરકારને સમર્થન આપી રહ્યા છે. આ રીતે, અરુણાચલ પ્રદેશમાં, જ્યાં રાહુલ ગાંધીએ એક દિવસ માટે તેમની ન્યાય યાત્રા કાઢી હતી, ત્યાં પાર્ટીના અડધા ધારાસભ્યોએ બળવો કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ પોતે X પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નિનોંગ એરિંગ, જેઓ પાસીઘાટ પશ્ચિમ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે, તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે બોરદુનિયા-બોગાપાનીના કોંગ્રેસના ધારાસભ્ય વાંગલિન લોઆંગડોંગે પણ ભાજપનું સભ્યપદ સ્વીકારી લીધું છે. આ દરમિયાન NPPના ધારાસભ્ય મુચ્ચુ મીઠી, જેઓ રોઈંગ સીટના ધારાસભ્ય છે અને તેમના સાથી બસર સીટના ધારાસભ્ય ગોકર બસર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન આસામના મંત્રી અને અરુણાચલમાં ભાજપના ચૂંટણી પ્રભારી અશોક સિંઘલ પણ હાજર રહ્યા હતા.
Warmly welcomed Hon Congress MLAs – Shri @ninong_erring Ji & Shri @WanglinLowangdong Ji; and 2 NPP MLAs; Shri @Mutchu4 Ji, former State President, NPP and Shri @GokarBasar Ji – in the @BJP4Arunachal.
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) February 25, 2024
Their joining of party is a testament to their faith in the principles of good… pic.twitter.com/PvbyPNaNYB
ખેર, આ મામલો માત્ર અરુણાચલનો જ નથી, પણ એ રાજ્યોનો પણ છે, જ્યાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ, અથવા જ્યાં સુધી પહોંચી કે, પહોંચવાની હતી. એટલે કે, જો કોઈપણ પ્રકારનું જોડાણ ન્યાય યાત્રા સાથે હતું, તો ત્યાં પાર્ટીને જ નહીં, પરંતુ I.N.D.I. ગઠબંધનને પણ નુકશાન થયું છે. અરુણાચલથી લઈને આસામ સુધી વિદ્રોહ થયો, તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ આંખો બતાવી. બિહારમાં ઇન્ડી ગઠબંધનના સૂત્રધારે જ ઇન્ડી ગઠબંધનને છોડી દીધું, જ્યારે ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી જેવા નેતાઓએ પણ રાહુલ ગાંધીનો હાથ છોડી દીધો. મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણથી લઈને બાબા સિદ્દિકી સુધીના નેતાઓએ ઝટકો આપી દીધો, જ્યારે કોંગ્રેસને સહયોગી દળોની સામે જ ઘૂંટણ ટેકવવાની ફરજ પણ પડી.
ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કોંગ્રેસે સપાની શરતો પર માત્ર 17 બેઠકો પર જ લોકસભાની ચૂંટણી લડવાની છે, જ્યારે પંજાબમાં, ઇન્ડી ગઠબંધનમાં હોવા છતાં, તેણે આમ આદમી પાર્ટી સામે અલગ જંગ લડવાની છે. બીજી તરફ દિલ્હીની 7માંથી 4 લોકસભા સીટો પણ AAP માટે છોડવી પડી છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે કોંગ્રેસ પાર્ટી I.N.D.I. ગઠબંધનમાં સતત નુકસાનનો સામનો કરી રહી છે.