Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનમોહનસિંહને ‘દેહાતી ઔરત’ કહેવા બદલ નવાઝ શરીફ પર ગર્જ્યા હતા નરેન્દ્ર મોદી,...

    મનમોહનસિંહને ‘દેહાતી ઔરત’ કહેવા બદલ નવાઝ શરીફ પર ગર્જ્યા હતા નરેન્દ્ર મોદી, હવે ભુટ્ટોની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીના મૌન પર પ્રશ્નાર્થ

    નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "હિંદુસ્તાનમાં અમારા વડાપ્રધાન સામે અમે લડીશું, નીતિઓ માટે ઝઘડા કરીશું, પરંતુ 125 કરોડ લોકોના દેશના વડાપ્રધાન છે. નવાઝ શરીફ, તમારી શું ઔકાત છે?"

    - Advertisement -

    આર્થિક સહિતના તમામ મોરચે કંગાળ થઇ ગયેલો પાડોશી દેશ પાકિસ્તાન વૈશ્વિક મંચ ઉપર કાયમ ભારતવિરોધી ઝેર ઓકવાનું કામ કરે છે. તાજેતરમાં પણ યુએનમાં બંને દેશો સામે આવ્યા હતા ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને તેમને ‘ગુજરાતના કસાઈ’ ગણાવ્યા હતા. એક તરફ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન વિશે આ કક્ષાના શબ્દો બોલાયા હોવા છતાં કોંગ્રેસ પાર્ટી ચૂપ છે. 

    આ સંજોગોમાં લોકો ભૂતકાળ યાદ કરી રહ્યા છે જ્યારે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે તત્કાલીન ભારતીય વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ વિશે અપમાનજનક શબ્દો વાપર્યા હતા. ત્યારે વિરોધ પક્ષમાં હોવા છતાં નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને નવાઝ શરીફને જાહેર મંચ ઉપરથી ફટકાર લગાવી હતી અને કડક શબ્દોમાં ટીકા કરી હતી. 

    વાસ્તવમાં તત્કાલીન પીએમ મનમોહન સિંહે યુએન જનરલ એસેમ્બલીમાં ભાષણ દરમિયાન પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં તત્કાલીન પાક. પીએમ નવાઝ શરીફે મનમોહનસિંહને ‘દેહાતી ઔરત’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મનમોહનસિંહ ‘દેહાતી ઔરત’ની જેમ આ મુદ્દાને (પાકિસ્તાનમાં આતંકવાદ) ઉઠાવી રહ્યા છે અને ભારત-પાકિસ્તાનનો મુદ્દો અમેરિકા પાસે લઈને પહોંચી જાય છે.”

    - Advertisement -

    આ ઇન્ટરવ્યૂના બીજા દિવસે તત્કાલીન ગુજરાત સીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “નવાઝ શરીફે એમ કહ્યું કે, હિંદુસ્તાનના વડાપ્રધાન ‘દેહાતી ઔરત’ જેવા છે. હિંદુસ્તાનમાં અમારા વડાપ્રધાન સામે અમે લડીશું, નીતિઓ માટે ઝઘડા કરીશું, પરંતુ 125 કરોડ લોકોના દેશના વડાપ્રધાન છે. નવાઝ શરીફ, તમારી શું ઔકાત છે? તમે મારા દેશના વડાપ્રધાનને ‘દેહાતી ઔરત’ કહીને સંબોધન કરો છો? હિંદુસ્તાનના વડાપ્રધાનનું આનાથી મોટું કોઈ અપમાન ન હોય શકે, હિંદુસ્તાનનું આનાથી મોટું કોઈ અપમાન ન હોય શકે. હિંદુસ્તાનમાં અમે 125 કરોડ એક છીએ. અમારા વડાપ્રધાનનું અપમાન આ દેશ સહન નહીં કરે.” 

    ભાજપ નેતા પ્રવેશ સાહિબ સિંઘે પીએમ મોદીના આ ભાષણનો વિડીયો શૅર કર્યો છે. તેમણે લખ્યું કે, બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીજી પર ટિપ્પણી કરી તો કોંગ્રેસ ચૂપ થઇ ગઈ, પરંતુ એ પણ એક સમય હતો જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આપણા પૂર્વ પીએમ મનમોહનસિંહજીને અપશબ્દ કહ્યા હતા તો મોદીજીએ UPA સરકાર સાથે પૂરેપૂરી એકતા બતાવી હતી અને પાકિસ્તાનની ટીકા કરી હતી, અંતર સ્પષ્ટ છે. 

    બિલાવલ ભુટ્ટોની ટિપ્પણી બાદ કોંગ્રેસમાંથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું મોડું-મોડું નિવેદન આવ્યું અને તેમણે ભુટ્ટોની ટીકા કરી, પરંતુ અન્ય મુદ્દાઓને લઈને બહુ બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કે ગાંધી પરિવારના અન્ય સભ્યો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોઈ નિવેદન આપ્યું નથી. 

    સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાને લઈને ચર્ચા જોવા મળી. એક યુઝરે લખ્યું કે, આજે ચીન સાથે સંઘર્ષ વચ્ચે રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડી રહ્યા છે અને દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને યાદ અપાવી દઈએ કે જ્યારે પાકિસ્તાની પીએમએ ભારતના તત્કાલીન પીએમને ‘દેહાતી ઔરત’ કહ્યા હતા ત્યારે મોદીજી મનમોહનસિંહ અને દેશ માટે શું બોલ્યા હતા, જુઓ. આને કહેવાય દેશભક્ત. 

    એક યુઝરે કહ્યું કે, નવાઝ શરીફની ટિપ્પણી બાદ ભાજપે આ ટિપ્પણી માટે નવાઝને માફી માંગવા માટે કહ્યું હતું. પાકિસ્તાનનો બિલાવલ ભુટ્ટો પીએમ મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહે છે તો કોંગ્રેસ કેમ તેની ટીકા કરતી નથી? શું મોદી તેમના પીએમ નથી? રાહુલ ગાંધી ક્યારે બોલશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં