“अपनी ग़ुर्बत की कहानी हम सुनाएँ किस तरह ,रात फिर बच्चा हमारा रोते रोते सो गया” ખ્યાતનામ શાયર ઈબરત મછલીશહરીનો આ પ્રખ્યાત શેર આજે આપણા પાડોશી દેશ પાકિસ્તાનની ભૂખે મરતી પ્રજાના એક એક વ્યક્તિને લાગુ પડે છે. અત્યારની પરિસ્થિતિઓને જોતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મરણ પથારીએ પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લી અડધી સદીમાં આવેલી તમામ સરકારોએ આચરેલા ભ્રષ્ટાચારનો માર આજે પાકિસ્તાન એ હદે સહન કરી રહ્યું છે કે ગરીબ પ્રજા ટૂંક સમયમાં એક એક કોળિયાનો મોહતાજ બની જાય તો નવાઈ નહી. આટ આટલું થવા છતાં સત્તા અને ભ્રષ્ટાચારના નશામાં ધુત પાકિસ્તાની સરકારના નેતાઓની આંખો નથી ઉઘડી રહી.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મરણ પથારીએ છે તેની સાબિતી આપતા તાજેતરના કિસ્સાની વાત કરીએ તો આર્થિક કટોકટી અને ખાદ્ય કટોકટીની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનના કરાચીમાં એક ‘ફૂડ ફેસ્ટિવલ‘ નું આયોજન કરાયું હતું. પણ આયોજનના થોડા જ સમયમાં આ કાર્યક્રમ ઉજવણીમાંથી અરાજકતામાં ફેરવાઈ ગયો. ‘કરાચી ઇટ’ નામના ફેસ્ટિવલના અંતિમ દિવસે (8 જાન્યુઆરી 2023) અંધાધૂંધી ફેલાઈ ગઈ, ગેરવહીવટ અને સુરક્ષામાં નિષ્ફળતા દર્શાવતા દ્રશ્યોએ આખી દુનિયામાં પાકિસ્તાની અર્થવ્યવસ્થા અને ખાદ્ય કટોકટીની પોલ ખોલી નાંખી હતી.
#KarachiEat2023 #KarachiEatFestival miss management @karachieats pic.twitter.com/3rtliuWeHj
— zamzam saeed (@zamzamkhan61) January 8, 2023
ખાદ્ય કટોકટી વચ્ચે યોજવામાં આવેલા આ ફૂડ ફેસ્ટીવલ દ્વારા પાકિસ્તાન કદાચ વિશ્વ સામે પોતે સામાન્ય પરિસ્થિતિઓમાં હોય તેવું જતાવવા માંગતું હશે. પણ આ આયોજનના અંતિમ દિવસે જે પ્રમાણે લોકો કાર્યક્રમમાં ઘુસી ગયા અને વ્યવસ્થા ખોરવી નાંખી તેનાથી કંગાળ થવાની કગાર પર ઉભેલા દેશના “સામાન્ય હોવાનો દેખાડો” કરવાના પ્રયત્ન પર પાણી ફરી વળ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મરણ પથારીએ પડી છે તે હવે જગજાહેર થઇ ચુક્યું છે. મળતી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં લગભગ 2,50,000 લાખ લોકો સામેલ થયા હતા.
Reports of harassment and chaos in this year’s #KarachiEat which saw hundreds of stags gatecrashing the venue leading to cancellation of music performances and other agenda items. Attendees report a complete security failure at the event. pic.twitter.com/jNCv9Rez5O
— The Pakistan Daily (@ThePakDaily) January 9, 2023
સોશિયલ મીડિયા પર, ઘણા લોકોએ ફૂડ ફેસ્ટમાં સર્જાયેલી અફરાતફરીના દ્રશ્યોના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. આ ઘટનાના વીડિયોમાં જોવા મળે છે તેમ, કેટલાક લોકો દિવાલો પર ચઢીને, બેરિકેડ્સ તોડતા, બળજબરીથી સ્થળ પર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધમાલિયા ટોળાને જોઇને એ હદે અફરાતફરી મચી કે ફેસ્ટીવલમાં આવેલા લોકો સ્થળ છોડીને ભાગવા મજબુર થયા હતા. કેટલાક લોકો તો દીવાલ કુદીને અંદર ઘુસતા અને બહાર ભાગતા જોવા મળ્યા. હાલ સોશિયલ મીડિયામાં આ ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
પાકિસ્તાનમાં તોળાયેલું ખાદ્ય સંકટ
નોંધનીય છે કે કરાચીમાં એવા સમયે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાકિસ્તાનના કેટલાય શહેરો ખોરાકની તંગીનો સામનો કરી રહ્યા છે. શહેરોની ગલીઓમાં સરકારી રાશનની રીતસર લુંટફાટ થઈ રહી છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે રાશનમાં મળતા લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો ગરીબ અને ભૂખી પ્રજા લુંટી ન જાય તે માટે હથિયારધારી સુરક્ષા કર્મીઓના ટોળા ઉતારી દેવામાં આવ્યાં છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાન ભૂખમરાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરો માંના એક છે કારણ કે ત્યાં સબસીડી વાળા લોટના પેકેટ મેળવવા માટે હજારો લોકો દરરોજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાં બજારોમાં અથડામણ અને ભાગદોડની ઘટનાઓ સામે આવી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે અથડામણ ટાળવા માટે લોટથી ભરેલી મીની ટ્રકો અને વાનને સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવે છે. આ વાહનો બજારો સુધી પહોંચતાં જ આ વાહનોની આસપાસ લોકોના ટોળા એકઠા થઇ જાય છે.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘઉં અને લોટના ભાવમાં અવિશ્વસનીય વધારો થયો છે. કરાચીમાં લોટ 140 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વેચાઇ રહ્યો છે. ઇસ્લામાબાદ અને પેશાવરમાં લોટની 10 કિલોની બેગ 1500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઇ રહી છે જ્યારે લોટની 20 કિલોગ્રામની બેગ 2800 થી 3000 રૂપિયામાં વેચાઇ રહી છે. પંજાબ પ્રાંતમાં મિલ માલિકોએ લોટની કિંમત વધારીને 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દીધી છે.
પાકિસ્તાન માત્ર દેવાની કટોકટી અને ઘટતા જતા ફોરેક્સ રિઝર્વ્સ જ નહીં, પણ અનેક સ્થાનિક ઉત્પાદનોના છૂટક ભાવો અભૂતપૂર્વ ગતિએ વધી રહ્યા છે ત્યારે વાર્ષિક રેકોર્ડ ફુગાવાનો પણ સામનો કરી રહ્યું છે. ડુંગળીના ભાવમાં સૌથી વધુ 501 ટકાનો ઉછાળો નોંધાયો છે, ત્યારબાદ ચિકન બ્રોઇલર 82.5%, ચણા (૫૧.૫) અને મીઠા 49.5%નો વધારો થયો છે.
પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે?
પાકિસ્તાનમાં અત્યાર સુધીની સરકારોએ આચરેલા ભ્રષ્ટાચારે તો દેશની આર્થિક સ્થિતિની કમર તોડી જ છે, પણ ખોરાકની તંગી પાછળ પણ અન્ય અનેક પરિબળો જવાબદાર છે. આવું જ એક મુખ્ય પરિબળ છે પાણીની અછત. નવા બંધો, સિમેન્ટવાળી નહેર વ્યવસ્થાઓ અને પાણીનો સંગ્રહ કરવા માટે અન્ય જરૂરી માળખાગત સુવિધાઓના અભાવે સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા ન હોવાને કારણે પાકનું ઉત્પાદન સાવ ઘટી ગયું છે.
નોંધનીય છે કે પાકિસ્તાનનો વાર્ષિક મોંઘવારી દર નવેમ્બરમાં 23.8 ટકાથી વધીને ડિસેમ્બર 2022માં 24.5% થયો છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં 35.5% નો વધારો થયો છે, જે અગાઉના મહિને 31.2% હતો, જેમાં ડુંગળીના ભાવમાં સહુથી વધુ 501% ભાવ વધારો થયો છે, ચા 63.8%, ઘઉં 57.3%, ઇંડા 54.4%, ચણા 53.2 ટકા% અને ચોખા 46.6% ભાવવધારાનો સમાવેશ થાય છે.
યુક્રેન રશિયાનું યુદ્ધ પણ પાકિસ્તાનની ખાદ્ય કટોકટીમાં ઉમેરો કરતું વધુ એક પરિબળ છે, કારણ કે પાકિસ્તાનના મુખ્ય ખોરાક ગણવામાં આવતા ઘઉંના વધારાના પુરવઠા માટે રશિયા પર આધાર રાખે છે, વર્તમાનમાં રશિયાને પશ્ચિમના અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી પાકિસ્તાને તેની માંગને પહોંચી વળવા માટે અન્ય વિકલ્પો શોધવા પડશે.
એક નાજુક અર્થવ્યવસ્થા, નિરુત્સાહી સરકાર અને તાજેતરના અચાનક આવેલા પૂરને કારણે પાકિસ્તાનમાં મોટી કટોકટી સર્જાઈ છે. આ ઉપરાંત વિદેશી દેણા નીચે દબાયેલું પાકિસ્તાન 8 વર્ષના તળિયે 5.6 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનના મિત્રો ગણતા કેટલાક મુસ્લિમ દેશ અને ચાઈનાએ પણ પાકિસ્તાનની કંગાળ હાલત જોઇને મદદનો હાથ નથી લંબાવ્યો, અને તેના પર નાદારીનો ભય તોળાઈ રહ્યો છે.