Wednesday, September 18, 2024
More
    હોમપેજમંતવ્યદેશની સાથે કોંગ્રેસ ઉભી છે એ દેખાડવાની અઠવાડિયામાં મળેલી બે અમુલ્ય તક...

    દેશની સાથે કોંગ્રેસ ઉભી છે એ દેખાડવાની અઠવાડિયામાં મળેલી બે અમુલ્ય તક કોંગ્રેસે ગુમાવી દીધી

    તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકોની ભારતીય સૈનિકો દ્વારા થયેલી ધોલાઈને સાવ જુદી રીતે દર્શાવવી અને બિલાવલ ભુટ્ટોના બકવાસ પર મૌન રહેવું એ દેશની સાથે કોંગ્રેસ ઉભી છે એ સાબિત નથી કરતું.

    - Advertisement -

    પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક વખતે દેશના સૈન્યનો પાનો ચડાવવાને બદલે ‘કોઈકને’ ખોટું તો નહીં લાગે એ માટે ગોળગોળ વાતો કરનાર કોંગ્રેસ હજી પણ અવઢવમાં છે. આ અવઢવ એવી છે કે દેશની સાથે કોંગ્રેસ ઉભી છે એ દેખાડવામાં ક્યાંક તે નરેન્દ્ર મોદી સાથે તો નથી ઊભીને એવું દેખાઈ ન જાય એની. ગયા અઠવાડિયે કોંગ્રેસ પાસે એવી બે અમુલ્ય તક આવીને જતી રહી જ્યારે તે દેશ સાથે ઉભી છે એમ મજબુતીથી દેખાડી શકી હોત.

    પહેલી તક તો ત્યારે આવી જ્યારે તવાંગ ખાતે ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા. આ ઘર્ષણની સરકાર દ્વારા પુષ્ટિ બાદ અમુક એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં જ્યાં એવું સ્પષ્ટરીતે જોઈ શકાતું હતું કે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને મારી મારીને LAC પરથી તેમની તરફ ભગાડી મુક્યા હતાં.

    આ વિડીયો એવું કહેવાય છે કે તવાંગનાં ન હતાં અથવાતો કદાચ જુના હતાં. જે હોય તે પણ તેના સ્પષ્ટ દ્રશ્યો તો એવાં જ હતાં કે ભારતીય સૈનિકો ચીનીઓ પર ભારે પડી રહ્યાં છે. જ્યારે દેશની સાથે કોંગ્રેસ ઉભી છે એવું દર્શાવવાનું હોય ત્યારે સત્ય અસત્યની પરખ કર્યા વગર જ એ હવા સાથે જોડાઈ જવું જોઈએ જ્યાં દુશ્મન સામે આખો દેશ એક છે એ જોઈ શકાતું હોય અથવાતો એવું દ્રશ્ય ઉભું થવું જોઈએ. આમ થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એકતા દર્શાવી શકાય અને દેશની છાપ મજબુત થાય.

    - Advertisement -

    તેની બદલે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અને વાયનાડના સંસદ સભ્ય રાહુલ ગાંધી જેઓ ભારત જોડવા નીકળ્યાં છે તેમણે ભારતીય સૈનિકોનું જ અપમાન કરી દીધું. રાહુલ ગાંધીએ પણ કદાચ ઉપર વાત કરવામાં આવી છે એ વિડીયો જોયા હશે. પરંતુ આપણને જે વિડીયોમાં ભારતીય સૈનિકો ચીની સૈનિકોને મારી ભગાડતા જોવા મળ્યાં એ જ વિડીયોમાં રાહુલબાબાને ખબર નહીં કેમ પણ સાવ ઉલટું જ જોવા મળ્યું.

    રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે ચીની સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યાં છે! હવે આટલી હદનું જુઠ્ઠાણું અને એ પણ જ્યારે સત્ય તમામની નજર સમક્ષ હોય, ભલે એ વિડીયોનો સમય નક્કી ન હોય, ત્યારે બોલવામાં આવે એ સમયે દેશની સાથે કોંગ્રેસ ઉભી છે એવું ક્યાંથી માની શકાય? જો કોઈ છૂટક કોંગ્રેસી નેતાનું આ નિવેદન હોત તો સમજી શકાયું હોત અને તેની અવગણના પણ થઇ ગઈ હોત પરંતુ આ તો રાહુલ ગાંધી હતા.

    જ્યારે સ્પષ્ટ હકીકત જનતાની સામે હોય અને જનતા આપણા સૈન્યના પરાક્રમ પ્રત્યે ગર્વ અનુભવતી હોય ત્યારે તમે એ હકીકતથી સાવ વિરુદ્ધ વાત કરો અને એ પણ ભારતીય સૈન્યના લાભની વિરુદ્ધ જતી ત્યારે પ્રજા તમારા પર ગુસ્સે ભરાય જ અને પછી તમને મત ન આપે તો પછી એમાં તમારે EVMનો વાંક ન કઢાય. ઘણીવાર એક મનમાં પ્રશ્ન થતો હોય છે કે રાહુલ ગાંધી આ પ્રકારના બફાટ જાતે જ કરી લેતા હશે કે પછી એમની સ્ક્રીપ્ટ કપિલ શર્મા શોના કોઈ લેખક લખી આપે છે?

    દેશની સાથે કોંગ્રેસ સાથે ઉભી છે એ દેખાડવાની બીજી તક કોંગ્રેસને એક જ અઠવાડિયામાં ત્યારે જ મળી ગઈ જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બકવાસ કર્યો. બિલાવલ ભુટ્ટોએ નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ ગણાવીને તેઓ દેશના વડાપ્રધાન બની ગયા છે એવો કચરો પોતાના મોઢામાંથી કાઢ્યો ત્યારે કોંગ્રેસે એક સુરમાં તેમની આકરામાં આકરી ટીકા કરવાની હતી.

    એક સમય એવો હતો જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઓફ ધ રેકોર્ડ તે સમયના ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહને દેહાતી ઔરત કહ્યા હતાં ત્યારે આ જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવાઝ શરીફને તેમની ઔકાત દેખાડી દીધી હતી. આને કહેવાય રચનાત્મક વિપક્ષ અને વિપક્ષી નેતા.

    ઘરમાં ચાલતી સમસ્યાઓનો તો વિરોધ કરીને શાસક પક્ષનાં નાકમાં દમ કરી દેવો એ વિપક્ષનું કાર્ય છે જ પરંતુ જ્યારે દેશ પર કોઈ આપત્તિ આવે કે પછી તેનું અપમાન થાય ત્યારે વિરોધી દેશને એનું સ્થાન દર્શાવીને દેશની સાથે ઉભા રહેવાનું કાર્ય પણ વિપક્ષનું જ છે. પરંતુ અહીં કોંગ્રેસ કાયમ માર ખાઈ જાય છે. બિલાવલ ભુટ્ટો તો પાકિસ્તાનના વડાપ્રધાન પણ નથી અને તડજોડ કરીને પાકિસ્તાની લશ્કરે બનાવેલી સરકારમાં મંત્રી છે તેમ છતાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી એટલેકે કોંગ્રેસ આ લખાય છે ત્યાં સુધી બિલાવલ વિરુદ્ધ આધિકારિક રૂપે એક શબ્દ પણ નથી બોલી.

    દેશના વડાપ્રધાનનું અપમાન દેશનું અપમાન કહેવાય છે, આ વાત નરેન્દ્ર મોદી એક સમયે સમજી ગયા હતાં પરંતુ રાહુલ ગાંધી અથવાતો તેમની કોંગ્રેસ હજી પણ નથી સમજી. છેલ્લાં આઠ વર્ષથી દેશભરમાં નરેન્દ્ર મોદી દરેક સરવેમાં સહુથી લોકપ્રિય નેતાનું સ્થાન સતત જીતી રહ્યાં છે એવામાં એમનાં અપમાનનો યથાર્થ વિરોધ કરીને પણ કોંગ્રેસ અથવા રાહુલ ગાંધી દેશના લોકોનો થોડોઘણો પ્રેમ જીતી શક્યા હોત.

    પરંતુ, મોદી વિરોધમાં દેશ વિરોધમાં લિપ્ત કોંગ્રેસ સતત ભૂલ પર ભૂલ કરી રહી છે અને ગત અઠવાડિયાની આ બંને ભૂલોએ તેમાં ઉમેરો કરી દીધો છે. દેશની સાથે કોંગ્રેસ ઉભી છે તે દર્શાવવા માટે ભારત જોડો યાત્રા કદાચ એટલી કામમાં નહીં આવે જેટલી આ નાની નાની ભૂલો ન કરીને તે દર્શાવી શકશે. જો આ જ રીતે કોંગ્રેસ ભૂલો પર ભૂલો કરતી રહેશે તો કાયમની જેમ આપણે ફરીથી એ કહેવું પડશે કે કોંગ્રેસ માટે દિલ્હી અભી બહોત દૂર હૈ!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં