Monday, July 15, 2024
More
  હોમપેજમંતવ્યએક તરફ ‘વિજય દિવસ’ ઉજવી રહ્યો છે દેશ, બીજી તરફ રાહુલ ગાંધીએ...

  એક તરફ ‘વિજય દિવસ’ ઉજવી રહ્યો છે દેશ, બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું- ચીની સેના આપણા જવાનોને મારી રહી છે: સરકારને ઘેરવા સેનાનું અપમાન કેમ?

  આ બધું જોતાં રાહુલ ગાંધી આવી વાતો કરે એ આશ્ચર્યજનક તો નથી જ, પરંતુ દુઃખદ જરૂર છે.

  - Advertisement -

  વાર-તહેવારે સરહદ પર કંઈકને કંઈક આડુંઅવળું કરતી રહેતી ચીની સેનાએ તાજેતરમાં ફરી અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ફરી ઘૂસવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ બીજી તરફ ભારતીય સેના પણ તૈયાર બેઠી હતી અને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો અને મોટી સંખ્યામાં આવેલા ચીની જવાનોને ખદેડી દીધા હતા. ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો અને તેની ઉપર ભારતના પ્રત્યેક નાગરિકને ગર્વ થવો જોઈએ, પણ રાહુલ ગાંધી આમાં અપવાદ હોય તેવા સંકેતો તેમણે પોતે જ આપ્યા છે. 

  રાહુલ ગાંધીએ હમણાં જ એક નિવેદન આપ્યું અને કહ્યું કે ચીનની સેના આપણા જવાનોને અરૂણાચલ પ્રદેશમાં મારી રહી છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. જ્યાં તેમણે આવું નિવેદન આપ્યું હતું. 

  કોંગી નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “હું અહીં આવ્યો તે પહેલાં મારા એક મિત્ર સાથે ભોજન કરી રહ્યો હતો. મેં તેમની સાથે શરત લગાવી હતી કે પ્રેસ મને બધા જ પ્રશ્નો પૂછશે પરંતુ ચીન વિશે એક સવાલ નહીં પૂછે.” 

  - Advertisement -

  તેઓ આગળ કહે છે, “જેમણે 200 સ્કવેર કિલોમીટર હિંદુસ્તાનની જમીન હડપી લીધી, હિંદુસ્તાનના 20 જવાનોને શહીદ કર્યા, જેઓ આપણા જવાનોને અરૂણાચલ પ્રદેશમાં મારી રહ્યા છે… પરંતુ હિંદુસ્તાનની પ્રેસ મને તેના વિશે એક પ્રશ્ન નહીં પૂછે.”

  વિજય દિવસ- ભારતના ઇતિહાસનો એક સ્વર્ણિમ અધ્યાય

  રાહુલ ગાંધીની આ ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે આખો દેશ ‘વિજય દિવસ’ ઉજવી રહ્યો છે. વિજય દિવસ ભારતીય ઇતિહાસનો એ સ્વર્ણિમ અધ્યાય છે જેણે દુનિયાનો નકશો બદલી નાંખ્યો હતો અને જેની ઉપર આ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકને ગર્વ છે. 1971માં આજના દિવસે જ પાકિસ્તાન સામે યુદ્ધમાં ભારતે જ્વલંત વિજય મેળવ્યો હતો અને દુશમનના 90 હજારથી વધારે સૈનિકોએ ભારતીય સેના સામે ઘૂંટણ ટેકવી દીધાં હતાં. 

  રાહુલ ગાંધીની ટિપ્પણીથી વિપરીત સત્ય એ છે કે ભારતીય સેનાએ ચીનીઓને જડબાતોડ જવાબ આપીને પાછળ ધકેલી દીધા હતા. બનાવ બાદ સેનાએ જણાવ્યું હતું કે, ‘ચીની સૈનિકોએ તવાંગ સેક્ટરમાં LAC પાર કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતીય સેનાએ દ્રઢતા અને મજબૂતી સાથે સામનો કર્યો હતો.’ રક્ષામંત્રી રાજનાથસિંહે બીજા દિવસે સંસદમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, “ચીની સેનાએ અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ બહાદૂરીપૂર્વક લડત આપી તેમને પાછળ ધકેલી દીધા હતા.”

  ચીની સેના ભારતના જવાનોને નથી મારી રહી, આપણા જવાનો ચીની સૈનિકોને ખદેડી રહ્યા છે

  રાહુલ ગાંધી કહે છે કે, ચીની સૈનિકો આપણા જવાનોને મારી રહ્યા છે. પણ તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં ભારતીય જવાનો ચીની સૈનિકોને મેથીપાક આપતા દેખાઈ રહ્યા હતા. જોકે, આ વિડીયો ક્યારનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી અને સેનાને લગતો મામલો હોવાથી સંભવતઃ ક્યારેય થશે પણ નહીં. પણ અહીં સમજવાની વાત એટલી જ છે કે, ચીની સેના આપણને નહીં પરંતુ આપણે ચીનને પાઠ ભણાવી રહ્યા છીએ. 

  રાહુલ ગાંધી ચીન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કરતા રહે છે. સરકારને ભલે તેઓ ઘેરતા રહે, પરંતુ સેનાનું અપમાન ક્યારેય સાંખી લેવું જોઈએ નહીં. આમ તો આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક આદર્શ રાજકારણી રાજકારણ રમવાની જગ્યાએ સેના અને સરકાર સાથે ઉભો રહે છે, પરંતુ કોંગ્રેસ પાસેથી એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. 

  કોંગ્રેસ અને ચીનની CCP વચ્ચેના સબંધો જગજાહેર 

  કોંગ્રેસ પાર્ટી અને ચીનની સત્તાધારી પાર્ટી CCP વચ્ચેના સબંધો હવે છુપા રહ્યા નથી. હમણાં જ ગૃહમંત્રી અમિત શાહે ખુલાસો કર્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનમાંથી પણ ભંડોળ મળ્યું હતું. આ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ સોનિયા ગાંધી છે. ઉપરાંત, ટ્રસ્ટીઓમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડૉ. મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, 2008માં કોંગ્રેસ અને ચીનની એકમાત્ર સત્તાધારી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈના વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા હતા. જેની ઉપર હસ્તાક્ષર તત્કાલીન પાર્ટી મહાસચિવ રાહુલ ગાંધીએ કર્યા હતા. 

  આ બધું જોતાં રાહુલ ગાંધી આવી વાતો કરે એ આશ્ચર્યજનક તો નથી જ, પરંતુ દુઃખદ જરૂર છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં